Navratri 2022: નવલા નોરતાની પ્રથમ દિવસે મંદિરોમાં જામી ભીડ, માતાજીની આરાધના માટે ભક્તોની લાગી લાઇન
નવરાત્રીમાં (Navratri 2022) અંબાજી (Ambaji Temple) , બહુચરાજી, ખોડલધામ, ઉમિયા માતા અને પાવાગઢ સહિતના ધર્મસ્થળો શ્રદ્ધાળુઓથી ઉભરાયા છે. નવરાત્રીને લઇ અંબાજીમાં વહેલી સવારથી ભક્તોની (Devotees) ભીડ જામી છે.
આદ્ય શક્તિની આરાધનાના પર્વ નવલાં નોરતાનો રંગચંગે પ્રારંભ થયો છે. નવરાત્રીમાં (Navratri 2022) અંબાજી (Ambaji Temple) , બહુચરાજી, ખોડલધામ, ઉમિયા માતા અને પાવાગઢ સહિતના ધર્મસ્થાનોમાં શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી રહી છે. નવરાત્રીને લઇ અંબાજીમાં વહેલી સવારથી ભક્તોની (Devotees) ભીડ જામી છે. મંગળા આરતી માટે વહેલી સવારથી જ ભક્તોની લાઇન લાગી હતી. તો પ્રસિદ્ધ ચોટીલા મંદિર અને કચ્છમાં માતાના મઢ ખાતે આશાપુર માતાજીના દર્શને હજારો શ્રદ્ધાળુ હરખભેર પહોંચી રહ્યાં છે. બહુચરાજી અને ઉમિયા ધામમાં પણ વહેલી સવારથી જ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે.
વિવિધ જગ્યાએ ગરબાનું ભવ્ય આયોજન
આદ્ય શક્તિની પૂજા અને આરાધનાના નવ દિવસ દિવસ દરમિયાન ગરબા મંડળોમાં ખેલૈયા મનમૂકીને ગરબા રમશે. ગુજરાતના નાના-મોટા તમામ શહેરોની પોળ, સોસાયટી અને પાર્ટી-પ્લોટમાં ગરબાના ભવ્ય આયોજન થયા છે. તો મોટા મંદિરોમાં ખાસ હવન, પૂજાના આયોજન થયા છે. નવરાત્રિમાં જપ, તપ અને ઉપવાસનું પણ ખાસ મહાત્મય રહેલું છે. ત્યારે માતાજીના ભક્તો નવરાત્રીના નવ દિવસ ઉપવાસ પણ કરશે.
The 9-day-long festival of Shardiya #Navratri festival dedicated to #MaaDurga and her nine avatars begins #TV9News pic.twitter.com/8MXzyhpsDI
— Tv9 Gujarati (@tv9gujarati) September 26, 2022
મંદિરોમાં માતાજીની આરાધનાના વિવિધ કાર્યક્રમ
ગુજરાતના વિવિધ મંદિરમાં નવરાત્રી (Navratri 2022) દરમિયાન માતાના ભક્તોની ભીડ વધતી હોવાથી દર્શન માટે ખાસ આયોજન કરવામા આવ્યુ છે. ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે મંદિરના ટ્રસ્ટીઓ પોલીસ સાથે સંકલન કરીને આયોજન કરી રહ્યા છે. અંબા માતાના મંદિરોમાં નવરાત્રી દરમિયાન જવારા વાવવાની વિધિ પણ કરવામાં આવે છે અને ત્યાર બાદ તેનો પ્રસાદ પણ ભક્તોને આપવામાં આવે છે. સાથે જ કેટલાક મંદિરોમાં માતાજીના હવન સહિતના કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે.
રહેણાંક સોસાયટીઓમાં નવરાત્રીઓનું આયોજન
આ વર્ષે નવરાત્રીમાં કોઈ પણ જાતના પ્રતિબંધ ન હોવાથી માતાજીના મંદિરોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. સાથે સાથે સુરતમાં શેરી નવરાત્રી અને રહેણાંક સોસાયટીમાં નવરાત્રીના (Navratri 2022) ગરબાનું આયોજન પણ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. જેના કારણે માતાજીના ભક્તો મન મુકીને નવરાત્રીની ઉજવણી કરવા સાથે ગરબે ઘુમતા પણ જોવા મળશે.