Ahmedabad: વિધાનસભાના આવતીકાલથી શરૂ થનારા સત્રમાં રજૂ થનાર કોમન યુનિવર્સિટી એક્ટ બિલને લઈને રાજ્યભરની કોલેજના અધ્યાપકો દ્વારા વિરોધ કરવામા આવી રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યની સરકારી યુનિવર્સિટીના અધ્યાપકોએ આજે કાળી પટ્ટી બાંધી વિરોધ કર્યો હતો. બિલનો વિરોધ કરી રહેલા પ્રોફેસરોની દલીલ છે કે કોમન યુનિવર્સિટી એક્ટ લાવી સરકાર યુનિવર્સિટીની સ્વાયત્તતા છીનવવા માગે છે. કુલપતિની નિમણુકની સત્તા પણ સરકાર હસ્તક જવાથી યુનિવર્સિટીમાં પણ સરકારના યસમેન નિમાવાની ભીતિ આ અધ્યાપકો વ્યક્ત કરી રહ્યા છે.
નેશનલ એજ્યુકેશન પોલિસી હેઠળ વિધાનસભા સત્રમાં રાજ્ય સરકાર આ બિલ લાવવાની છે. બિલની જોગવાઈ મુજબ રાજ્યની 8 યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થી પ્રતિનિધિત્વની ચૂંટણી રદ થશે. જેને લઈને અધ્યાપકો અને વિદ્યાર્થીઓની યુનિવર્સિટીમાં ભાગીદારી ઘટશે. આ એક્ટ માત્ર સરકારી યુનિવર્સિટીઓને જ લાગુ થતો હોવાથી અભ્યાસક્રમની સમાનતા નહીં જળવાય. અધ્યાપકોનો એવો પણ આક્ષેપ છે કે આ એક્ટ બિલ આવવાથી યુનિવર્સિટી ભંડોળ, યુનિવર્સિટીની સ્થાવર જંગમ મિલકત પર સરકારનો નિર્ણય આખરી રહેશે. આ એક્ટ શિક્ષણના હિત માટે નહીં પરંતુ સત્તા લાવવા માટે લાવવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ પ્રોફેસરો દ્વારા કરાઈ રહ્યો છે.
પ્રોફેસર હુમા નિઝામીના જણાવ્યા મુજબ આ એક્ટ આવવાથી સ્વાયત્તતા ખતમ થશે અને માત્ર સરકારના નિયમો અમલી કરવા માટેની એજન્સી શિક્ષણ સંસ્થાઓ બનીને રહી જશે. સત્તાધારી પક્ષ પોતાના પોલિટિકલ એજન્ડા પ્રમાણે અભ્યાસક્રમ નક્કી કરશે. જેનાથી શિક્ષણની ગુણવત્તા નબળી પડશે. જે સમાજના કે શિક્ષણના બિલકુલ હિતમાં નથી. આથી જ આ બિલનો પહેલાથી જ વિરોધ કરવામાં આવી રહ્યો છે.
વિરોધ કરી રહેલા પ્રોફેસર્સની એવી પણ દલીલ છે કે આ બિલને અમલમાં લાવતા પહેલા સરકારે અધ્યાપકોના સૂચનો મગાવવા જોઈએ. આ અગાઉ 2005, 2007, 2009 અને 2014 માં પણ રાજ્ય સરકાર કોમન યુનિવર્સિટી એક્ટ લઈને આવી હતી જો કે વિરોધના પગલે એ પાસ થઈ શક્યું ન હતું અને બિલને પડતુ મુકવુ પડ્યુ હતુ. ત્યારે ફરી સરકાર આ કાયદાને અમલમાં લાવવા જઈ રહી છે. જેનો અધ્યાપકો સખ્ત વિરોધ કરી રહ્યા છે. એક અધ્યાપકે તો ત્યાં સુધી કહ્યુ કે આ બિલ લાવી સરકાર અધ્યાપકોને તેમના ગુલામ બનાવવા માગે છે. હાલ જે દશા પ્રાથમિક શાળાના શિક્ષકોની છે એ દશા આવનારા દિવસોમાં અધ્યાપકોની થશે.
આ અગાઉ કોંગ્રેસ દ્વારા પણ બિલનો વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસનો આક્ષેપ છે કે કોમન યુનિવર્સિટી એક્ટ બિલ ખાનગીકરણને સીધેસીધુ પ્રોત્સાહન આપે છે જેના કારણે શિક્ષણનો ખર્ચ આસમાને પહોંચશે અને ઉચ્ચ શિક્ષણ સામાન્ય લોકોની પહોંચની બહાર થઈ જશે. અગાઉ પણ સરકાર આ બિલ વિધાનસભામાં પાસ થઈ શક્યુ ન હતુ. ત્યારે આ વખતે જોવુ રહ્યુ કે પ્રચંડ વિરોધ વચ્ચે પણ શું બહુમતીના જોરે આ બિલ પાસ થશે કે કેમ?
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો