Ahmedabad: ચોમાસામાં મુશ્કેલી માટે તૈયાર રહેજો, નરોડામાં રસ્તો અધુરો, હાટકેશ્વર બ્રિજ પર ભૂવો પડ્યો, મેમનગરમાં રસ્તો બેસી ગયો
નરોડામાં ત્રણ વર્ષ વીતવા છતાં એક કિલોમીટરનો રસ્તો હજુ સુધી બની નથી રહ્યો. જેના કારણે સ્થાનિક રહીશ સહિત વાહન ચાલકો માટે હાલાકી સર્જાઈ છે.
સામાન્ય રીતે કોઈ રસ્તો બનતા એક મહિનો કે બે મહિનો લાગે પણ અમદાવાદ (Ahmedabad) ના નરોડામાં એક એવો વિસ્તાર છે કે જ્યાં માત્ર એક કિલોમીટરનો રસ્તો ત્રણ વર્ષ વીતવા છતાં પણ બની નથી શક્યો. જેણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) ના પ્રિમોન્સૂન પ્લાન (Premonsoon Plan) સહિત રોજિંદી કામગીરીની પોલ ખુલી પાડી દીધી છે. તેમજ સવાલ પણ ઉભા કર્યા છે કે આ કેવો વિકાસ?
આ એટલા માટે કહેવું પડી રહ્યું છે કેમ કે સામાન્ય રીતે કોઈ પણ રસ્તો બનતા એક કે બે કે વધુમાં વધુ ત્રણ મહિના લાગે પણ કોઈ કહે કે એક કિલોમીટર નો રસ્તો ત્રણ વર્ષ થવા છતાં બન્યો નથી. નરોડાના સાંઈ ચોક પાસે રહેતા રહીશો અને વેપારીઓ માટે આ કોઈ અચંબા જેવી બાબત નથી. કેમ કે આ તેમના વિસ્તારની વાત છે. કે જ્યાં ત્રણ ત્રણ વર્ષ વીતવા છતાં એક કિલોમીટરનો રસ્તો હજુ સુધી બની નથી રહ્યો. જેના કારણે સ્થાનિક રહીશ સહિત વાહન ચાલકો માટે હાલાકી સર્જાઈ છે. તો દુકાનદારોના વેપાર ધંધા પર પણ અસર પડી છે.
બાપાસીતારામ ચોક મામા કલ્યાણ રસ્તા વચ્ચે સાંઈ ચોક આવે છે. જ્યાં કોરોના શરૂ થયો તે પહેલા એક કિલોમીટરના પટ્ટામાં એક તરફનો રસ્તો શરૂ રાખી બીજા રસ્તા પર ખોદાણ કરી amc દ્વારા ગટર લાઇન નાખવામાં આવી. જેને હાલ ત્રણ વર્ષ ઉપર સમય વીત્યો પણ રસ્તો તેમનો તેમ છે. ચલો એવું પણ માનીએ કે કોરોના સમયે amc ની કામગીરી બંધ રહી પણ તે કામગીરી શરૂ થયે પણ એક વર્ષ ઉપર સમય વિત્યો છતાં છતાં પણ કામ ન થયું અને રસ્તો તેમને તેમ ખોદેલો પડી રહ્યો. જેના કારણે લોકોને પોતાના ઘરે જવામાં પણ હાલાકી પડતી. ત્યારે હાલમાં ચોમાસા પહેલા amc દ્વારા લોકોની નારાજગી દૂર કરવા ખોદાયેલ ટેસ્ટ પર કપચી પાથરી બુલડોઝર ફેરવી રહ્યા છે. જેથી લોકોને લાગે કે રસ્તાનું કામ ચોમાસા પહેલા કરવામાં આવ્યું. જોકે લોકો પણ જાણી ગયા કે amc કામગીરીના નામે લોલીપોપ આપી રહ્યું છે. જેના કારણે નારાજ લોકોએ amc ની કામગીરી પર અનેક સવાલ ઉભા કરી યોગ્ય રસ્તો બનાવવા માંગ કરી.
