Ahmedabad : રાજ્યની સહકારી બેન્ક (Cooperative Bank) ખેતી બેન્કની વાર્ષિક સામાન્ય સભા સભાસદો અને ડિરેકટરોની ઉપસ્થિતિમાં અમદાવાદના બોડકદેવમાં આવેલ પંડિત દીનદયાળ હોલમાં યોજાઈ. અગાઉ નુકસાન કરનાર ખેતી બેંકે ચાલુ નાણાકીય વર્ષમાં પ્રથમવાર 105 કરોડનો ગ્રોસ નફો અને 51.19 કરોડનો નેટ નફો મેળવ્યો છે. દેશની તમામ ખેતી બેંકોમાં સૌપ્રથમ 0% એનપીએ વાળી બેન્ક તરીકેની સિદ્ધિ પણ ખેતી બેન્કે મેળવી છે.
બોડકદેવમાં પંડિત દિનદયાળ હોલમાં યોજાયેલ સામાન્ય વાર્ષિક સભામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કૃષિમંત્રી રાઘવજી પટેલ, સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. ખેતી બેંકની AGMમાં રાજ્યના સહકારી મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે અમિત શાહ કેન્દ્રીય સહકારીતા મંત્રી બન્યા બાદ સહકારી ક્ષેત્રેમાં 360 ડિગ્રીએ બદલાવ આવી રહ્યો છે. તમામ સહકારી મંડળીઓ પોતાના ખાતા સહકારી બેંકમાં જ રાખે એ જરૂરી છે.
આ ઉપરાંત તેમણે જણાવ્યું કે સહકારી બેંકોમાં જ મંડળીઓના ખાતા શરૂ થાય તો રાષ્ટ્રીયકૃત બેંકો અને પ્રાઇવેટ બેંકો જેટલી આપણી સહકારી બેંકો બની શકે. તો ખેતી બેન્કના ચેરમેન ડોલર કોટેચાએ જણાવ્યું કે અમે ખેડૂત ભાઈઓઓને વધારે સવલત આપવા માંગતા હોવાથી ખેતી બેન્કને આરબીઆઇ હેઠળ લાવવા દરખાસ્ત કરી છે.
તેમણે જણાવ્યું હતું કે રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયામાં દરખાસ્ત કરાઈ છે કે અમને બેન્કિંગ કરવાની મંજૂરી આપવામાં આવે. અત્યારે ખેતી બેન્ક આરબીઆઇના નેજા હેઠળ નથી આવતી, નાબાર્ડના નેજા હેઠળ આવે છે. જો મંજૂરી મળે તો સવલતોમાં વધારો થઈ શકે.
ખેતી બેંકની વાર્ષિક સભામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને જૈવિક ખેતીનો ભેદ સમજાવ્યો અને વધુમાં વધુ ખેડૂત પ્રાકૃતિક ખેતી કરે એ માટે અપીલ કરી સમજાવ્યું કે સામાન્ય ખેતી બાદ પ્રાકૃતિક ખેતી કરવાથી આવક ઓછી નથી થતી.
તેમણે કહ્યું કે ખેડૂતોને ડર હોય છે કે પ્રાકૃતિક ખેતીથી પેદાશ ઓછી થઈ જાય છે. જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતીને ખેડૂતો એક સમજે છે, જો કે બંને અલગ-અલગ ખેતી છે. દેશમાં સરકારોએ છેલ્લા 30-40 વર્ષોમાં જૈવિક ખેતીનો પ્રચાર કર્યા બાદ પણ કોઇ યોગ્ય મોડલ ઊભું ના કરી શકી. હું પણ 3 વર્ષ જૈવિક ખેતી કરી ચૂક્યો છું, પણ મને તેમાં લાભ થયો ના હતો. સ્થિતિ એ છે કે ખેડૂતો માટે જૈવિક ખેતી ખોટ નો ધંધો છે. ખેડૂતો જૈવિક અને પ્રાકૃતિક ખેતી વચ્ચે નો ભેદ સમજે.