Shubh Yatra Movie Review: ‘શુભ યાત્રા’ વિદેશ વસવાટની ગુજરાતીઓની ઘેલછા અને મલ્હાર ઠાકરનો નોખો અંદાજ રજૂ કરતી ફિલ્મ
Shubh Yatra Movie Review: બે એવા યુવાનો જેમણે ગામમાં કરી નાખ્યું છે પણ ગામનું કરી નાખવાનો તેમનો ઈરાદો નથી. સાચા અને સરળ યુવાનો પ્રામાણિક પણે સાહસ કરે છે પણ તેમાં સફળ ન થતા વિદેશ જઈ ડૉલર કમાઈ રૂપિયામાં દેવુ ચુકતે કરવાની યોજના બનાવે છે.
કથા, અભિનય અને દિગ્દર્શનની વાત કરીએ તો મોટા ભાગના ગુજરાતીઓમાં જોવા મળતી વિદેશમાં વસીને બે પાંદડે થવાની ઘેલછા વાર્તાનો મુળ વિચાર છે. આપણા ગુજરાતમાં દરેક ગામ, શહેર, શેરી અને સોસાયટીમાં જોવા મળતી આ વાત છે.
શું છે ફિલ્મની પટકથા
બે એવા યુવાનો જેમણે ગામમાં કરી નાખ્યું છે પણ ગામનું કરી નાખવાનો તેમનો ઈરાદો નથી. સાચા અને સરળ યુવાનો પ્રામાણિક પણે સાહસ કરે છે પણ તેમાં સફળ ન થતા વિદેશ જઈ ડૉલર કમાઈ રૂપિયામાં દેવુ ચુકતે કરવાની યોજના બનાવે છે. દુકાળમાં અધિક માસની જેમ અમેરિકા જવા માટે પણ રૂપિયા તો જોઈએ જ. શહેરમાં જાય છે અમેરિકાના વિઝા લેવાના પ્રયાસ શરૂ કરે છે તેમાં પણ એક સાંધે ત્યાં તેર તુટે તેવા હાલ થાય છે. પરંતુ એક ભાઈનો અમેરિકા જવાનો મેળ પડી જાય છે.
હવે બીજાને પણ ગમે તેમ કરીને અમેરિકા મોકલવાની ગડમથલ શરૂ થાય છે. ત્યારે મલ્હાર ઠાકરને ભેટો થાય છે સરસ્વતી વીણા દેવીનો. સરસ્વતી વીણા દેવી સરળ છે પણ સપાટા બોલાવે તેવી તેજ છે. (ભાઈ ફિલ્મની કથા વિશે તો આટલુ જ કહેવાનું હોય આખી કથા માણવી હોય તો ફિલ્મ જોવી પડે)
‘ઢ’ ફિલ્મના દિગ્દર્શકની ફિલ્મ ‘શુભયાત્રા’
દિગ્દર્શક મનીષ સૈની એ પોતાની પહેલી ગુજરાતી ફિલ્મ ‘ઢ’ ની જેમ જ ખુબ જ ગંભીર વિષયને સરળતાથી રજૂ પણ કર્યો છે. અભિનયની વાત કરીએ તો ફિલ્મનું સૌથી સબળ પાસુ એ છે કે જે કલાકારને ભાગે જેટલુ પણ આવ્યું તે તેમણે જબરદસ્ત રીતે ભજવ્યું છે.
મલ્હાર ઠાકરની સહજતા, પત્રકાર તરીકે મોનલ ગજ્જરનો મિજાજ, હેમિન ત્રિવેદી, દર્શન જરીવાલા, મગન લુહાર, મોરલી પટેલ, અર્ચન ત્રિવેદી, સુનિલ વિસરાણી, જય ભટ્ટ અને હિતુ કનોડીયા આ તમામનો સહજતા ભર્યો અભિનય ખરેખર મજા કરાવી નાખે છે. ખુબ ઓછી ફિલ્મોમાં આટલુ સચોટ કાસ્ટિંગ જોવા મળે છે. આ ફિલ્મથી મલ્હાર ઠાકર ટીપિકલ કોમેડી જ કરી શકે છે એ માન્યતા સો ટકા તૂટી છે. પોતાને ભાગે આવેલા વન લાઇનર્સ દર્શન જરીવાલા જે રીતે રજૂ કરે છે તે સાબિત કરે છે કે શા માટે તેમને અભિનયના ધુરંધર કહેવાય છે.
જોકે આ ફિલ્મમાં સૌથી સરપ્રાઈઝ પેકેજ હોય તો તે છે મગન લુહાર અને ‘મુંગો મલ્હાર’. ઈન્ટરવોલનું ટાઈમિંગ પરફેક્ટ છે. દિગ્દર્શકે ફિલ્મને ખુબ જ ચુસ્ત રાખી છે અને એટલે જ ફિલ્મ પુરી થાય ત્યાં સુધી તે ક્યાંય ખોટી ખેંચાતી હોય કે કંટાળાજનક બનતી હોય તેવુ લાગતુ જ નથી.
ફિલ્મનું સંગીત છે કર્ણપ્રિય
સંગીતની વાત કરીએ તો ગુજરાતી દર્શકો જેમનું સુમધુર સંગીત છેલ્લા 5થી વધુ વર્ષોથી માણતા આવ્યા છે તેવા કેદાર-ભાર્ગવે ડૉલરીયા રાજા, સાચવનીને જાજો અને બેબી બુચ મારી ગઈ આ ત્રણેય ગીતો હૈયે વસે અને હોઠે ચઢી જાય તેવા છે. ડૉલરીયા રાજામાં ગીતા રબારીનો અવાજ અને દેશી DJના તાલ જેવું સંગીત છે (આ ગીત હવે ચોક્કસ તમને વરઘોડામાં વાગતુ સાંભળવા મળશે). બેબી બુચ મારી ગઈ કવ્વાલી ટાઈપનું ગીત છે જે આજકાલના આલ્બમોમાં ચાલતા બેવફાના ટ્રેન્ડ કરતા અલગ છે. સાચવીને જાજો ગીતમાં આદિત્ય ગઢવી તો ઘેઘૂર અવાજથી માહોલ બનાવી નાખે છે. ભાર્ગવ પુરોહિત પોતાની કલમે લખાયેલા શબ્દો જ્યારે પોતે જ સંગીતબદ્ધ કરે, એટલે સોનામાં સુગંધ ભળે.
ટૂંકમાં વિદેશમાં યેન કેન પ્રકારે જઈ વસવાની ઘેલછા કંઈ કેટલોય ભોગ લઈ લે છે. એક જુઠાણું સો જુઠાણાંને જન્મ આપે અને એ પથારો સમેટવામાં સર્જાતી સ્થિતિથી ઉપજતુ હાસ્ય. ખોટા વ્યક્તિને મદદ કરીએ તો ધરમ કરતા ધાડ પડેને કોઈ પોતાનું પણ ક્યાંક બીજેથી જડે. વેકેશનમાં બાળકો અને પરિવાર સાથે જોવા જવાય, ચુકી ન જવાય અને OTT પ્લેટફોર્મ પર આવે ત્યાં સુધી રાહ ન જોવાય તેવી ફિલ્મ છે ‘શુભ યાત્રા’
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…