MONEY9: ક્રિપ્ટોમાં ફૂલેલો તેજીનો ફુગ્ગો ફૂટવાની તૈયારીમાં?  શું ક્રિપ્ટોકરન્સીના અંતિમ દિવસો ગણાઈ રહ્યાં છે ?

MONEY9: ક્રિપ્ટોમાં ફૂલેલો તેજીનો ફુગ્ગો ફૂટવાની તૈયારીમાં? શું ક્રિપ્ટોકરન્સીના અંતિમ દિવસો ગણાઈ રહ્યાં છે ?

Divyesh Nagar
| Edited By: | Updated on: Mar 31, 2022 | 6:33 PM

ક્રિપ્ટોકરન્સીના ફુગ્ગાની હવા નીકળી રહી છે. ક્રિપ્ટો એક્સ્ચેન્જીસ દ્વારા આપવામાં આવતી જાહેરાતો ધીમે ધીમે ગાયબ થઈ રહી છે. એવી આશંકા જન્મી રહી છે કે, કદાચ જગારા મારતો ક્રિપ્ટોનો સિતારો તૂટવાની અણીએ પહોંચી ગયો છે.

શું ક્રિપ્ટોકરન્સી (CRYPTO CURRENCY) માં ફૂલેલો અકલ્પનીય તેજીનો ફુગ્ગો ફૂટવાની તૈયારીમાં છે ? તમને થશે કે, શા માટે અમે આ સવાલ પૂછી રહ્યાં છીએ..પરંતુ તેની પાછળ કારણ છે…અને એવી આશંકા જન્મી રહી છે કે, કદાચ જગારા મારતો ક્રિપ્ટોનો સિતારો તૂટવાની અણીએ પહોંચી ગયો છે. દુનિયાભરની ક્રિપ્ટોકરન્સી છેલ્લાં એક વર્ષમાં કડકભૂસ (CRASH) થઈને ભોંયભેગી થઈ ગઈ છે..ભારત સરકાર (GOVERNMENT) ભલે તેના પર ગેરકાનૂની કરન્સીનું લેબલ ન લગાવે, પરંતુ સરકારે નિયમ અને કાયદા એટલા કડક કરી દીધા છે કે, આ સો-કોલ્ડ ડિજિટલ એસેટ્સમાં પૈસા લગાવવા એટલે જાણે કે, ગેરકાનૂની કામ કરવું.

ચાલો ભાઈ.., ભારતની વાત તો પછી કરીશું, પહેલાં ઈન્ટરનેશનલ લેવલ પર ક્રિપ્ટોમાં શું રંધાઈ રહ્યું છે, તેની ચર્ચા કરીએ. આ ચર્ચામાં સૌથી પહેલાં પ્રખ્યાત ક્રિપ્ટોકરન્સી બિટકોઈનની હાલત ચકાસીએ. છેલ્લાં 3 મહિનામાં તેના ભાવ 15 ટકાથી પણ વધુ તૂટ્યા છે…જોકે, તાજેતરનાં દિવસોમાં થોડીક રિકવરી જોવા મળી છે. ગયા સપ્તાહે બિટકોઈનનો ભાવ 43,000 ડૉલરની નજીક હતો. 3 મહિનામાં આ કરન્સીએ 51,987ની હાઈ સપાટીથી લઈને 33,000નું લોઅર લેવલ બનાવવા સુધીની સફર ખેડી છે.

ક્રિપ્ટોનો ચળકાટ શા માટે ઝાંખો પડ્યો
તો આખરે, ક્રિપ્ટોનો ચળકાટ શા માટે ઝાંખો પડી રહ્યો છે? તેની પાછળ એક નહીં, અનેક કારણ છે…દુનિયાભરની સરકારોની આંખમાં ક્રિપ્ટોકરન્સી કણીની માફક ખૂંચી રહી છે, પરંતુ સ્થિતિ એવી છે કે, તેના પર સંપૂર્ણ પ્રતિબંધ પણ મૂકી શકાતો નથી. આથી, ઘણા દેશ તેની તેજી પર બ્રેક લગાવીને બેઠાં છે અને રોકાણકારોને, આ વાત ધીમે-ધીમે સમજાવા લાગી છે. આવા સંજોગોની વચ્ચે, રશિયા-યુક્રેન યુદ્ધથી દુનિયાભરના બજારો હલબલી ગયા એટલે ક્રિપ્ટોને ફરી, તેજીની સવારી કરવાનો અવસર મળી ગયો અને 24 ફેબ્રુઆરીથી 24 માર્ચની વચ્ચે બિટકોઈનના ભાવ 23 ટકા વધી ગયા. ભાવમાં ભલે રિકવરી જોવા મળી હોય, પરંતુ ગયા વર્ષના 68,000થી 69,000 ડૉલરના લેવલ કરતાં આ ભાવ હજુ ઘણા નીચે છે.

