અમરેલી એ સિંહોનો ગઢ ગણાય છે અને આ એશિયાટિક લાયન એ ગુજરાતની આન બાન અને શાન ગણાય છે. ગીરના સિંહો એ દેશભરમાં ગુજરાતને એક અલગ ઓળખ અપાવી છે. આ સિંહો ગુજરાતનું ઘરેણુ છે. પણ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની શાન સમાન આ સિંહો અત્યંત અસુરક્ષિત બન્યા છે અને અકાળે મોતને ભેટી રહ્યા છે. જેનુ કારણ છે રેલવે ટ્રેક. અનેકવાર સિંહો શિકારની શોધમાં ચાલતા ચાલતા ટ્રેક પર જઈ ચડે છે અને ટ્રેનની અડફેટે આવતા મોતને ભેટે છે. અનેક સિંહોના આ પ્રકારે મોત થયા છે. રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે થતા સિંહોના મોત અંગે ગુજરાત હાઈકોર્ટે પણ ચિંતા વ્યક્ત કરી હતી અને સરકાર તેમજ વનવિભાગને નક્કર કામગીરી કરવા ટકોર કરી હતી. હાલ અમરેલી જિલ્લામાં રેલવે ટ્રેક સિંહો માટે સેન્સિટિવ ઝોન બની રહ્યો છે. રાજુલા પીપાવાવ પોર્ટ રેલવે ટ્રેક ઉપર વનવિભાગ રાત્રિના સમયે રેડ ઝોન વિસ્તારમાં આખી રાત રાતવાસો કરી પેટ્રોલિંગ કરે છે અને ટ્રેક પર અલગ અલગ પોઈન્ટ પર પહોંટી સિંહ જ્યાં બેસે છે ત્યારે રેલવે સેવક રેડ સિગ્નલ બતાવી ટ્રેનને ઈમરજન્સી ઉભી રખાવે છે અને ત્યારબાદ સિંહને ટ્રેક દૂર ખસેડે છે.
દેશની શાન ગણાતા સાવજો સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અમરેલી જિલ્લામાં રેલવે ટ્રેક આસપાસ સામ્રાજ્ય સ્થાપી રહ્યા છે જેના કારણે રેલવે ટ્રેક સિંહો માટે સેન્સિટિવ બની રહ્યો છે થોડા સમય પહેલા અને ભૂતકાળમાં અનેક સિંહોના ટ્રેક ઉપર ટ્રેન હડફેટે મોત થયાની ઘટનાઓ બની ચુકી છે. રેલવે ટ્રેક ઉપર વનકર્મીઓના નાઈટ પેટ્રોલીંગ રેડ ઝોન વિસ્તારમા અહીં ટ્રેક ઉપર આસપાસમાં વિસ્તારમાં વનર્કમીઓ સિંહો અને ટ્રેક ઉપર બાજ નજર રાખી વનવિભાગના ટ્રેકરથી લઈ રેન્જ ફોરેસ્ટર ઓફિસર કક્ષાના અધિકારીઓ રાતભર ટ્રેક પર પેટ્રોલીંગ કરી રહ્યા છે.
રેલવે ટ્રેક પર અનેક સિંહોના અકુદરતી મોત બાદ વનવિભાગ એક્શન મોડમાં આવ્યુ છે. રાજુલા રેંજ વિસ્તારમાં રાજુલા પીપાવાવ પોર્ટ રેલવે ટ્રેક 48 કિલોમીટર જેટલો લાંબો વિસ્તાર આવેલો છે. આ વિસ્તારમાં સૌથી વધુ સિંહોનો વસવાટ છે અને રોજ રેલવે ટ્રેક વિસ્તારમાં સિંહો આંટાફેરા કરતા હોય છે. વનવિભાગ દ્વારા રાત્રીના સમયે 45 રેલવે સેવકો ટ્રેકર્સ પેટ્રોલીંગ કરતા હોય છે. સિંહોને ટ્રેક ઉપરથી દૂર ખસેડવાની કામગીરી કરી રહ્યા છે. ઉપરાંત 40 જેટલી સેન્સર સોલાર લાઈટો ઉભી કરાઈ છે.
ટ્રેક ઉપર સિંહો સહિત વન્ય પ્રાણી પસાર થાય તો સોલાર લાઈટ ડીમ હોય છે. તે તાત્કાલિક ફૂલ પ્રકાશમાં આવે જેથી ટ્રેકરો જોઈ શકે. ટ્રેક નજીક 12 જેટલા વોચ ટાવર ઉભા કર્યા છે જે વોચ ટાવર ઉપરથી વનવિભાગના રેલવે સેવકો ટ્રેકર્સ નજર રાખતા હોય છે. અહીં ચોમાસા દરમ્યાન સૌથી વધુ વનવિભાગ માટે પડકાર જનક સ્થિતિ સર્જાઈ છે. ટ્રેક આસપાસ કાદવ કીચડ. મોટી ઝાડીઓ ચાલુ વરસાદ પણ હોય છે. તેમ છતાં વનવિભાગના કર્મીઓ અહીં રાતભર પેટ્રોલીંગ કરી સિંહો ટ્રેનની અડફેટે ન આવે અને અકસ્માત ન સર્જાય તેની તકેદારી રાખવાની કામગીરી કરી રહ્યા છે.
