IPO Vs FPO : અદાણી ગ્રૂપ દ્વારા તેની કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસને ફોલો ઓન પબ્લિક ઑફર એટલેકે FPO સ્થગિત કરવાની જાહેરાત કરી છે. અદાણીનો FPO છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. આપણે મોટેભાગે IPO વિષે સાંભળતા આવ્યા છે પણ ઘણા લોકો માટે FPO એ નવો શબ્દ છે. હવે મનમાં પ્રશ્ન ઉઠે કે IPO અને FPO વચ્ચે તફાવત શું છે ? બન્ને જયારે રોકાણકારો પાસેથી નાણાં એકત્રિત કરી રહ્યા છે ત્યારે IPO અને FPO વચ્ચેનો ફર્ક એક સામાન્ય રોકાણકાર માટે મનમાં અનેક પ્રશ્નાર્થ ઉભા કરે છે? આ અહેવાલમાં અમે તમારા પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.
ફોલો-ઓન પબ્લિક ઑફર (FPO) એ એક પ્રક્રિયા છે જેના દ્વારા ભારતીય બજારોમાં પહેલેથી જ સૂચિબદ્ધ કંપની વર્તમાન શેરધારકો અથવા રોકાણકારોને નવા શેર જારી કરે છે. એટલે કે જે કંપની પહેલાથી જ શેરબજારમાં લિસ્ટેડ છે, તે રોકાણકારોને નવા શેર ઓફર કરે છે. આ બજારમાં હાજર સ્ટોક કરતાં અલગ છે. સામાન્ય રીતે, મોટાભાગના શેર પ્રમોટરો દ્વારા જારી કરવામાં આવે છે. FPO નો ઉપયોગ કંપનીના ઇક્વિટી બેઝમાં વિવિધતા લાવવા માટે થાય છે. એકવાર સૂચિબદ્ધ થયા પછી, જો નવા શેર જારી કરવાના હોય, તો તે કિસ્સામાં FPO નો ઉપયોગ કરવામાં આવે છે. કંપની નવી શેર મૂડી એકત્ર કરવા અથવા તેનું દેવું ચૂકવવા માટે FPO લાવે છે.
કંપનીઓ પોતાનો વિસ્તાર કરવા માટે આઈપીઓ અથવા એફપીઓ દ્વારા બજારમાંથી ભંડોળ એકત્ર કરે છે. આ ભંડોળનો ઉપયોગ રોકડ પ્રવાહની જરૂરિયાતોને પહોંચી વળવા અથવા વ્યવસાયને વધારવા માટે થાય છે. કંપનીએ પ્રથમ વખત IPO દ્વારા તેના શેર બજારમાં ઉતરે છે જ્યારે FPOમાં વધારાના શેર બજારમાં લાવવામાં આવે છે. IPOમાં શેરના વેચાણ માટે એક નિશ્ચિત કિંમત હોય છે જેને પ્રાઇસ બેન્ડ કહેવામાં આવે છે. તે જ સમયે, એફપીઓના સમયે શેરની પ્રાઇસ બેન્ડ બજારમાં હાજર શેરની કિંમત કરતાં ઓછી રાખવામાં આવે છે.
27 જાન્યુઆરી 2023ના રોજ અદાણી એન્ટરપ્રાઇઝે તેને 20 હજાર કરોડ એકત્ર કરવા માટે બહાર પાડ્યું. અદાણી એન્ટરપ્રાઇઝિસનો એફપીઓ સંપૂર્ણ રીતે સબસ્ક્રાઇબ થયો હતો પરંતુ હવે કંપનીએ તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં તેને પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ કહ્યું છે કે FPOમાં રોકાણકારો દ્વારા રોકાણ કરાયેલા નાણાં તેમને પરત કરવામાં આવશે.