અમદાવાદમાંથી ઓસ્ટ્રેલિયન ડોલર છાપતી ફેક્ટરી ઝડપાઈ, વિદેશ જતા લોકોને સસ્તા ભાવે નક્લી ડોલર પધરાવવાનો ઘડ઼્યો હતો કારસો
અત્યાર સુધી ડુપ્લીકેટ ભારતીય ચલણી નોટો છાપી અને પૈસા કમાવાનો શોર્ટકટ તરીકે ઉપયોગ કરતા હોવાના કિસ્સાઓ આપે સાંભળ્યા હશે, પરંતુ હવે ડુપ્લીકેટ ઓસ્ટ્રેલિયન કરન્સી એટલે કે ડોલર પણ છાપી તેને સસ્તા ભાવે વેચાણ કરી પૈસા કમાવા શોર્ટકટ કરતા હોવાનું કિસ્સો પણ સામે આવ્યો છે.
અત્યાર સુધી લોકો પૈસા કમાવા માટે અનેક શોર્ટકટ નો ઉપયોગ કરતા હતા, જેમાં ડુપ્લીકેટ કરન્સી એટલે કે ચલણી નોટોનું છાપકામ કરી તેને બજારમાં સસ્તા ભાવે વેચતા હતા. આ પ્રમાણે ડુપ્લીકેટ નોટો પકડાવાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે, પરંતુ અમદાવાદમાં ડુપ્લીકેટ ડોલર છપાતા હોવાનો પણ કિસ્સો હવે સામે આવી રહ્યો છે. અમદાવાદ એસઓજી દ્વારા ડુપ્લીકેટ ડોલર આપી તેને સસ્તા ભાવે વેચાણ કરનાર ચાર લોકોની ધરપકડ કરી છે. એસઓજી દ્વારા સમગ્ર કેસનો માસ્ટરમાઈન્ડ અને ઓસ્ટ્રેલિયામાં રહેતા મૌલિક પટેલ સહિત ધ્રુવ દેસાઈ, રોનક રાઠોડ તેમજ ખુશ પટેલની ધરપકડ કરી તેની પાસેથી નકલી ઓસ્ટ્રેલિયન ડોલરની 151 નોટ અને અન્ય મુદ્દા માલ કબજે કર્યો છે.
પોલીસ આરોપીઓ સુધી કઈ રીતે પહોંચી
સમગ્ર કેસની વાત કરીએ તો અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રોનક રાઠોડ નામનો આરોપી ઓસ્ટ્રેલિયન 50 ડોલરની નકલી નોટો વટાવવા માટે નીકળ્યો હતો, જેની માહિતી મળતા એસઓજી ની ટીમ દ્વારા તેને પકડી પૂછપરછ કરવામાં આવી હતી. રોનક રાઠોડની પૂછપરછ માં તેમણે જણાવ્યું કે ખુશ પટેલ નામના મિત્ર પાસેથી તેમણે ઓસ્ટ્રેલિયન ડોલર લીધા છે અને તે વટાવવા માટે મને કામ સોપ્યું છે. જેના આધારે પોલીસે ખુશ પટેલની ધરપકડ કરી અને ડુપ્લીકેટ ડોલર ક્યાંથી લાવ્યો હોવાની પૂછપરછ શરૂ કરી હતી, ત્યારે ખુશ પટેલે તેના મિત્ર મૌલિક પટેલ અને ધ્રુવ દેસાઈ બનાવટી ઓસ્ટ્રેલિયન ડોલર બનાવ્યા હતા અને તેને વેચવા માટે લીધા હોવાની કબુલાત કરી હતી. જેના આધારે પોલીસે મૌલિક પટેલ તેમજ ધ્રુવ દેસાઈની ધરપકડ કરી હતી. પોલીસે ધ્રુવ પટેલના પ્રિન્ટિંગ પ્રેસ માંથી ઓસ્ટ્રેલિયન કરન્સીની 50 નોટો છાપેલી 18 સીટ તેમજ પ્રિન્ટર મશીન, કોમ્પ્યુટર અને અલગ અલગ નોટ બનાવવાની સાધન સામગ્રી મળી 11 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
કઈ રીતે બનાવ્યા ડુપ્લીકેટ ડોલર અને કોણ છે માસ્ટર માઈન્ડ ?
