અમદાવાદના એસપી રિંગ રોડ પાસે બે દિવસ પહેલા એક અજાણ્યા પૂરૂષનો અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. બોપલ પોલીસની પ્રાથમિક તપાસમાં તેમજ પીએમ રિપોર્ટમાં આ પુરુષની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. બોપલ પોલીસે મૃતદેહની ઓળખ કરી હત્યાનો ભેદ ઉકેલ્યો છે અને હત્યારા યુવકની ધરપકડ કરી છે. હત્યારા યુવકની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે.
અમદાવાદમાં એસપી રિંગ રોડ પર શક્તિ કન્વેન્શનની બાજુના વરંડામાં અવાવરૂ જગ્યાએ ત્રણ દિવસ પહેલા એક અર્ધનગ્ન હાલતમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસને જાણ થતા તાત્કાલિક મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. જો કે પોલીસની પ્રાથમિક તપાસ તેમજ પીએમ રિપોર્ટના આધારે સામે આવ્યું કે આ પુરુષની ગળું દબાવી તેમજ ઇંટના ઘા મારી હત્યા કરવામાં આવી છે.
પોલીસે પુરુષની ઓળખ કરતા સામે આવ્યું કે નિર્ણયનગર ખાતે આવેલા શાન્તારામ કોમ્પલેક્ષ પાસે રહેતા નિલેષ વાઘેલાનો મૃતદેહ હોવાનું સામે આવ્યું હતું. મૃતક નિલેશ વાઘેલા વૈષ્ણવદેવી સર્કલ પાસે આવેલી એસજીવીપી હોસ્પિટલમાં મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા હતા. નિલેષ વાઘેલા ગત 11 મેએ સવારે ઘરેથી નીકળીને નોકરીએ ગયા હતા, પરંતુ સાંજે ઘરે આવ્યા ન હોવાથી પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. નિલેષ વાઘેલાના પરિવારે હોસ્પિટલમાં પહોંચીને તપાસ કરતા નિલેશ નોકરીના સમય બાદ નીકળી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં પોલીસને મૃતદેહની ઓળખ થતાં બોપલ પોલીસે પરિવારને જાણ કરી હતી.
નિલેષ વાઘેલાનો મૃતદેહ અર્ધનગ્ન અવસ્થામાં હોવાથી તેમના પરિવારજનોએ પોલીસ સમક્ષ એક વ્યક્તિ પર શંકા વ્યક્ત કરી હતી. નિલેષ વાઘેલાની સાથે હોસ્પિટલમાં હાઉસકિપીંગનું કામ કરતો અને સમલૈંગિક સંબંધ ધરાવતો રમેશ નામનો શખ્સ નિલેષ વાઘેલાને અવાર નવાર હેરાન કરતો હોવાનો આક્ષેપ થતાં બોપલ પોલીસે તે દિશામાં વધુ તપાસ કરતા નિલેશ વાઘેલાની હત્યાનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે મૃતક નિલેશ વાઘેલા સાથે હોસ્પિટલમાં કામ કરતા રમેશ ધામોરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે આરોપી રમેશની પૂછપરછ કરતાં સામે આવ્યું કે રમેશે મૃતક નિલેશ વાઘેલાને 10,000 રૂપિયા ઉછીના આપ્યા હતા. જેની અવારનવાર માંગણી કરવા છતાં પણ નિલેશ વાઘેલા પરત આપતા ન હતા. તેથી હોસ્પિટલના સમય બાદ આરોપી રમેશે નિલેશ વાઘેલાને શક્તિ કન્વેન્શન સેન્ટરની બાજુમાં આવેલા અવાવરું જગ્યા પર બોલાવ્યા હતા અને ત્યાં બંને વચ્ચે પૈસાની લેતીદેતી મામલે બોલાચાલી થઈ હતી જેમાં રમેશે નિલેશ વાઘેલાને ઈંટોના ઘા મારી ગળું દબાવી હત્યા નીપજાવી હતી.
જો કે પરિવારે આરોપી રમેશ ઉપર સમલૈંગિક સંબંધ ધરાવતા હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમજ મૃતક નિલેશ વાઘેલાનો મૃતદેહ પણ અર્ધનગ્ન હાલતમાં મળ્યો હોવાથી પોલીસને ફક્ત પૈસાની લેતીદેતી નહીં પરંતુ અન્ય કોઈ કારણ પણ હત્યા પાછળ જવાબદાર હોવાની શંકા જઈ રહી છે. આ ઉપરાંત મૃતક નિલેશ વાઘેલાનો ફોન તેમજ એકટીવાની પણ પોલીસ શોધખોળ હાથ ધરી છે. જેના દ્વારા પણ પોલીસને હત્યા પાછળના અન્ય કારણો શોધવામાં સરળતા પડી શકે છે. હાલ તો પોલીસે આરોપી રમેશની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.