સસ્તા અનાજની દુકાનના ગેર વહીવટનો tv9 દ્નારા પર્દાફાશ, જમાલપુરમાં લાભાર્થીઓ સાથે ખુલ્લેઆમ કટકી થતી હોવાનો થયો ઘટસ્ફોટ- Video

|

Nov 26, 2024 | 3:05 PM

અમદાવાદમાં જમાલપુર વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાનમાં રાશનધારકો સાથે ખુલ્લેઆમ કટકી કરી અનાજ સગેવગે કરવાનુ જાણે મસમોટુ ષડયંત્ર ચાલી રહ્યુ છે. આટલા મોટા પાયે લાભાર્થીઓને તેમના હક્કથી વંચિત રાખવામાં આવી રહ્યા છે અને લેભાગુ દુકાનધારકો મનમાની કરી રહ્યા હોવાનુ રાશનધારકો tv9 સમક્ષ જણાવતા જોવા મળ્યા.

અમદાવાદમાં જમાલપુરમાં આવેલી સસ્તા અનાજની દુકાનમાં દુકાનધારક દ્વારા કઈ હદે ગેરવહીવટ ચલાવવામાં આવી રહ્યો છે. તેનો TV9ની ટીમ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. જમાલપુરમાં આવેલી રાશનની દુકાનનો માલિક અસંખ્ય લાભાર્થીઓના હક્કના અનાજ સાથે ખુલ્લેઆમ કટકી કરતો હોવાનું સામે આવ્યુ છે અને ગરીબ લાભાર્થીઓ ક્યાંક અનાજ નહીં મળે તેવા ડરથી તેની સામે કોઈ ફરિયાદ પણ કરી શક્તા નથી.

કોરોના સમયથી શરૂ થયેલા સસ્તા અનાજની યોજનામાં લાભાર્થીઓ સાથે કટકી કરવામાં આવી રહી હોવાનુ સામે આવ્યુ છે. સરકાર તરફથી તો પૂરતો અનાજનો પૂરવઠો આપવામાં આવે છે પરંતુ એ લાભાર્થીઓને તેમના હક્કનો 25 કિલોનો પૂરતો જથ્થો મળતો નથી અને રાશનના દુકાનધારકો ઉપરથી જથ્થો ઓછો આવ્યો છે એવા ઉડાઉ જવાબો આપી સમજાવી દેવામાં આવે છે. . આ પ્રકારે અવારનવાર ગરીબ લાભાર્થીઓને મળનારા સસ્તા અનાજના હક્કથી વંચિત રાખવામાં આવે છે.

આ તમામ બાબતે TV9 ગુજરાતીની ટીમ દ્વારા રિયાલિટી ચેક હાથ ધરવામાં આવ્યુ. જેમા ગેરવહીવટની હદ વટાવતા એવા એવા-એવા ખૂલાસાઓ થયા કે એ જાણીને કોઈપણને પગતળેથી જમીન સરકી જાય. અમદાવાદ શહેરમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ અંતર્ગત 15 જેટલા ઝોનમાં સસ્તા દરે અનાજ વિતરણ થાય છે. હજારો ટન અનાજ દરરોજ આ રાશનની દુકાનોથી લોકોના ઘરે પહોંચે છે. પરંતુ આ વ્યવસ્થા કેટલી અણઘડ ચાલે છે, તેનો આ નમૂનો છે. TV9 ની ટીમે હકીકત જાણી તો, ધ્રુજારી છુટી. અને એટલે જ આ હકીકત તંત્ર સામે છતી કરવાનો આ પ્રયાસ થઈ રહ્યો છે.. રાશનકાર્ડ ધારકોની પીડા TV9ના કેમેરામાં કેદ થઈ છે. માત્ર પીડા જ નહી, દુકાનધારકોનો ડર અને જાણકારીનો અભાવ પણ સામે આવ્યો છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

દર મહિને 7 થી 8 ધક્કા ખાધા વિના દુકાનેથી અનાજ મળતુ નથી

એક લાભાર્થી જણાવે છે કે તેમને સમયસર મહિનાની નિયત તારીખે જે અનાજ મળવુ જોઈએ તે મળતુ નથી. દુકાનધારકની મરજી પડે ત્યારે તે વિતરણ કરે છે. આ જ કારણે ગરીબ લાભાર્થીઓ રોજ ધક્કા ખાવા માટે મજબુર બને છે. રોજ રાશનની દુકાને આવે છે અને જો દુકાન ખુલ્લી હોય તો તેમને અનાજ મળે છે. આવા 7 થી 8 ધક્કા ખાધા બાદ તેમને અનાજ નસીબ થાય છે. આ વરવી હકીકતથી સરકારના અધિકારીઓ વાકેફ હશે કે કેમ તે તો હવે સરકાર જ જાણે. જમાલપુરની રાશનનો દુકાનધારક એટલી હદે મનમાની કરી રહ્યો છે કે સવાર-સાંજ અનાજ આપવાનુ હોય, ત્યારે  તે માત્ર સવારે જ વિતરણ કરે છે. સવારે પણ દુકાનધારક તેના ટાઈમે આવે છે અને જો વચ્ચે કોઈ કામ આવે તો સમય પહેલા જ દુકાન બંધ કરીને સામે ગમે તેટલી લાભાર્થીઓની લાઈન કેમ ન હોય આ મહાશય નીકળી જાય છે.

