અમદાવાદમાં વેજલપુર વિસ્તારમાં દુકાનોમાં ભરાયા વરસાદી પાણી,દુકાનદારો પાણી ઉલેચવા બન્યા મજબુર- Video
અમદાવાદમાં ગત રાત્રિથી શ્રીકાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં દુકાનોમાં પણ પાણી ભરાઈ જતા દુકાનદારો દુકાનોમાંથી પાણી ઉલેચવા મજબુર બન્યા છે.
અમદાવાદમાં સતત વરસી રહેલા અવિરત વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. વેજલપુર વિસ્તારમાં ઠેકઠેકાણે પાણી ભરાઈ ગયા છે. કેટલીક દુકાનોમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા દુકાનદારોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. દુકાનદારો દુકાનોમાંથી સામાન બચાવવા પાણી ઉલેચવા મજબુર બન્યા છે. દર ચોમાસાએ આ પ્રકારે પાણી ભરાતા હોવાથી દુકાનદારોને ભારે હાલાકી વેઠવી પડે છે.
વેપારીઓની ફરિયાદ છે કે છેલ્લા 10 વર્ષથી આ જ પ્રકારે થોડા વરસાદમાં પણ દુકાનોમાં પાણી ભરાઈ જાય છે. તંત્રને વારંવાર રજૂઆત કરવા છતા સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી. દર વર્ષે આ જ પ્રકારે પાણી ભરાવાને કારણે વેપારીઓના માલસામાનને ભારે નુકસાન થઈ રહ્યુ છે. દર ચોમાસાએ આ જ પ્રકારની સમસ્યાથી વેપારીઓ પણ હવે અકળાયા છે અને આ સમસ્યાનો કાયમી નિવેડો આવે તેવી માગ કરી રહ્યા છે. પાણી ભરાઈ જવાથી દુકાનોમાં રહેલા સામાનને પણ નુકસાન પહોંચે છે અને વેપારીઓને મોટી ખોટ સહન કરવાનો વારો આવે છે. ત્યારે તંત્ર દ્વારા પાણીની સમસ્યામાંથી નિજાત આવે તેવુ ઈચ્છી રહ્યા છે.