રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ વધુ એક સહકારી બેંક સામે કાર્યવાહી કરી છે. રિઝર્વ બેંક (RBI) એ મહારાષ્ટ્રના પુણેની સેવા વિકાસ સહકારી બેંક લિ. (Seva Vikas Co-operative Bank)નું લાયસન્સ રદ્દ કર્યું છે. સેવા વિકાસ સહકારી બેંકનું લાઇસન્સ રદ કરવાથી ખાતેદારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જોકે આ સામે ચિંતામાં રાહત આપતા સમાચાર પણ સાંપડ્યા છે. બેંક દ્વારા આપવામાં આવેલા ડેટા અનુસાર તેના 99 ટકા થાપણદારો ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) હેઠળ તેમની સંપૂર્ણ થાપણો મેળવવા માટે પાત્ર છે. ડીઆઈસીજીસીએ 14 સપ્ટેમ્બર સુધી કુલ વીમાકૃત થાપણોમાંથી રૂપિયા 152.36 કરોડ ચૂકવ્યા હતા. આરબીઆઈએ કહ્યું છે કે બેંક પાસે પર્યાપ્ત મૂડી નથી કે તેની પાસે કમાણીની કોઈ સંભાવના નથી તેથી તેનું લાઇસન્સ રદ કરવામાં આવી રહ્યું છે.
રિઝર્વ બેંકે સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બેંક પાસે ન તો પર્યાપ્ત મૂડી છે કે ન તો આવકની સંભાવના છે. સહકારી બેંક 10 ઓક્ટોબરના રોજ કામકાજના સમય પછી વ્યવસાય કરી શકશે નહીં. કેન્દ્રીય બેંકે કહ્યું કે બેંક તેની વર્તમાન નાણાકીય સ્થિતિમાં હાલના થાપણદારોને સંપૂર્ણ રકમ ચૂકવવામાં સક્ષમ નથી. રિઝર્વ બેંકે ઉમેર્યું કે સેવા વિકાસ કો-ઓપરેટિવ બેંકને બેંકિંગ વ્યવસાયથી હટાવી દેવામાં આવી છે. અન્ય બાબતોમાં બેંક ન તો થાપણો સ્વીકારી શકશે કે ન તો તાત્કાલિક અસરથી થાપણોની ચૂકવણી કરી શકશે.
ઉલ્લેખનીય છે કે DICGC વીમા યોજના હેઠળ બેંકોમાં જમા રકમનો 5 લાખ રૂપિયા સુધીનો વીમો લેવામાં આવે છે. આ કારણે બેંક નાદાર બને અથવા તેનું લાઇસન્સ રદ થાય તો ગ્રાહકોને આવી જમા રકમ ગુમાવવાનું જોખમ રહેતું નથી. DICGC, ભારતીય રિઝર્વ બેંકની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે જે બેંક ડિપોઝીટ પર રૂ. 5 લાખ સુધીનું વીમા કવચ આપે છે.
ભારતીય રિઝર્વ બેંકએ પુણેની રૂપી કો-ઓપરેટિવ બેંક લિમિટેડ (Rupee Co-operative Bank Ltd)ને બંધ કરવાનો તાજેતરમાં આદેશ આપ્યો હતો. આ બેંકની બેંકિંગ સેવાઓ 22 સપ્ટેમ્બરથી બંધ કરાઈ છે. રિઝર્વ બેંકની ગાઈડલાઈનનું પાલન ન કરવાને કારણે રુપી કો-ઓપરેટિવ બેંક લિમિટેડના દરવાજે તાળા લાગી ગયા છે.ઓગસ્ટમાં રિઝર્વ બેંકે પુણે સ્થિત રૂપી કો-ઓપરેટિવ બેંકનું લાઇસન્સ રદ કરવાનો નિર્ણય લીધો હતો. બેંક 22મી સપ્ટેમ્બરથી પોતાનો વ્યવસાય બંધ કરાયો છે.