પ્રિ પ્રાયમરી શાળાઓ માટેની નવી પોલિસી સંચાલકો માટે બની માથાનો દુખાવો, જાણો શું છે નવા નિયમો- Video
નેશનલ એજ્યુકેશન પોલિસી પ્રિ પ્રાઇમરી શાળાઓને પણ શિક્ષણ વિભાગ હેઠળ લાવવામાં આવનાર હોવાથી એના માટેની વિશેષ પોલિસી તૈયાર કરાઈ છે. જો કે પ્રિ પ્રાઇમરી સ્કૂલો માટે નવી પોલીસી બનાવવામાં આવી છે તે મુજબ અમદાવાદમાં માત્ર 23 જેટલી જ શાળાઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જ્યારે બાકીની સ્કૂલો પોલિસીના કારણે હજુ સુધી રજીસ્ટ્રેશન ના કરાવી ઉદાસીનતા સેવી રહી છે.
અત્યાર સુધી રાજ્યની તમામ પ્રિ પ્રાઇમરી સ્કૂલો સ્વતંત્ર રીતે ચાલતી હતી. સરકારના કોઈપણ વિભાગનો હસ્તક્ષેપ પ્રિ પ્રાયમરી શાળાઓ પાર રહેતો ના હતો. નવી શિક્ષણ નીતિ મુજબ સરકાર દ્વારા પ્રિ પ્રાઈમરી સ્કુલોનું નિયમન કરવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.શિક્ષણ વિભાગ દ્વારા પ્રિ પ્રાઇમરી સ્કૂલો માટે પોલિસી પણ જાહેર કરવામાં આવી છે.
અત્યાર સુધી કોઈ પોલિસી નહોતી જેથી નાના ઘરથી લઈને મોટા કોમર્શિયલ બિલ્ડિંગમાં પણ પ્રિ પ્રાઇમરી સ્કૂલ ચાલી રહી હતી પરંતુ હવે નવી પોલિસી મુજબ પ્રિ પ્રાઇમરી સ્કૂલ ચલાવવી અઘરી બનશે. નવી પોલિસી હેઠળ બિલ્ડિંગ યુઝ પરમીશન મંગાવવામાં આવ્યું છે. જે એજ્યુકેશન BU હોવું ફરજિયાત છે. પ્રિ સ્કૂલો જે જગ્યાએ હોય ત્યાંનો 15 વર્ષનો ફરજીયાત રજિસ્ટર્ડ ભાડા કરાર હોવો જોઈએ. પ્રિ પ્રાઇમરી સ્કૂલો પણ કોઈ ટ્રસ્ટ કે નોન પ્રોફિટ કંપની તરીકે રજિસ્ટ્રેશન કરાવવાનો રહેશે.
પ્રિ પ્રાઇમરી સ્કૂલોએ દર વર્ષ એક વર્ગ દીઠ 5 હજાર રજિસ્ટ્રેશન ફી ભરવાની રહેશે. પ્રિ પ્રાઇમરી સ્કૂલમાં સિનિયર અને જુનિયર સિવાય બાલવાટિકા ચલાવવી હોય તો પ્રાઇમરી સ્કૂલની માન્યતા પણ મેળવવી પડશે. પ્રિ પ્રાઇમરીની માન્યતા ના હોય તો માત્ર જુનિયર અને સિનિયરના વર્ગ જ ચલાવી શકાશે. આ બધી શરતો ના કારણે સંચાલકો અવઢવમાં છે અને રજિસ્ટ્રેશન પ્રક્રિયા આગળ નથી વધી રહી.
સંચાલકો અસહમત હોય તેવા 5 મુદ્દાઓની વાત કરવામાં આવે તો.
- રજિસ્ટર્ડ ભાડા કરાર
- એજ્યુકેશન BU
- દર વર્ષનો રજિસ્ટ્રેશન ચાર્જ
- ટ્રસ્ટ કે કંપની રજીસ્ટર કરાવવી
- બાલવાટિકા માટે પ્રાઇમરી સ્કૂલની પરવાનગી
સંચાલકોને ડર સતાવી રહ્યો છે કે જો આ નિયમો હળવા નહીં કરાય તો સમગ્ર પ્રિ પ્રાયમરી ઇન્ડસ્ટ્રી મરી પરવારશે. 2024 થી ફેબ્રુઆરી 2025 સુધીમાં તમામ પ્રિ પ્રાઇમરી સ્કૂલોએ જે તે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં ફરજીયાત રજિસ્ટ્રેશન કરવાનું છે. પરંતુ અમદાવાદની વાત કરવામાં આવે તો 2 હજાર કરતાં વધુ સ્કૂલોની સામે 7 મહિનામાં માત્ર 23 સ્કૂલોએ જ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
સંચાલકોનો દાવો છે કે BU માંગવામાં આવી છે જેમાં ચોખવટ કરવામાં આવી નથી કે ક્યાં પ્રકારનું BU લેવાનું, પરંતુ રાજકોટની ઘટના બાદ કોર્પોરેશન દ્વારા એજ્યુકેશન BU માંગવામાં આવી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં BU પરમિશન મળતું નથી કે નિયમો અલગ અલગ હોવાના કારણે સંચાલકો અવઢવમાં છે અને રજિસ્ટ્રેશન પ્રક્રિયા નથી થઈ રહી ત્યારે પોલિસીમાં બદલાવ આવે એવી અપેક્ષા રખાઈ રહી છે.