કોંગ્રેસ સંગઠનની બેઠકમાં ઉઠ્યો રૂપાલાના નિવેદનનો મુદ્દો, શક્તિસિંહે કહ્યું માત્ર મહારાજાઓનું નહીં સમગ્ર સમાજનું કર્યુ અપમાન- વીડિયો
કોંગ્રેસના ઉમેદવારો અને સંગઠનની બેઠકમાં પરશોત્તમ રૂપાલાના વિવાદી નિવેદનનો ઉલ્લેખ થયો છે. શક્તિસિંહ ગોહિલે રૂપાલાના નિવેદનને મહારાજાઓનુ અપમાન ગણાવ્યુ છે. પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે પણ જણાવ્યુ હતુ કે રૂપાલાને જનતા તેમના દરબારમાં જવાબ આપશે.
પરશોત્તમ રૂપાલાના નિવેદનનો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો અને આ મુદ્દે હવે રાજનીતિ પણ ચરમસીમાએ પહોંચી છે. કોંગ્રેસના નેતાઓ પણ રૂપાલાના નિવેદન મુદ્દે ભાજપ પર પ્રહાર કરી રહ્યા છે. અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયે મળેલી કોંગ્રેસની બેઠકમાં પણ રૂપાલાના નિવેદનનો મુદ્દો ઉઠ્યો હતો અને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રૂપાલાના નિવેદનને મહારાજાઓનુ અપમાન ગણાવ્યુ છે. શક્તિસિંહે જણાવ્યુ કે મહારાજાઓ માત્ર રાજપૂતો જ ન હતા. ક્યાંક દરબાર, ક્યાંક નાડોદા. ક્યાંક અનુસૂચિત મહારાજાઓ પણ હતા, ત્યારે આ બાબત માત્ર ક્ષત્રિય વર્સિસ પાટીદારની નથી. રૂપાલાનું નિવેદન સમગ્ર સમાજનું અપમાન કરતુ નિવેદન છે.
રૂપાલાને જનતા તેમના દરબારમાં જવાબ આપશે- મુકુલ વાસનિક
આ તરફ પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે પણ રૂપાલાના નિવેદનને બેજવાબદાર ગણાવ્યુ. તેમણે કહ્યુ કે આ ઘણુ દુર્ભાગ્યપૂર્ણ છે કે બેજવાબદાર નિવેદન કરનાર મહત્વપૂર્ણ જગ્યા પર છે. રૂપાલાને જનતા તેમના દરબારમાં જવાબ આપશે. લોકસભાની ચૂંટણી મુદ્દે વાસનિકે જણાવ્યુ કે લોકશાહીમાં સામાન્ય ચૂંટણીઓ એક પર્વ સમાન હોય છે.
ભારતમાં 100 કરોડથી વધુ મતદાતાઓ આ ચૂંટણીમાં ભાગ લેવાના છે. વાસનિકે વર્તમાન સરકાર પર પ્રહાર કર્યો કે ભારતમાં આજે તાનાશઆહી જોવા મળી રહી છે. લોકતંત્ર સામે અનેક મુશ્કેલીઓ ઉભી કરવામાં આવી રહી છે. કોંગ્રેસ અને વિપક્ષ સામે ગેરકાયદે રીતે મુશ્કેલીઓ ઉભી કરવામાં આવે છે. માત્ર ભારતના મતદારો નહીં દુનિયા આ પ્રક્રિયાને જોઇ રહી છે.
બેઠકમાં જુનાગઢના આગેવાન હિરા જોટવા હાજર
અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલયે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકની ઉપસ્થિતિમાં ચૂંટણીલક્ષી બેઠક યોજાઈ હતી. જેમા ચંદ્રિકાબેન ચુડાસમા, જિલ્લા અને શહેર પ્રમુખ સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ બેઠકમાં જુનાગઢ કોંગ્રેસના ઉમેદવારને લઈને મંથન કરવામાં આવ્યુ.
જેમાં શક્તિસિંહ ગોહિલ સાથે જુનાગઢ બેઠકના આગેવાન અને જુનાગઢથી કોંગ્રેસના પ્રબળ દાવેદાર હિરાભાઈ જોટવા પણ બેઠકમાં ઉપસ્થિત જોવા મળ્યા હતા. બેઠકમાં ઉમેદવારોને 14 મુદ્દાનું લિસ્ટ આપવામાં આવશે. જેમા લોકસભાને લગતી વિગતો હશે. જેમા ઉમેદવારના ફોર્મ ભરવાથી લઈને કાનુની સહાય માટે 2 વકીલો ફાળવાયા હતા. ઉમેદવારોની સંગઠન પાસેની અપેક્ષાઓ અને સ્થાનિક લેવલે સ્થિતિ અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે.