મહેસાણામાં સમારકામ દરમિયાન બ્રિજ તૂટવાની ઘટના સામે આવી છે. કડીના કરણનગરથી બોરીસણાને જોડતો બ્રિજ સમારકામ દરમિયાન અચાનક કડડભૂસ થઈને તૂટી ગયો. અચાનક બ્રિજ તૂટી પડતા ઘટનાસ્થળે અફરાતફરીના દૃશ્યો સર્જાયા હતા. સમારકામ દરિયાન અચાનક વચ્ચેનો બ્લોક તૂટીને નદીમાં ખાબક્યો હતો. બ્રિજ તૂટતા JCB પણ કેનાલમાં ખાબક્યુ હતુ. જો કે જર્જરીત બ્રિજને અવરજવર માટે બંધ કરાયો હોવાથી કોઈ જાનહાનિ સર્જાઈ નથી. છેલ્લા ત્રણ દિવસથી બ્રિજનું સમારકામ ચાલી રહ્યુ હતુ. બ્રિજ તૂટવાની જાણ થતા જ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી છે.
કડીના કરણનગર અને બોરીસણાને જોડતો બ્રિજ સમારકામ દરમિયાન તૂટી પડ્યો છે. બ્રિજ તૂટવાથી એક JCB કેનાલમાં પડી ગયું છે. ત્રણ દિવસથી ચાલતા સમારકામ દરમિયાન બ્રિજનો એક ભાગ તૂટી પડ્યો હતો. જર્જરિત બ્રિજ પર અવરજવર બંધ હતી. નર્મદા વિભાગના અધિકારીઓએ તપાસ શરૂ કરી છે.
બ્રિજનું સમારકામ કરી રહેલા કર્મચારીના જણાવ્યા અનુસાર બ્રિજનું ગડર ડેમેજ હતુ અને સમારકામ ચાલી રહ્યુ હતુ એ દરમિયાન જેસીબીમાં પંચર પડ્યુ. આથી પંચર કરવા માટે ટાયર ખોલીને બહાર નીકળ્યા હતા. આ દરમિયાન જ બ્રિજનો એકભાગ ધરાશાયી થયો હતો. કર્મચારીના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં કોઈને નાની-મોટી પણ ઈજા પહોંચી નથી. સદ્દનસીબે જેસીબીનું પંચર કરાવવા માટે નીચે ઉતર્યા હોવાથી તમામ લોકોનો આબાદ બચાવ થયો છે.
Published On - 7:07 pm, Fri, 24 January 25