રાજકોટના ગોઝારા અગ્નિકાંડ બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગ સક્રિય, જિલ્લાની દરેક શાળામાં ફાયર સેફ્ટી અને NOC સંબંધે હાથ ધરાયુ ચેકિંગ
રાજકોટના ગોઝારા અગ્નિકાંડ બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગ સક્રિય થયુ છે અને શહેરની દરેક શાળાઓમાં ફાયર સેફ્ટી અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે. જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ શિક્ષણ નિરીક્ષક દ્વારા આકસ્મિક વિઝિટ કરી શહેર દરેક શાળાની મુલાકાત લેવાશે અને ફાયર સેફ્ટીના ઉપકરણો કાર્યરત છે કે નહીં તેનું ચેકિંગ હાથ ધરવામાં આવશે.
રાજકોટના ગેમઝોનમાં થયેલા ગોઝારા અગ્નિકાંડમાં ફાયર સેફ્ટીની કોઈ સુવિધા ન હોવાને કારણે અસંખ્ય જિંદગીઓ આગમાં હોમાઈ ગઈ અને અનેક પરિવારોએ એમના વ્હાલસોયા સ્વજનોને ગુમાવવા પડ્યા છે. ગુજરાતના ઈતિહાસમાં કાળા દિવસ તરીકે અંકિત થઈ ગયેલી અગ્નિકાંડની આ ઘટના બાદ હવે રાજ્યના તમામ વિભાગો સફાળા જાગ્યા છે અને ફાયર સેફ્ટી સંબંધે ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. આ ઘટના બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગ પણ સક્રિય થયુ છે અને ડીઈઓ દ્વારા શહેરની દરેક શાળાઓને પરિપત્ર કરી ફાયર સેફ્ટીનું ચેકિંગ કરવા નિર્દેશ કરાયો છે.
DEOની ટીમ દરેક શાળાની મુલાકાતે, ફાયર સેફ્ટીનાં ઉપકરણો કાર્યરત છે કે નહીં તેનું ચેકિંગ શરૂ
જિલ્લાની દરેક શાળાઓને પરિપત્ર કરી જણાવવામાં આવ્યુ છે કે હાલ વેકેશન ચાલી રહ્યુ છે અને નવુ સત્ર શરૂ થાય એ પહેલા ફાયર સેફ્ટીના સાધનોની ચકાસણી કરી લે અને નવા સાધનો વસાવવાની જરૂર હોય તો એ નવા વસાવી લે. ફાયર સેફ્ટીની ગંભીરતા સમજી ઉપકરણોને કાર્યરત રાખવા અને ફાયર એનઓસી રિન્યુ કરવા અંગે પણ તમામ શાળાઓના આચાર્યોને સૂચના આપવામાં આવી છે. ડીઈઓના પરિપત્ર મુજબ દરેક શાળામાં એક શિક્ષણ નિરીક્ષક જઈને આકસ્મિક વિઝિટ કરશે અને ફાયર સેફ્ટી સંદર્ભે ચેકિંગ હાથ ધરશે. આ દરમિયાન શાળાામાં ફાયર સેફ્ટીને લગતી કોઈ ખામી જણાશે તો ડીઈઓને રિપોર્ટ કરશે.
એન્ટ્રી, એકઝિટ, અને ફાયરનાં સાધનોની તાલીમ માટે મોકડ્રીલનું આયોજન
હાલ ગરમીની સિઝનમાં આગના બનાવો વધુ બનતા હોય છે ત્યારે દરેક શાળા પાસે કાર્યરત હાલતમાં ફાયર સેફ્ટીના ઉપકરણો અને ફાયર NOC હોવુ જરૂરી છે. આ જ સંદર્ભે શાળાઓમાં નવુ સત્ર શરૂ થાય એ પહેલા ફાયર સેફ્ટીના ઉપકરણોનું ચેકિંગ કરી લેવામાં આવે, તેમજ શાળા શરૂ થાય ત્યારે ફાયર સેફ્ટીના સાધનોની તાલીમ સંબંધે એક મોકડ્રીલ આયોજિત કરવાનુ પણ જણાવવામાં આવ્યુ છે. શાળાના તમામ સ્ટાફને ફાયર સેફ્ટીના ઉપકરણોની તાલીમ મળી રહે તે હેતુથી મોકડ્રીલ આયોજિત કરાશે. આ દરમિયાન બાળકો અને શાળાના કર્મચારીઓને ઈમરજન્સી એન્ટ્રી અને એક્ઝિટની જાણકારી પણ મોકડ્રીલ સ્વરૂપે મળી રહે તે ખાસ જોવાનુ રહેશે.
25મી મે નો દિવસ ગુજરાતમાં કાળા દિવસ તરીકે અંકિત થઈ ગયો
ઉલ્લેખનીય છે કે રાજકોટના ગેમઝોનમાં થયેલા ગોઝારા અગ્નિકાંડમાં સૌથા મોટી કોઈ બેદરકારી સામે આવી હોય તો એ છે કે ગેમઝોનમાં ફાયરસેફ્ટીની કોઈ સુવિધા જ ન હતી અને ગેમઝોનના સંચાલકોએ ફાયર NOC પણ લીધેલુ ન હતુ. ગેમઝોનમાં જે ફાયર સેફ્ટીના ઉપકરણો હતા તે પણ શોભાના ગાંઠિયા સમાન હતા અને કાર્યરત ન હતા. ત્યાના સ્ટાફને પણ ફાયર સેફ્ટીના ઉપકરણોની કોઈ તાલીમ ન હતી, તેમજ એક જ એક્ઝિટ ગેટ હોવાને કારણે સૌથી વધુ જિંદગીઓ આગમાં હોમાઈ ગઈ અને ગુજરાતમાં આજ સુધી ક્યારેય નથી સર્જાઈ એ પ્રકારની કલંક સમાન ઘટના ઈતિહાસમાં નોંધાઈ ગઈ. કેટલાક અધિકારીઓના બેદરકારીના પાપે રાજકોટે ક્યારેય ન જોઈ હોય તેવી કરૂણાંતિકા સર્જાઈ ગઈ અને રાજકોટના માથે 25મી મેનો દિવસ કાળા દિવસ તરીકે અંકિત થઈ ગયો.
આ પણ વાંચો : અગ્નિકાંડે લીધો પુત્રનો જીવ ! પરિવારે ભારે હૈયે આપી અંતિમ વિદાય, દ્રશ્યો કાળજુ કંપાવી દેશે, જુઓ VIDEO