ઉપરાંત આસપાસના વિસ્તારમાં ફેન્સિંગ હોવા છતાં સિંહો કેટલીક વખત ફેન્સિંગ ઉપર છલાંગ લગાવી અંદર પ્રવેશ કરવાની ઘટનાઓ પણ બની રહી છે. ચોમાસામાં રેલવે બ્રિજ વિસ્તારમાં પાણી ભરવાના કારણે સૌથી વધુ સિંહો ટ્રેક ઉપર રહેવાનું વધુ પસંદ કરતા હોય છે. તેવા સમયે વનવિભાગના કર્મચારીઓ ટ્રેક ઉપર રાતભર ભાગદોડ વચ્ચે સિંહોને દૂર ખસેડી રહ્યા છે. આ કામગીરી કરનારા રેલવે સેવકો સાથે પણ ટીવી નાઇનની ટીમ દ્વારા વાતચીત કરી સિંહો અને ટ્રેનની મુમેન્ટ વિશે જાણવાની પ્રયાસ કર્યો હતો
પીપાવાવ પોર્ટ માંથી આવતી ગુડ્સ ટ્રેનની મુમેન્ટ રાત્રીના સમયે સૌથી વધુ હોય છે. અહીં પેસેન્જર ટ્રેન નથી આવતી. માત્ર ગુડસ ટ્રેનની અવર જવર 15 થી વધારે હોય છે તો તેની સામે સિંહોની ટ્રેક ઉપર અવરજવરની મુવમેન્ટ તો વર્ષોથી આ વિસ્તારમાં છે, જ્યારે રેલવે ટ્રેક ઉપર સિંહો બેસી જાય છે ત્યારે સામેથી આવતી ગુડ્સ ટ્રેનને આ રેલવે સેવકો ઇમરજન્સી રોકાવવા માટે રેડ સિગ્નલ આપે છે. જેથી ગુડ્સ ટ્રેનના લોકોપાઇલોટને ઇમરજન્સી મુવમેન્ટ સમજી બ્રેક મારે છે અને સિંહને ટ્રેકથી દૂર ખસેડી બહાર કાઢવામાં આવે છે. આ પ્રકારની કામગીરી આ વનવિભાગના રેલવે સેવકો કરી રહ્યા છે.દરોજ રાત્રીના સમયે ટ્રેક ક્રોસિંગ કરવાની ઘટનાઓ અને સિંહોને બચાવવાની કામગીરી રોજે રોજ વનવિભાગ દ્વારા રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. એકલા ઓગસ્ટ મહિનામાં જ 46 જેટલા સિંહોને આ પ્રકારે બચાવી સુરક્ષિત ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ઉચ્ચ અધિકારીઓ કેટલીક વખત આ ટ્રેક વિસ્તારમાં સરપ્રાઈઝ ચેકીંગ કરતા પણ હોય છે. ચોમાસા દરમ્યાન સતત ફૂટ પેટ્રોલીંગ કરવાની કામગીરી વનવિભાગ કરી રહ્યું છે.
રાજુલા પીપાવાવ પોર્ટ રેલવે ટ્રેક વિસ્તારમાં ટ્રેનની સ્પીડ 40ની કરવામાં આવી છે. જેથી ટ્રેન સમયસર ઇમરજન્સી બ્રેક મારવાથી તાત્કાલિક ઉભી રાખી શકાય. ઉપરાંત ટ્રેનની સ્પીડ અને ગતિમર્યાદા ઉપર પણ વનવિભાગ નજર રાખી રહ્યું છે. બીજી તરફ કોઈ એક ટ્રેક પોઇન્ટ ઉપર સિંહો પ્રવેશ કરે તેવા સમયે આખા ટ્રેક વિસ્તારના તમામ વનવિભાગના રેલવે સેવકો ટ્રેકર્સને ટોર્ચ લાઈટ વોટ્સએપ મેસેજ મારફતે મેસેજ આપવામાં આવે. જેથી ટ્રેક ઉપર આ જવાનો સિંહોને બહાર કાઢવા માટે ચારે તરફથી નજીક આવતા હોય છે. જોકે આ રાત્રીના સમયે આ ટ્રેક ઉપર રેડ ઝોન વિસ્તાર હોવાને કારણે એલર્ટ મોડમાં વનકર્મીઓ તૈનાત હોય છે અને કેટલીક પડકાર જનક કામગીરી અને જીવના જોખમ વચ્ચે કામગીરી કરી રહ્યા છે. વનવિભાગ અહીં કેટલાક સેન્સિટિવ પોઇન્ટ ઉપર ટેકનોલોજીનો પણ ઉપયોગ કરતા કરતા જોવા મળી રહ્યા છે.
Input Credit- Jaydev Kathi- Amreli
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 7:17 pm, Thu, 5 September 24