મહત્વનું છે કે ચોમાસા દરમીયાન લોકોને હાલાકી ન પડે માટે રાજ્ય સરકાર અને amc દ્વારા પ્રિ મોન્સૂન પ્લાન બનાવી ખોદકામની કામગીરી પૂર્ણ કરાય છે તેમજ ખરાબ રસ્તા સરખા કરવામાં આવે છે. જોકે નરોડાના સાંઈ ચોકમાં તો ત્રણ વર્ષમાં ત્રણ પ્રિ મોન્સૂન પ્લાન ફેલ થઈ ગયાનું દ્રશ્યો સ્પષ્ટ કરે છે. ત્યારે સવાલ એ થાય છે હાલમાં હાથ ધરેલી કામગીરીથી ચોમાસા દરમિયાન સ્થાનિકોને પડતી અગવડતા દૂર થશે કે પછી સમસ્યા હતી તેમની તેમ રહે છે. જોકે સ્થાનિકોની માંગ છે કે આ સમસ્યા જલ્દી અને સચોટ રીતે દૂર થાય. જેથી તેઓને હાલાકી ન પડે. અને તેઓ જે ટેક્સ ભરી રહ્યા છે તેની સામે તેમને તેવી સુવિધાનો લાભ લેવાની તક પણ મળે.
વરસાદી ઝાપટું પડતાની સાથે હાટકેશ્વર બ્રિજ પર ગાબડું પડ્યું.
ખોખરા અને CTM સાથે જોડતા હાટકેસવર સર્કલ પરના શ્રી છત્રપતિ શિવાજી ઓવરબિજ પર સામાન્ય વરસાદમાં RCC ના સ્લેબમા ગાબળું પડ્યું. આજ ઓવરબિજ પર છ માસના ગાળામાં આ પાંચમી વાર ગાબળું પડતા અનેક સવાલો ઉભા થયા છે. તો Amcએ ઓવરબિજ બનાવનાર કોન્ટાકટર પાસેથી ચારેક વાર સમારકામ કરાવ્યુ હતું. તેમ છતાં ગત રાતે સામાન્ય વરસાદમાં આ ઓવરબિજ પર ખોડિયાર મંદિરની સામે ઓવરબિજની મધ્યમાં RCC ના સ્લેબમાં ગાબળું પડયુ. જે ગાબડું પડતા કામો ની ગુણવતાને લઈને સવાલો વાહન ચાલકો સહિત સ્થાનિક નાગરિકોઓએ ઉભા કર્યા છે.
આ ઓવરબિજનો ઉપયોગ CTM નેશનલ હાઈવે નંબર આઠ પર અને વડોદરા એકસપ્રેસ હાઈવે પર જવા હજારો વાહનચાલકો દિવસ-રાત આ શ્રી છત્રપતિ શિવાજી ઓવરબિજનો કરે છે. ત્યારે આ ઘટના બનતા અને તેના કારણે બ્રિજ બંધ કરવામાં આવતા વાહન ચાલકો માટે હાલાકી સર્જાઈ. જેની સ્થાનિક નગરસેવક કમલેશ પટેલને આ અંગેની જાણ થતા સવારે ઈજનેર ખાતા અને સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓને તેની જાણ કરી અને ટ્રાફિક જવાનોની મદદથી ડાઈવર્ઝન અપાવ્યું. જેથી લોકોને હાલાકી ન પડે અને અન્ય કોઈ હોનારત ન સર્જાય.
રવિવારે પડેલા સામાન્ય વરસાદી ઝાપટામાં મેમનગર ગુરુકુળ રોડ ખાતે રસ્તો બેસી જતા સર્જાઈ હાલાકી.
રાજ્યમાં શનિવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. તેમજ શહેરમાં રવિવારે પણ વહેલી સવારથી વાતાવરણમાં પલટો અને શહેરમાં વાદળછાયું વાતાવરણ રહ્યું. તો રવિવારે મોડી રાતે કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટા અને ઝાપટું પણ પડ્યું. જે વાતાવરણમાં પલટો આવતા લોકોને ગરમીમાં રાહત મળી જોકે બફારાનો માહોલ પણ સર્જાયો. જેની વચ્ચે મેમનગર ગુરુકુળ રોડ પર કેટલોક રોડ બેસી જતા વાહન ચાલકો માટે સમસ્યા સર્જસી. મેમનગર ગુરુકુળ રોડ પર વરસાદી પાણી નિકાલ માટે નાખવામાં આવેલ લાઇન પરનો રસ્તો બેસ્યો. જે રસ્તો બેસ્તા વાહન ચાલકો માટે સમસ્યા સર્જાઈ. કેમ કે રસ્તો બેસી જતા ત્યાં કેટલાક વાહનો પણ ફસાયા. તો વાહનો નીકળવા જતા નુક્શાન પણ થયું. તો કેટલાક વાહન ચાલકો પડી પણ ગયા હતા. જે સમસ્યાએ પણ તંત્રની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખુલી પાડી દીધી.