જે વિદ્યાર્થીનીઓ CBSE સિંગલ ગર્લ ચાઈલ્ડ સ્કોલરશિપ માટે અરજી કરી શકી નથી તેમના માટે ખુશખબર છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને (CBSE) તમામ રાજ્યની વર્ષ 2023-24 દરમિયાન ધોરણ 11 કે 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે શિષ્યવૃત્તિ (Scholarship) માટેની અરજી કરવાની તારીખ લંબાવીને 31 ઓક્ટોબર, 2023 કરી છે. પહેલા અરજીની છેલ્લી તારીખ 18 ઓક્ટોબર, 2023 હતી.
CBSEએ 20 ઓક્ટોબરના રોજ જાહેર કરેલી નોટિસમાં જણાવ્યું હતું કે, હવે ગર્લ સ્ટુડન્ટ્સ સ્કોલરશિપ માટે 31 ઓક્ટોબર, 2023 સુધી અરજી કરી શકે છે. આ શિષ્યવૃત્તિ માટે અરજી પ્રક્રિયા સપ્ટેમ્બરમાં જ શરૂ થઈ હતી અને પહેલા તેની છેલ્લી તારીખ 18 ઓક્ટોબર, 2023 હતી.
બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવેલી સિંગલ ગર્લ ચાઈલ્ડ સ્કોલરશિપ હેઠળ, લાયકાત ધરાવતી વિદ્યાર્થીનીઓને દર મહિને 500 રૂપિયા આપવામાં આવે છે. વધુ માહિતી માટે વિદ્યાર્થીનીઓ બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ cbse.gov.in નીમુલાકાત લઈને અપડેટ થયેલી સૂચના ચેક કરી શકે છે.
જે વિદ્યાર્થીનીઓ કે જેમણે ધોરણ 10 ની પરીક્ષા 60 ટકા માર્ક્સ સાથે પાસ કરી છે અને હાલમાં ધોરણ 11માં અભ્યાસ કરી રહી છે તે જ CBSE દ્વારા શરૂ કરવામાં આવેલી સિંગલ ગર્લ ચાઈલ્ડ સ્કોલરશિપ માટે અરજી કરી શકે છે. આ ઉપરાંત વિદ્યાર્થીનીઓની માસિક ટ્યુશન ફી દર મહિને 1500 રૂપિયાથી વધારે હોવી જોઈએ નહીં.
એવી જ રીતે 12 માં ધોરણમાં ભણતી તે જ વિદ્યાર્થીનીઓને સ્કોલરશિપ આપવામાં આવશે જેમને 11માં ધોરણમાં આ શિષ્યવૃત્તિ મેળવી હતી. ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ શિષ્યવૃત્તિ મેળવવા માટે રિન્યુઅલ અરજી સબમિટ કરવાની રહેશે.