કોઈ પણ જિલ્લાના વિવિધ વિસ્તારની કડીઓને જોડવા માટે બ્રિજ એ મહત્વનુ સાધન માનવમાં આવે છે. ત્યારે અમદાવાદનો એવા એક પુલની કે જેણે એક સદી કરતા પણ વધારે સમય પસાર કર્યા છતા આજે પણ અડીખમ આ બ્રિજ ઉભો છે. મહત્વનુ છે કે અમદાવાદના ભવ્ય વારસાને સાક્ષી તરીકે પણ માનવમાં આવે છે. આ બ્રિજે અમદાવાદને વિકસતું જોયું છે.
વાત છે ઈ.સ 1870-71 ની જેમાં અમદાવાદનો સર્વપ્રથમ પુલ લાકડાનો બનાવવામાં આવ્યો હતો. જે અંદાજે 5,49,000 ના ખર્ચે બ્રિટિશ એન્જિનિયર દ્વારા બનાવાયો હતો. જે તે સમયે અમદાવાદમાં પ્રવેશવા માટે નો એકમાત્ર આ પુલ હતો. જે સાબરમતી નદીમાં પૂર આવ્યું અને ઇ.સ 1875 માં આ લાકડાનો પુલ નષ્ટ પામ્યો હતો.
પુલ તૂટવાની ઘટના બાદ ફરી ઈ.સ 1892માં બ્રિટિશ સરકાર દ્વારા “સ્ટીલ”ના પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેના એંજિનિયર હતા હિંમતલાલ ધીરજરામ ભચેચ. આ સમયે ઉત્તર ઝોનના કમિશનર “બેરો હેલ્બર્ટ એલિસ” હતા. તેમના નામ પરથી આ પુલનું નામ “એલિસ બ્રિજ” રાખવામાં આવ્યું હતું.
પુલ બનાવવા માટે સ્ટીલ વિદેશથી એટલે કે “બર્મિંગહામ” થી આયાત કરાયું હતું. આ સ્ટીલનો પુલ ત્યારના સમયે અંદાજે 4,07,000ના ખર્ચે તૈયાર થયો હતો. જે રૂપિયા 5,00,000 બજેટ કરતા પણ ઓછો હતો. જોકે ઓછા બજેટના કારણે સરકારને પુલની કામગીરી પર શક ગયો ત્યારે સરકારને લાગ્યું કે પુલ બનાવવાની સામગ્રી હલકી ગુણવત્તાની હોઈ શકે માટે સરકાર દ્વારા એક તપાસ સમિતિ બનાવવામાં આવી અને પુલની ગુણવત્તાની તપાસ કરતા પુલ બનાવવામાં શ્રેષ્ઠ ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ થયાનું સામે આવ્યું હતું. સરકારી નાણાંની બચત કરવા બદલ હિંમતલાલને “રાવ સાહેબ” બિરુદ વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.
સાબરમતી નદીના કારણે સમય જતા પુલમાં રહેલા સ્ટીલના થાંભલામાં કાટ લાગવાથી પુલની મજબૂતી ઘટી ગઈ હતી. જેથી આ પુલનો ઉપયોગ વાહન વ્યવહાર અને પબ્લિક અવરજવર માટે હિતાવહ ન હતો. 2012માં બ્રિજના રીનોવેશન માટે એક એજન્સી નિયુક્ત કરવામાં આવી. એજન્સીનું કહેવું હતું કે પુલના સમારકામનો ખર્ચ જે થતો હતો તેના કરતાં નવા પુલના નિર્માણનો ખર્ચ સરેરાશ ઓછો આવશે.
આ સ્ટીલના એલિસ બ્રિજની ડિઝાઇન અને તેની બનાવટની વાત કરવામાં આવે તો અદભુત અને કલાત્મક કહી શકાય તેવો આ બ્રિજ છે. હાલ આ પુલ એક “સ્મારક” છે જેની સાર સંભાળની જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની છે. પાછલા ઘણા વર્ષોથી આ પુલને પબ્લિક માટે બંધ રાખવામાં આવ્યો છે. અમદાવાદના વિકાસને જોતા આ પુલની આજુબાજુ બે નવા પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું નામ સ્વામી વિવેકાનંદ પુલ રખાયું છે. જેનો ઉપયોગ લોકો વાહન વ્યવહાર અને પબ્લિક અવરજવર માટે કરી રહ્યા છે.
Published On - 7:44 pm, Sat, 1 April 23