બટાટાને શાકભાજીનો રાજા કહેવામાં આવે છે. દરેકના ઘરમાં તેમાંથી અનેક પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં આવે છે. જ્યારે પણ તમે માર્કેટમાં જાઓ છો, ત્યારે બટાકાની કિંમત 30થી 70 રૂપિયા પ્રતિ કિલોની વચ્ચે રહે છે. આવી સ્થિતિમાં જો એક કિલો બટાકાની કિંમત 40થી 50 હજાર રૂપિયા કહેવામાં આવે તો તમારૂ રિએક્શન કેવું હશે? તમે આ વાત પર વિશ્વાસ નહીં કરો, પરંતુ આ સત્ય છે. વિશ્વમાં આવા વિવિધ પ્રકારના બટાકાની ખેતી કરવામાં આવે છે, જેની એક કિલોની કિંમત 50 હજારની નજીક છે.
Le Bonnotte નામના આ બટાકાની ખેતી ફ્રેન્ચ ટાપુ Ile de Noirmoutier માં થાય છે. તેની ખેતી રેતાળ જમીન પર થાય છે. દરિયાઈ સેવાળ તેના ખાતર તરીકે કામ કરે છે. એવું કહેવાય છે કે તે માત્ર 50 ચોરસ મીટર જમીન પર જ ઉગાડવામાં આવે છે.
પોટાટોરવ્યુ વેબસાઈટ મુજબ તેની પ્રતિ કિલોગ્રામ સરેરાશ કિંમત 500 યુરો એટલે કે લગભગ રૂ 44282 પ્રતિ કિલો છે. જોકે તેની કિંમત સતત ઉપર અને નીચે થતી રહે છે. ગ્લોબલ મીડિયા કંપની કોન્ડે નાસ્ટ ટ્રાવેલે તેને વિશ્વની પાંચ સૌથી મોંઘી શાકભાજીમાં સામેલ કરી છે.
આ બટાટાને દુર્લભ પ્રજાતિની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. Le Bonnotte દર વર્ષે માત્ર 10 દિવસ માટે જોવા મળે છે. તેની ખેતી માટે ખૂબ કાળજી લેવી જરૂરી છે. Le Bonnotte બટાટા રોપ્યાના ત્રણ મહિના પછી તેને ખોદી કાઢવામાં આવે છે. તે ફેબ્રુઆરીમાં વાવવામાં આવે છે અને મેમાં ખોદવામાં આવે છે. આ બટાકાને જમીન પરથી હટાવવા માટે હળવા હાથનો ઉપયોગ કરવો પડે છે, નહીં તો તેને નુકસાન થઈ શકે છે.
આ બટાકાનો સ્વાદ ખારો હોય છે. તેનો ઉપયોગ પ્યુરી, સલાડ, સૂપ અને ક્રીમ બનાવવા માટે થઈ શકે છે. તેમજ તેનું સેવન અનેક રોગો સામે ફાયદાકારક માનવામાં આવે છે. ઈ-કોમર્સ વેબસાઈટ ટ્રેડ ઈન્ડિયા પર એક કિલો Le Bonnotteની કિંમત 690 USD એટલે કે 56,020 હજાર છે. તે જ સમયે, Go for World Business પર 500 ગ્રામ બટાકાની કિંમત 300 USD એટલે કે 24 હજાર રૂપિયા છે.