અમદાવાદમાં કાંકરિયાના એકા ક્લબમાં પાંચમા માળે એકાએક સ્ટ્રક્ચર તૂટી પડતા મચી નાસભાગ, સદ્દનસીબે જાનહાની ટળી- Video
અમદાવાદના કાંકરિયામાં આવેલા એકા ક્લબમાં આયુષ એક્સપો દરમિયાન પાંચમા માળનો એક ભાગ ધરાશાયી થયો હતો. આ ઘટના દરમિયાન ક્લબમાં છત્તીસગઢના મંત્રી અને વિદેશી ડેલિગેટ્સ પણ હાજર હતા. ઘટના બાદ ક્લબ ખાલી કરાવવામાં આવી અને સ્વિમિંગ પુલનું પાણી ખાલી કરવામાં આવ્યું.
અમદાવાદમાં કાંકરિયા પાસે આવેલા એકા ક્લબમાં મોટી બેદરકારી સામે આવી છે. ક્લબના પાંચમા માળે પાછળના સ્ટ્રક્ચરનો એક આખો હિસ્સો એકાએક તૂટી પડ્યો હતો. જે સમયે આ દુર્ઘટના સર્જાઈ એ સમયે ક્લબમાં આયુષ એક્સપો ચાલી રહ્યો હતો અને ક્લબમાં છત્તીસગઢના મંત્રી અને ફોરેન ડેલિગેટ્સ પણ ત્યાં હાજર હતા. જો કે સદ્દનસીબે કોઈ પ્રકારની જાનહાનિ થવા પામી નથી.
દુર્ઘટના બાદ તકેદારીના ભાગરૂપે ક્લબમાંથી તમામ લોકોને બહાર કાઢી ક્લબ બંધ કરાવી દેવામાં આવ્યુ છે. ઘટના બનતાની સાથે જ તાત્કાલિક ધોરણે સ્વિમિંગ પુલનું પાણી ખાલી કરી દેવામાં આવ્યું હતું અને પરિસ્થિતિને કાબુમાં લેવામાં આવી હતી.પૂલમાંથી 12.50 લાખ લિટર પાણી ખાલી કરાવવાની કામગીરી કરવામાં આવી હતી. સદનસીબે કોઈ મોટી જાનહાની નથી થઈ પરંતુ અમુક લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. બીજી તરફ ક્લબ બહારની દુકાનો પણ 24 કલાક માટે બંધ કરાવી દેવામાં આવી છે.
દુર્ઘટનાને પગલે તાત્કાલિક ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને સ્થિતિ પર કાબુ કરવા માટેની તજવીજ હાથ ધરી હતી. સ્થળ પરની દુકાનોના માલિકના જણાવ્યા અનુસાર સ્ટ્રક્ચર તૂટ્યુ ત્યારે અચાનક કોઈ બ્લાસ્ટ થયો હોય તેવો અવાજ આવ્યો હતો. જે બાદ લોકો ખૂબ ડરી ગયા હતા.
જો કે આ સમગ્ર ઘટના અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને માત્ર એક ચેતવણી નોટિસ જાહેર કરી છે અને સ્ટ્રક્ચર તૂટવા બાબતે ક્લબના જવાબદારો સામે કંઈ જ સ્પષ્ટતા કરી નથી. મીડિયા સમક્ષ પણ કોર્પોરેશનના અધિકારીઓ કંઈ બોલવા તૈયાર નથી. હાલ તો સ્ટ્રક્ચર તૂટવાના કારણો અંગે તપાસ ચાલી રહી છે.
અહીં સૌથી મોટો સવાલ એ પણ છે કે શું નબળા બાંધકામને કારણે સ્ટ્રક્ચર ધડાકાભેર તૂટી પડ્યુ કે કેમ? મહત્વપૂર્ણ છે કે જ્યારે આ ટ્રાન્સ્ટેડિયા સ્ટેડિયમ બની રહ્યુ હતુ એ સમયે પણ આજ પ્રકારનો વિવાદ સામે આવ્યો હતો. હાલ આજની ઘટના બાદ ક્લબના મેમ્બર દ્વારા પણ એવા આક્ષેપ થઈ રહ્યા છે કે અગાઉ પણ સ્ટ્રક્ચર બાબતે વખતોવખત રજૂઆત કરી હતી પરંતુ AMC દ્વારા વાત કાને ધરાઈ ન હતી અને તેમની વાત સાંભળ્યા વિના જ રવાના કરી દેવાયા હતા. ત્યારે આ ઘટનાનું આજે પૂનરાવર્તન થયુ છે ત્યારે સૌથી મોટો સવાલ એ પણ છે કે અગાઉ રજૂઆત કરાઈ છતા નબળા બાંધકામ અંગે કેમ કોઈ કામગીરી કરવામાં આવી ન હતી? શું દુર્ઘટના બને અને એક બે લોકોના જીવ જાય પછી જ કામગીરી કરવાનું કોર્પોરેશનના સત્તાધિશોને કોઠે પડી ગયુ છે? સદ્દનસીબે આજે કોઈ મોટી જાનહાનિ થતા ટળી છે ત્યારે હવે જોવુ રહ્યુ કે કોર્પોરેશનના સત્તાધિશો દ્વારા હવે શું કામગીરી થાય છે.