રશિયા યુક્રેન સંકટના (Russia Ukraine Crisis) કારણે આગામી સમયમાં ખાદ્યતેલના ભાવ (Edible Oil Price) અને સપ્લાય પર વધુ અસર પડી શકે છે. એક અહેવાલ મુજબ, વિશ્વના સૌથી મોટા સૂર્યમુખી ઉત્પાદક યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ભારતમાં સૂર્યમુખી તેલના પુરવઠામાં આગામી નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 25 ટકા અથવા 4-6 લાખ ટનનો ઘટાડો થવાની ધારણા છે. આ અછતને કારણે અન્ય ખાદ્યતેલોની માગ અને ભાવ પર પણ અસર પડી શકે છે. ભારતમાં સૂર્યમુખી તેલના પ્રોસેસિંગ માટે જરૂરી 70 ટકા કાચો માલ યુક્રેનમાંથી આવે છે અને લગભગ 20 ટકા રશિયામાંથી આવે છે.
દેશમાં ખાદ્યતેલનો વાર્ષિક વપરાશ 230 થી 240 લાખ ટન છે. તેમાંથી શુદ્ધ સૂર્યમુખી તેલનો હિસ્સો 10 ટકા છે અને તેમાંથી લગભગ 60 ટકા માગ આયાત દ્વારા પૂરી કરવામાં આવે છે. હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચેના સંઘર્ષને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે અને કટોકટી કેટલો સમય ચાલશે તે અંગે હજુ પણ અનિશ્ચિતતા છે.
રેટિંગ એજન્સી ક્રિસિલે ગુરુવારે જણાવ્યું હતું કે સ્થાનિક ખાદ્યતેલ પ્રોસેસિંગ કંપનીઓની બેલેન્સ શીટ મજબૂત છે અને યુક્રેન પર રશિયન આક્રમણને કારણે ટૂંકા ગાળાના પુરવઠામાં વિક્ષેપ પડી શકે છે. જો કે, કંપનીઓના ઉત્પાદન યોજના પર તેની અસર પડશે. ભારતને વાર્ષિક 22-23 લાખ ટન ક્રૂડ સૂર્યમુખી તેલની જરૂર પડે છે.
સૂર્યમુખીની આયાતમાં સૌથી વધુ હિસ્સો યુક્રેન (70 ટકા) ધરાવે છે, ત્યારબાદ રશિયા (20 ટકા) આવે છે, ભારત પણ આર્જેન્ટિના અને અન્ય દેશો પાસેથી સૂર્યમુખી ખરીદે છે. એકંદરે, યુક્રેન અને રશિયા વાર્ષિક 10 લાખ ટન ક્રૂડ સૂર્યમુખી તેલની નિકાસ કરે છે, જ્યારે આર્જેન્ટિના 7 લાખ ટન સાથે ત્રીજા ક્રમે છે.
ક્રિસિલના અહેવાલ મુજબ, સ્થાનિક ખાદ્યતેલ પ્રોસેસિંગ કંપનીઓ સામાન્ય રીતે 30 થી 45 દિવસ માટે કાચો માલ રાખે છે, તેથી એવી સંભાવના છે કે તેઓ ટૂંકા ગાળામાં વર્તમાન કટોકટીની અસરનો સામનો કરી શકે છે. જો સંઘર્ષ અને ધંધાકીય વિક્ષેપ લાંબા સમય સુધી ચાલુ રહેશે, તો સપ્લાય અને કિંમતો પર અસર દેખાવાનું શરૂ થશે.
ક્રિસિલના જણાવ્યા અનુસાર જો સ્થિતિ વધુ બગડે છે તો કંપનીઓ અન્ય દેશોમાંથી ખરીદી શરૂ કરી શકે છે. જોકે, રશિયા અને યુક્રેનથી અન્ય દેશોમાંથી આવતા સપ્લાયની ભરપાઈ કરવી શક્ય નથી. બીજી બાજુ, ઓઇલ પ્રોસેસિંગ કંપનીઓ કામગીરી જાળવવા માટે અન્ય ખાદ્ય તેલની પ્રક્રિયા શરૂ કરી શકે છે.
આ પણ વાંચો : MONEY9: 2021માં દરરોજ આવતાં IPO, 2022માં ક્યાં ખોવાઇ ગયા? IPO માર્કેટને લાગી કોની નજર?
આ પણ વાંચો : MONEY9: ક્રિપ્ટોમાં ફૂલેલો તેજીનો ફુગ્ગો ફૂટવાની તૈયારીમાં? શું ક્રિપ્ટોકરન્સીના અંતિમ દિવસો ગણાઈ રહ્યાં છે ?