ગોંડલમાં રૂપાલાએ રાજપૂત સમાજની બેઠકમાં ફરી એકવાર માંગી માફી, સમાજે માફીને રાખી સ્વીકાર્ય, હવે વિવાદનો થશે અંત?
રાજકોટ: ગોંડલના ગણેશગઢમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહની આગેવાનીમાં મળેલી રાજપૂત ક્ષત્રિય સમાજની બેઠકમાં રૂપાલાએ ફરી એકવાર સમગ્ર દેશના ક્ષત્રિય સમાજની માફી માગી છે. આ તકે તેમણે જણાવ્યુ કે મારી જીભ લપસી ગઈ એવુ મારા જીવનકાળમાં પહેલીવાર બન્યુ છે અને હું મારુ નિવેદન પરત લઉ છુ અને સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માગુ છુ.
ગોંડલના શેમળા ગામે ગણેશગઢમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહની આગેવાનીમાં ક્ષત્રિય સમાજનું સંમેલન મળ્યુ હતુ. જેમા જયરાજસિંહે સમાજને અપીલ કરી હતી કે આપણો ક્ષાત્ર ધર્મ આપણને શીખવે છે કે આપણે રૂપાલાને માફ કરી દેવા જોઈએ. તેમણે જણાવ્યુ કે આ કોઈ મારો નિર્ણય નથી આ આખા રાજપૂત સમાજનો નિર્ણય છે. પરશોત્તમ રૂપાલાથી જે ભૂલ થઈ છે એ ભૂલને ભૂલવાની છે. જે બાદ પરશોત્તમ રૂપાલાએ જણાવ્યુ કે ક્ષત્રિય સમાજમાં નિવેદનથી જે રોષ ફેલાયો તેની અનુભૂતિ પણ કરી અને મે પહેલો જે ફોન આવ્યો એમને જ કહી દીધુ હતુ કે મારી તો આવી કોઈ ભાવના ન હતી. છતા આપને એવુ લાગ્યુ હોય તો હું માફી માગી લઉ છુ.
રૂપાલાએ કહ્યુ મારા નિવેદન માટે બહુ મોટો રંજ
રૂપાલાએ વધુમાં જણાવ્યુ કે મે તો સહજ ભાવે મને ફોન કરનાર વ્યક્તિને સલાહ પણ આપી હતી કે તમને એવુ લાગતુ હોય કે મારે આવુ બોલવુ જોઈએ, એવુ મને લખીને મોકલો હું એ પણ બોલી દઈશ. રૂપાલાએ જણાવ્યુ કે મને એ વાતનો બહુ મોટો રંજ છે કે મારી જીભથી આવુ વાક્ય નીકળ્યુ. તેમણે કહ્યુ મારા સમગ્ર જીવન દરમિયાન આજ સુધી એવો કોઈ રેકોર્ડ નથી કે મે કોઈ નિવેદન કર્યુ હોય અને તેને પાછુ ખેંચવુ પડે. મારી જીભ લપસી એવુ આ પહેલીવાર બન્યુ છે.
જે કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ વિશે બોલી જવાયુ એ ચૂંટણીલક્ષી કાર્યક્રમ પણ ન હતો- રૂપાલા
રૂપાલાએ જણાવ્યુ કે રાજકોટના વાલ્મિકી સમાજના સ્નેહમિલનના કાર્યક્રમમાં તેમણે જે નિવેદન કર્યુ એ ચૂંટણીલક્ષી કાર્યક્રમ હતો પણ નહી. ત્યાં કરશનદાસ સાગઠિયાના ભજન માટે ગયેલા હતા અને ત્યાં મારા ઉચ્ચારણથી પાર્ટીને મારા કારણે સાંભળવાનો વારો આવ્યો તેનાથી મોટો અફસોસ કે દુખ બીજુ કોઈ વાતનું નથી, રૂપાલાએ કહ્યુ કે હું મારા માટે નહીં પરંતુ મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનુ થયુ છે આથી સમાજ સામે બે હાથ જોડીને માફી માગુ છુ.આ સંપૂર્ણ ક્ષતિ મારી વ્યક્તિગત ક્ષતિ છે અને તેનો જવાબદાર પણ હું જ છુ
મારા નિવેદનને કારણે પાર્ટીને સાંભળવાનુ થયુ તેનાથી મોટો કોઈ અફસોસ નથી- રૂપાલા
રૂપાલાએ વધુમાં જણાવ્યુ મારે જયરાજસિંહની સાથે વાત થઈ હતી તે મુજબ મારે આજે અહીં આવવાનુ હતુ. હું આ સભામાં પહોંચુ એ પહેલાની મારી મન: સ્થિતિ અલગ હતી પરંતુ હું અહીં પહોંચ્યો ત્યારે જોયુ કે હું ચૂંટણીસભામાં જતો હોઉ ત્યારે ઢોલ નગારા સાથે મારુ જે સ્વાગત થતુ હોય તે પ્રકારનું અહીં સ્વાગત કરવામાં આવ્યુ. આ ક્ષત્રિયો સિવાય કોઈ કરી ન શકે.
આજના આ સંમેલનમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા, સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, મહેન્દ્ર સરવૈયા અને ભરત બોઘરા, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણા, જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશ ઢોલરીયા, રાજકોટ જિલ્લાના પ્રભારી ધવલ દવે, તાલુકાપંચાયતના અધ્યક્ષ પૃથ્વીરાજસિંહ જાડેજા, રાજકોટ મહામંત્રી વિરેન્દ્રસિંહજી ઝાલા, મોરબીના મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ સરવૈયા શક્તિસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો: વિવાદને શાંત પાડવા રૂપાલા લઈ શકે છે સંતોનું શરણ, ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા