આજથી આદ્યશક્તિની આરાધનાનો અવસર શરૂ થયો છે. નવરાત્રીના (Navratri 2022) પવિત્ર પર્વની આજથી શરુઆત થઇ છે. પ્રથમ નોરતે શક્તિપીઠ અંબાજીમાં (Ambaji) ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ (Devotees) મા જગદંબાના દર્શન માટે કતારો લગાવી. આજે અંબાજી મંદિરમાં શાસ્ત્રોક્તવિધિ સાથે ઘટસ્થાપન કરાયું. મંદિરના પૂજારીના હસ્તે વૈદિકવિધિ મુજબ ઘટસ્થાપન કરીને જવારા વાવવામાં આવ્યા. તેમજ ઢોલના ઢબકારે માતાજીની માંડવડીઓને ચાચરચોકમાં લાવવામાં આવી. અંબાજીમાં બે વર્ષ બાદ નવરાત્રિની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. જેને પગલે શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
નવરાત્રીની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અંબાજી પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ અંબાજી મંદિરના ગર્ભગૃહમાં મા અંબેની પૂજા અર્ચના કરી હતી. દર્શન કર્યા બાદ અંબાજી મંદિરમા અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે વડાપ્રધાનના કાર્યક્રમની સમીક્ષા કરી હતી. તો સમીક્ષા બાદ મુખ્યમંત્રીએ ગબ્બર પર દર્શન પણ કર્યા હતા. ગબ્બર પર દર્શન કર્યા બાદ 30 સપ્ટેમ્બરે વડાપ્રધાનની યોજાનાર સભાસ્થળનું નિરીક્ષણ કરી અધિકારીઓને સૂચના આપી હતી.
શારદીય નવરાત્રીની પૂર્વસંધ્યાએ શક્તિપીઠ અંબાજી ખાતે આદ્યશક્તિ માઁ અંબાના દર્શન, પૂજન તથા અર્ચનનો પરમ અવસર પ્રાપ્ત થયો. pic.twitter.com/G6bPI5qcA4
— Bhupendra Patel (@Bhupendrapbjp) September 25, 2022
આદ્ય શક્તિની પૂજા અને આરાધનાના નવ દિવસ દિવસ દરમિયાન ગરબા મંડળોમાં ખેલૈયા મનમૂકીને ગરબા રમશે. ગુજરાતના નાના-મોટા તમામ શહેરોની પોળ, સોસાયટી અને પાર્ટી-પ્લોટમાં ગરબાના ભવ્ય આયોજન થયા છે. તો મોટા મંદિરોમાં ખાસ હવન, પૂજાના આયોજન થયા છે. નવરાત્રિમાં જપ, તપ અને ઉપવાસનું પણ ખાસ મહાત્મય રહેલું છે. ત્યારે માતાજીના ભક્તો નવરાત્રીના નવ દિવસ ઉપવાસ પણ કરશે.
આદ્યશક્તિના નવદુર્ગા સ્વરૂપોમાં સર્વ પ્રથમ પૂજા શૈલપુત્રીની થાય છે. શૈલપુત્રી એટલે જ શૈલરાજ હિમાલયની પુત્રી, દેવી પાર્વતી. દેવી શૈલપુત્રી વૃષભ પર આરુઢ હોઈ તે વૃષભરુઢા કે વૃષભવાહિનીના નામે પણ ઓળખાય છે. તો, ભક્તો તેમને હેમવતી, માહેશ્વરી અને ઈશ્વરી જેવા નામે પણ સંબોધે છે. દેવીએ જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળ ધારણ કરેલા છે.