લાભાર્થીઓ તેમને પડતી આ હાલાકી અંગે કંઈ બોલવા તૈયાર થતા નથી કારણ કે તેમને એવો ડર લાગે છે કે જો તેઓ બોલશે તો તેમનુ કાર્ડ ડિસમિસ કરી દેવામાં આવશે અને તેમને અનાજ નહીં મળે. જે બોલે તે વ્યક્તિને કોઈપણ રીતે સાણસામાં લેવાનો કારસો કરવામાં આવે છે. આજ લાચારીને વશ થઈને લોકો ફરિયાદ કરવા તૈયાર થતા નથી. મોટા ભાગના લાભાર્થીઓની સ્થિતિ એવી છે કે, દુકાનદાર કહી દે છે કે, સ્ટોક નથી. ફરિયાદ કરવા જાય તો જે અનાજ મળે છે તે પણ બંધ થઈ જશે. તેવો ડર બચાવીને મોં બંધ કરાવી દેવાય છે છતાં ઘણાં ફરિયાદ કરે છે. પરંતુ તેમનું પરિણામ મળતું નથી.

અન્ય એક લાભાર્થી જણાવે છે કે અનેક સમસ્યાઓ છે, સરકાર તરફથી લાભાર્થી દીઠ 18 કિલો ચોખા, 12 કિલો ઘઉં, 1 કિલો તેલ, 1 કિલો ચણા અને 1 કિલો દાળ આપવામાં આવે છે. જયારે રાશન ધારક દ્વારા લાભાર્થીને 5 કિલો ચોખા અને 10 કિલો ઘઉં આપવામાં આવે છે. વિચારો 18 કિલો ચોખા માંથી માત્ર 5 કિલો ચોખા લાભાર્થીને અપાય છે, જ્યારે 13 કિલો ચોખા ચાંઉ કરી લેવામાં આવે છે. સંખ્યાબંધ લાભાર્થીઓ સાથે જથ્થો પૂરતો નથી એવા બહાના બતાવીને આ જ પ્રકારે ગોલમાલ કરવામાં આવે છે.

25 કિલો અનાજ આપવાના મેસેજ કરાય છે અને મળે છે માત્ર 10 થી 15 કિલો, બાકીનાની બારોબાર કટકી

લાભાર્થીઓને મોબાઈલમાં મળતા મેસેજ અને તેમને મળતા સસ્તા અનાજના સ્ટોકમાં જમીન આસમાનનો તફાવત છે. મેસેજમાં 25 કિલો ઘઉં, ચોખાનો જથ્થો આપવામાં આવ્યો છે એવુ બતાવીને એન્ટ્રી પાડી દેવાય છે, જેની સામે લાભાર્થીને મળે છે માત્ર 15 કિલો અનાજ. 25 કિલો અનાજમાંથી દર લાભાર્થી દીઠ 10 કિલોની કટકી કરવામાં આવે છે. આવુ માત્ર અનાજમાં જ નહીં, તેલ, દાળ, ચણા, ખાંડ તમામ ચીજોમાં કરવામાં આવે છે. દર મહિને મળતા જથ્થામાંથી લાભાર્થીઓને અનેકવાર આ મહિને ખાંડનો સ્ટોક નથી આવ્યો એટલે ખાંડ નહીં મળે, દાળ નથી આવી એટલે દાળ નહીં મળે એવુ કહીને બારોબાર કટકી કરી લેવામાં આવે છે.

સાવ જ રાશન ન મળે, તેના કરતાં જે મળે છે. તે લઈને મૌન રહેવું તે જ યોગ્ય. આવું જ વિચારીને આ લાભાર્થીઓ રકઝકમાં ઉતરતા નથી. મોડે મોડે આવતા દુકાનધારકને પણ ભગવાન માની, બધુ જ ચલાવી લેવાય છે. છતાં હક પૂરતો મળતો નથી. 15થી 20 કિલો અનાજના હકદારને મળે માત્ર 5-10 કિલો. આજે જથ્થો પતી ગયો છે. તેવા ઉડાઉ જવાબો તો ખૂબ સામાન્ય છે અને જો જથ્થો આ મહિને ન મળે. તો પછી તે ક્યારેય મળવાનો નથી..

એક સર્વે પ્રમાણે મફત અનાજ વિતરણમાં છીંડાને કારણે કારણે કેન્દ્ર સરકારને દર વર્ષે 69 હજાર કરોડનો ફટકો પડે છે. 69 હજાર કરોડ. આ રકમ જરા પણ નાની નથી. સરકાર જેટલા ગરીબોને અનાજ પહોંચાડે છે, તેમાં આ ફટકો ન પડે. તો તેનાથી પણ વધુ લોકો રાતે ભૂખ્યા નહીં ઉંઘે. પણ સિસ્ટમને કોણ પહોંચી વળે? અને કેવી રીતે? અનેક લાભાર્થીઓ એવા છે.. જે દર મહિને તેમને મળતા અનેક કિલો જથ્થો જવા જ દે છે. હવે સવાલ એ કે, જેટલું અનાજ મળે છે તે પણ ક્યારેક ખાવા લાયક હોતુ નથી.

અનેક વખતે સડેલા, બગડેલા અનાજની ફરિયાદો ઉઠી છે. અનેક વખત અપૂરતા જથ્થાની ફરિયાદો ઉઠી છે. આખીય સિસ્ટમમાં ખામીમાં તે કહેવું યોગ્ય નથી. અનેક વખતે ફરિયાદોને આધારે ફેરફારો પણ થયા છે અને થતાં રહે છે. જો કે, આ અનાજની જેમ સિસ્ટમમાં પણ ક્યાંક ક્યાંક સડો છે. તેને ઉજાગર કરવો તો રહ્યો જ અને એટલે જ ટીવીનાઈને આ સડાને શોધી કાઢવાની કવાયત હાથ ધરી છે. હજુ તો અનેક ખુલાસા બાકી છે. જે કદાચ સરકાર સુધી ક્યારેય પહોંચશે પણ નહીં.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:03 pm, Tue, 26 November 24

Next Article