પોલીસે ચારેય આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું કે ઓસ્ટ્રેલિયન કરન્સી ડોલરને ડુપ્લીકેટ બનાવવાનો માસ્ટર માઈન્ડ મૌલિક પટેલ છે, જે છેલ્લા 20 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં રહે છે. આરોપી મૌલિક પટેલે એમબીએ નો અભ્યાસ કરેલો છે અને તે ઓસ્ટ્રેલિયામાં ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલો છે. ટૂંકા સમયમાં વધુ પૈસા કમાવાની લાલચે મૌલિક પટેલે અમદાવાદમાં તેના મિત્ર ધ્રુવ દેસાઈનો સંપર્ક કર્યો હતો. મૌલિક અને ધ્રુવ સાથે મળી ડુબ્લીકેટ ડોલર બનાવવાનું નક્કી કર્યું હતું. જેથી બંને મિત્રોએ ધ્રુવના પ્રિન્ટિંગ પ્રેસમાં 11 લાખ રૂપિયાનું નવું મશીન વસાવ્યું હતું. જેમાં તેઓએ ડુપ્લીકેટ ડોલરનું છાપકામ શરૂ કર્યું હતું.
ધ્રુવ અને મૌલિકે google પર ડોલર છાપકામ માટે કયું મટીરીયલ વાપરવામાં આવે છે તેમજ કઈ રીતે ડોલર બને છે તેની માહિતીઓ મેળવી હતી. જે બાદ અલગ અલગ વસ્તુઓ ખરીદ કરી ડિઝાઇન બનાવી અને ડુપ્લીકેટ ડોલર છાપ્યા હતા. જે પ્રિન્ટિંગ પ્રેસમાં ડુબ્લીકેટ ડોલર છપાયા હતા તે ધ્રુવ અને તેના પિતા સંચાલન કરતા હતા. આરોપી ધ્રુવ દેસાઈ બાયોટેક સાયન્સનો અભ્યાસ કરે છે. નવા મશીનની ખરીદી બાદ ધ્રુવ દ્વારા તેના પિતાને જણાવવામાં આવ્યું હતું કે તેમને ઓસ્ટ્રેલિયાની ઇવેન્ટના પાસ છાપકામ માટેનો કોન્ટ્રાક્ટ મળ્યો છે જેથી તેણે નવું મશીન ખરીદ્યું છે. મૌલિક અને ધ્રુવે ઓનલાઇન 50 ડોલરની નોટ વિશે માહિતી મેળવી હતી અને તેમાંથી જ અલગ અલગ સીરીયલ નંબર પણ છાપકામ કર્યા હતા.
ડોલર છાપ્યા બાદ શું હતો પ્લાન ?
આરોપી મૌલિક અને ધ્રુવ દ્વારા પહેલીવાર ડુબ્લીકેટ ડોલર તૈયાર કર્યા બાદ તેણે ખુશ પટેલનો સંપર્ક કર્યો હતો અને બજારમાં ડોલર સસ્તા ભાવે વેચવા માટે જણાવ્યું હતું. ખુશ પટેલ દ્વારા અન્ય આરોપી રોનક રાઠોડને ડોલર વેચવા માટેનું કામ સોંપ્યું હતું. જેના બદલામાં મૌલિક અને ધ્રુવ પાંચ ટકા કમિશન આપવાના હતા. અમદાવાદ માંથી વિદેશ જતા લોકોને ઓરીજનલ ડોલરની કિંમતથી સસ્તા ભાવે ડોલર આપવા માટેનો પ્લાન બનાવવામાં આવ્યો હતો.
આરોપી રોનક રાઠોડ કુલ ડોલરની 131 નોટ કે જેની કિંમત ભારતીય ચલણ મુજબ અંદાજિત 3.60 લાખ ગણવામાં આવે છે જેને તેઓ 2.65 લાખની આસપાસની કિંમતે વેચવાના હોવાની પણ કબુલાત કરવામાં આવી છે. જોકે આરોપીઓ પ્રથમ વખત જ ડુપ્લીકેટ ડોલર બનાવી સસ્તા ભાવે વેચવા નીકળ્યા હતા જેથી પોલીસે તેને પકડી પાડ્યા છે ત્યારે હવે અગાઉ આરોપીઓ દ્વારા અન્ય કોઈ ડુપ્લીકેટ ચલણ બનાવવામાં આવ્યું છે કે કેમ અથવા તો આ સમગ્ર કેસમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલું છે કે કેમ તેની પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.