Ahmedabad: વિધાનસભામાં રજૂ થનાર કોમન યુનિવર્સિટી એક્ટનો કોંગ્રેસ દ્વારા વિરોધ, યુનિવર્સિટીની 50 હજાર કરોડની જગ્યા પર સરકારની નજરના આક્ષેપ
Ahmedabad: વિધાનસભામાં રજૂ થનારા કોમન યુનિવર્સિટી એક્ટ અંગેના બિલનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે. અગાઉ વિધાનસભામાં આ બિલ ચારવાર નામંજૂર થઈ ચુક્યુ છે. ત્યારે ફરી એકવાર સરકાર આ બિલ વિધાનસભામાં રાખવા જઈ રહી છે. જેનો કોંગ્રેસ સહિત પૂર્વ સિન્ડીકેટ સભ્યો વિરોધ કરી રહ્યા છે.
Ahmedabad: નેશનલ એજ્યુકેશન પોલીસી હેઠળ રાજ્યમાં કોમન યુનિવર્સિટી એક્ટ અંગેનું બિલ આગામી વિધાનસભા સત્રમાં રજૂ થનાર છે. અગાઉ ચાર વાર વિધાનસભામાં આવેલ અને મંજૂર ના થનાર આ બિલને લઈ કોંગ્રેસ પક્ષ અને પૂર્વ સિન્ડિકેટ સભ્યો વિરોધ કરી રહ્યા છે.
કોંગ્રેસે 12 ઓગષ્ટ સુધીમાં કોમન યુનિવર્સિટી એક્ટ બિલ અંગેના વાંધા રજૂ કરવા કર્યુ આહ્વાન
વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા અને ઇન્દ્રવિજયસિંહ ગોહિલે મીડિયા સમક્ષ આવી રાજ્યના શિક્ષણ સાથે સંકળાયેલ લોકોને વિનંતિ કરી કે કોમન યુનિવર્સિટી એક્ટ અંગે જાગૃત નાગરિકો સરકારને પોતાના વાંધા 12 ઓગસ્ટ સુધી મોકલી આપે. આ બિલ આવતા ગ્રાન્ટેડ યુનિવર્સિટીની સ્વાયત્તતા સમાપ્ત થશે અને વિદ્યાર્થી પ્રોફેસર તેમજ એ સહિતનું નેતૃત્વ ખતમ થશે. જે બોર્ડ ઓફ મેનેજમેન્ટ રચાશે એમાં સરકારના માન્ય લોકો તેમજ યશમેન સામેલ થશે.
રાજ્યની આઠ ગ્રાન્ટેડ યુનિવર્સિટીઓની મોટા શહેરોમાં મોકાની જગ્યા પર 50,000 કરોડથી વધારેની મિલકત છે. ખરા અર્થમાં તો સરકાર આ મિલકત વેચવા માંગતી હોવાથી આ બિલ લાવવામાં આવનાર છે. બિલનો મુસદ્દો તૈયાર કરાયો છે તેમાં પણ સ્પષ્ટ લખ્યું છે કે યુનિવર્સિટીની જગ્યા વેચાણ, ભાડે અને ટ્રાન્સફર કરી શકાશે.
યુનિવર્સિટીની મોકાની જગ્યા પર સરકારની નજર:કોંગ્રેસ
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને પૂર્વ સિંડિકેટ મેમ્બર ઈન્દ્રવિજયસિંહ ગોહિલે બિલ વિશે વાત કરતા જણાવ્યું કે રાજ્યની 8 સરકારી યુનિવર્સિટીઓ પાસે જે તે શહેરમાં મોકાની જગ્યા પર હજારો એકર જમીન છે. બિલના મુસદ્દામાં યુનિવર્સિટીની સ્થાવર મિલકતોને વેચાણ, ભાડે અને ટ્રાન્સફર કરી શકાય એવું લખ્યું છે.
જે દેશના ઇતિહાસમાં ક્યારેય નથી બન્યું કે શૈક્ષણિક સંસ્થાનની મિલકતોને વેચી કે ટ્રાન્સફર કરી શકાય. ખરા અર્થમાં સરકારની નજર 8 યુનિવર્સિટીઓની 50 હજાર કરોડની જગ્યા અને મિલકત પર છે. મિલકતો કોઈપણ લોકોને જમીન વેચી શકવાનો ઉલ્લેખ જ દર્શાવે છે કે સરકાર યુનિવર્સિટીની જગ્યાઓ વેચવા માંગે છે.
બિલ પાસ થયા બાદ રાજ્યની વિવિધ યુનિવર્સિટીની સ્વાયત્તતા ખતમ થશે- કોંગ્રેસ
બિલ પાસ થયા બાદ રાજ્યની 8 યુનિવર્સિટીઓના પોતાના અધિનિયમો અને નિયમો ખતમ થઈ જશે. તમામ સરકારી યુનિવર્સિટીમાં એકસમાન અભ્યાસક્રમ અને પરીક્ષા પદ્ધતિ થઈ જશે. કોમન યુનિવર્સિટી એક્ટથી પ્રવેશ, પરીક્ષા અને પદવીમાં એકસૂત્રતા આવી જશે. વિવિધ યુનિવર્સિટીની સ્વાયત્તતા ખતમ થશે અને સરકારનું નિયંત્રણ આવી જશે.
કોમન યુનિવર્સિટી એક્ટથી વિવિધ યુનિવર્સિટીઓની એકેડેમીક અને ફાઈનાન્સિયલ ઓટોનોમિ ખતમ થઈ જશે. કોમન યુનિવર્સિટી એક્ટ બાદ કુલપતિની ટર્મ 3ના બદલે 5 વર્ષની થશે અને કુલપતિ રિપિટ નહિ થાય. તેમજ યુનિવર્સીટીઓની ચૂંટણીઓના બદલે બોર્ડ ઓફ ગવર્નરન્સ આવી જશે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો