અમદાવાદ: રાયખડ વિસ્તારમાં આવેલી સલમાન એવન્યુના ડિમોલિશન મામલે કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. તમામ દલીલોને અંતે કોર્ટે ચુકાદો અનામત રાખ્યો. આ કેસમાં ફાઈનલ સુનાવણી બાદ ચુકાદો ન થાય ત્યાં સુધી સ્થળ પર કોઈ બાંધકામ કરવા કે બાંધકામનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. વિવાદીત જગ્યાને સીલ કરવા હાઈકોર્ટે હુકમ કર્યો છે. સલમાન એવન્યુના ગેરકાયદે ભાગને તોડવા AMC દ્વારા ડિમોલિશન કામગીરી હાથ ધરાઈ હતી. જેમા AMCના અધિકારીઓનું કહેવુ છે કે 15 મીટરની મંજૂરી લઈ 22 મીટર બાંધકામ થતા ડિમોલિશન કામગીરી હાથ ધરાઈ હતી.
જો કે ગેરકાયદે બાંધકામમાં ચણાયેલા બે માળને તોડવા માટે AMCના અધિકારીઓ પહોંચ્યા તે દરમિયાન સ્થાનિકોએ હોબાળો કર્યો અને ડિમોલિશન કાર્યવાહીને અટકાવી હતી. આ તરફ સ્થાનિકોનો આરોપ છે કે જ્યારે એવન્યુને મંજૂરી અપાઈ ત્યારે કેમ ગેરકાયદે હોવાનું તંત્રના ધ્યાને ન આવ્યુ.
ડિમોલિશન દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને કોર્પોરેશનની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા. ખેડાવાલાએ કહ્યુ કે AMCએ બિલ્ડિંગ બને તે પહેલા કાર્યવાહી કરવી જોઈએ હતી. તો બીજી તરફ અધિકારીઓની મિલીભગતના કારણે બિલ્ડિંગ બનતી હોવાનો પણ ધારાસભ્યએ દાવો કર્યો.
આ તરફ ભાજપના ભૂષણ ભટ્ટે પણ કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલ પર ગેરકાયદે બાંધકામ કરનારને સાથ આપવાનો લગાવ્યો. ભૂષણ ભટ્ટે એક્સ પર પોસ્ટ કરી કે ગેરકાયદે બાંધકામ કરનારને સાથ આપી ખેડાવાલાએ AMCની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડી રહ્યા છે. ધારાસભ્યનું આ પ્રકારનું કૃત્ય શરમજનક છે.
જો કે ભૂષણ ભટ્ટે ઇમરાન ખેડાવાલા પર જે આરોપ લગાવ્યા તે બાદ ઇમરાન ખેડાવાલા પણ ગિન્નાયા છે. ખેડાવાલાએ પણ પ્રતિક્રિયા આપતા ભૂષણ ભટ્ટને ખાડીયા વિસ્તારનું દુષણ ગણાવ્યા હતા. ખેડાવાલાએ કહ્યું હતું કે ભૂષણ ભટ્ટ હાલ ભાજપમાં કોરાણે મુકાયા છે એટલે લાઈમ લાઇટ મેળવવા આવુ કરે છે. આ મુદ્દે ખેડાવાલાએ ભૂષણ ભટ્ટ સાથે ડિબેટ કરવાની પણ તૈયારી બતાવી.