અમદાવાદની કલ્યાણ પુષ્ટિ હવેલીમાં ગોવર્ધન પૂજાનો કાર્યક્રમ અને ત્યારબાદ ભગવાનને અન્નકૂટ ચઢાવવામાં આવ્યો. વૈષ્ણવ આચાર્ય દ્વારકેશ લાલજી મહારાજની ઉપસ્થિતિમાં અમદાવાદ સહિત રાજ્યના વૈષ્ણવોએ મોટી સંખ્યામાં ભાગ લીધો. કારતક સુદ પ્રતિપદાને દિવસે ગોવર્ધનની પૂજાનો વિશેષ મહિમા છે. છપ્પન ભોગનો ભગવાન શ્રી કૃષ્ણએ મનોરથ કર્યો એવી રીતે આપણે યથાશક્તિ જે કાંઈ સામગ્રી બની શકે અથવા જે કાંઈ પ્રસાદ બને તે બધા સુધી પહોંચાડવો જોઈએ. જેમ ભગવાન શ્રી કૃષ્ણએ નાનામાં નાના વ્યક્તિઓને આદર આપ્યો એવી રીતે આપણે પણ એવી વ્યક્તિઓને આદર આપીએ અને એક પૂજ્યભાવ વ્યક્ત કરીએ તો જ શ્રી કૃષ્ણ ભક્તિ કરેલી સાર્થક ગણાશે તેવી ભાવના સાથે આ કાર્યક્રમ યોજાયો. આ વર્ષે દિવાળી બાદ ગ્રહણનો સંયોગ હતો જેના કારણે ગોવર્ધન પૂજાનો કાર્યક્રમ મોડો યોજવામાં આવ્યો હતો.
ગોવર્ધનની પૂજા એટલે પ્રકૃતિની પૂજા. વિદ્વાનો એવું માને છે કે, કારતક સુદ પ્રતિપદાને દિવસે ભગવાન શ્રી કૃષ્ણે ગિરીરાજજીને ધારણ કર્યાં. ધારણ કરે એ પૂર્વે ભગવાને અન્નકુટનો મનોરથ કર્યો. દશમસ્કંધમાં કથા વર્ણવી છે કે, દિવાળીનો દિવસ હતો અને ગોકુળમાં તૈયારી થતી હતી ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને નંદબાવાને પુછયું કે, “આ શેની તૈયારીઓ ચાલી રહી છે ?” ત્યારે નંદબાવાએ કહ્યું કે આપણે યજ્ઞ કરીએ છીએ.
ભગવાને પુછયું કે, “આપણે ક્યો યજ્ઞા કરીએ છીએ ?” તો નંદબાવાએ કહ્યું કે, “આપણે ઈન્દ્ર યજ્ઞ કરીએ છીએ.” તો ઈન્દ્ર આપણને શું આપે છે ? તો કહ્યું કે જે કાંઈ થાય છે તે ઈન્દ્રની જ તો કૃપા છે ! ઈન્દ્રની કૃપાથી વરસાદ વરસે છે, એ વરસાદથી ગિરીરાજજીમાં ઘાસ ઉગે છે, એ ઘાસ ગાયો ખાય છે અને તેથી ગાયો આપણને દૂધ આપે છે. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને જ્ઞાાનોપદેશ કરતાં કહ્યું કે, “વરસાદ દેવરાજ ઈન્દ્ર નથી વરસાવતા પણ વરસાદ તો પ્રકૃતિ અનુસાર જ પડે છે. જો તમારે પૂજન કરવું હોય તો ગિરીરાજજીનું પૂજન કરો. આપણા ઈષ્ટદેવ એ ગિરીરાજજી છે અને આપણી ઈષ્ટ દેવી એ ગાયમાતા છે.” ત્યારે વ્રજવાસીઓએ પૂછયું કે, “ગિરીરાજજીનું પૂજન કેવી રીતે કરવું ? તો કહ્યું કે જે અન્નકુટની સામગ્રી તમે દેવરાજ ઈન્દ્ર માટે બનાવી છે એ બધી સામગ્રી ગિરીરાજજીને તમે સમર્પિત કરો.” આમ, છપ્પન ભોગની શરૂઆત જ શ્રી કૃષ્ણ ભગવાને કરી હતી.