હવે, તેનાથી એટલો અંદાજ તો લગાવી જ શકાય કે, ક્રિપ્ટોકરન્સીમાં ઈન્વેસ્ટર્સનો રસ ઘટી રહ્યો છે. ગયા વર્ષે અલ-સાલ્વાડોરની સરકારે લેવડદેવડ માટે ક્રિપ્ટોનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી, ત્યારે તો, ક્રિપ્ટો માર્કેટમાં આશા-અપેક્ષાઓના આંધણ મૂકાવા લાગ્યા હતા, પરંતુ બાદમાં આ રાંધેલું રજળી પડ્યું, કારણ કે, સાલ્વાડોરમાં જ કોઈ મોટા સોદા ના થયા.

ભારતમાં શું છે ક્રિપ્ટોની સ્થિતિ
હવે, કરીએ આપણા દેશની વાત. દોઢેક વર્ષથી ભારતીયોના કાને ક્રિપ્ટોનો કોલાહલ સંભળાઈ રહ્યો છે. બિલાડીનાં ટોપની માફક અઢળક એક્સ્ચેન્જ ખુલી ગયા છે અને કરોડો ગ્રાહકો આમાં રોકાણ કરી રહ્યાં હોવાના, દાવા પણ થવા લાગ્યા છે. આટલા કરોડ ગ્રાહકો, આટલા અબજનું ઈન્વેસ્ટમેન્ટ… વગેરે વાતો સાંભળો તો કદાચ ચક્કર આવી જાય.. એક્સ્ચેન્જ દ્વારા આપવામાં આવતી જાહેરાતો જોઈને ભલભલાની આંખો પહોળી થઈ જાય. તેનાથી તો, RBI અને સરકાર સહિત બધા પરેશાન છે. પરિણામે, ઈન્વેસ્ટર્સથી લઈને એક્સ્ચેન્જ બંનેને અટકાવવા માટે, ક્રિપ્ટો તરફ જતાં તમામ રસ્તામાં અનેક અડચળો ઊભી કરવાનો વિચાર, સરકારના દિમાગમાં આવ્યો અને સરકારે ક્રિપ્ટોને ગણાવી દીધો જુગાર અને ઠોકી દીધો 30 ટકા ટેકસ.

સરકારની શું છે રણનીતિ
સરકાર તો હવે, ફાઈનાન્સ બિલમાં ફેરફાર કરીને ક્રિપ્ટોના કાયદા વધારે કડક કરવાની તૈયારીમાં છે…એટલે કે, અન્ય કોઈન (COIN)માં ગયેલી ખોટને સરભર કરવાનો ચાન્સ પણ છીનવાઈ જશે. આ ફેરફારમાં દંડની જોગવાઈ પણ ઉમેરાઈ છે અને સરકારે તાકેલા આ તીર, બરોબર નિશાને પડ્યા છે. ભારતમાં ક્રિપ્ટોના લીલાછમ દેખાતા ખેતરો જાણે કે, સૂકાઈ ગયા છે, હવે ક્રિપ્ટોની જાહેરાતો પણ બંધ થઈ ગઈ છે, કરોડો ગ્રાહકો અને અબજોના રોકાણના દાવા કરનારા પણ ખોવાઈ ગયા છે. ઓછામાં પૂરું રોકાણકારોને તાજેતરમાં જે ખોટ ગઈ, તેને જોતાં તો, 30 ટકા ટેક્સ ભરવાનું જોખમ કોઈ ખેડે તેવું લાગતું નથી.

એક સમયે કહેવાતું હતું કે, શેરબજારમાંથી પૈસા કાઢીને લોકો ક્રિપ્ટોમાં રોકશે, પરંતુ આ થિયરી હવે પાયાવિહોણી લાગી રહી છે. જે ક્રિપ્ટોકરન્સી લોકોને માલામાલ બનાવી રહી હતી, આજે, તેની આડે અડચણોનો પહાડ ઊભો છે. સરકારની કડક નિયમોની કારીગરી કામ કરી રહી છે અને ક્રિપ્ટોનો કારોબાર કડકભૂસ થવાને આરે પહોંચી ગયો હોય તેવું લાગે છે.

આ પણ જુઓ

ભારતીય શેરબજારમાં BEAR MARKETની શક્યતા કેટલી?

આ પણ જુઓ

Toll Tax વધી જશે? સરકાર Toll Booth વધારીને શું કરવા માંગે છે?

g clip-path="url(#clip0_868_265)">