રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની 47મી વાર્ષિક સામાન્ય સભામાં ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે. આ દરમિયાન RILના ચેરમેન મુકેશ અંબાણીએ સોલાર બિઝનેસને લઈને મોટી જાહેરાત કરી છે. અંબાણીએ જણાવ્યું હતું કે કંપની આ વર્ષના અંત સુધીમાં પોતાના સોલાર ફોટોવોલ્ટેઇક (PV) મોડ્યુલનું ઉત્પાદન શરૂ કરશે.
અંબાણીએ કહ્યું કે આગામી ક્વાર્ટરમાં અમે અમારી સંકલિત સૌર ઉત્પાદન સુવિધાઓનો પ્રથમ તબક્કો પૂર્ણ કરીશું. આમાં 10 GWની શરૂઆતની વાર્ષિક ક્ષમતા સાથે મોડ્યુલ, સેલ, ગ્લાસ, વેફર્સ, ઇંગોટ્સ અને પોલિસીલિકોનનો સમાવેશ થાય છે. અમે જામનગર ખાતે 30 GWh વાર્ષિક ક્ષમતા સાથે સંકલિત અદ્યતન રસાયણશાસ્ત્ર આધારિત બેટરી ઉત્પાદન સુવિધાનું બાંધકામ શરૂ કર્યું છે. ઉત્પાદન આવતા વર્ષના બીજા ભાગમાં શરૂ થશે.
શેરધારકોને સંબોધતા મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, જામનગર વિશ્વનું એનર્જી કેપિટલ બનશે. 2025 સુધીમાં જામનગર આપણા નવા ઉર્જા વ્યવસાયનું કેન્દ્ર પણ બની જશે. ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા મેન્યુફેક્ચરિંગ કોમ્પ્લેક્સ એક જ સ્થાન પર વિશ્વનું સૌથી મોટું, સૌથી આધુનિક, મોડ્યુલર અને સંકલિત ઇકોસિસ્ટમ હશે.
નવા એનર્જી બિઝનેસ વિશે વાત કરતાં તેમણે કહ્યું, બાયો-એનર્જી બિઝનેસ ઝડપથી વિસ્તરી રહ્યો છે અને 2025 સુધીમાં 55 ઓપરેટિંગ કોમ્પ્રેસ્ડ બાયોગેસ (CBG) પ્લાન્ટ્સ સુધી પહોંચશે, જે ખેડૂતોને અન્ના દાતાઓમાંથી ઊર્જા દાતાઓમાં પરિવર્તિત કરશે અને ગ્રામીણ વિસ્તારોને વધુ ઊર્જા પૂરી પાડશે 30,000 થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓનું સર્જન થશે. કંપની નવા એનર્જી બિઝનેસમાં રૂ.75,000 કરોડ સુધીનું રોકાણ કરવા તૈયાર છે.