મમ્મીએ વેચ્યા લાખોના દાગીના ને પૈસા આપી દીધા દીકરાને ગિફ્ટ, હવે શું આના પર ટેક્સ લાગશે?
જો તમારી માતા પોતાના જૂના સોનાના દાગીના વેચીને તમને લાખો રૂપિયા આપે છે, તો શું તમારે તેના પર ટેક્સ ભરવો પડશે? આવો સવાલ મનમાં આવવો સ્વાભાવિક છે અને મોટાભાગના લોકો આ બાબતે મૂંઝવણમાં પણ રહે છે. આખરે માતા પાસેથી મળતી મોટી રકમ અને બેંકમાં પૈસા જમા કરાવવાને લઈને ઇન્કમ ટેક્સ વિભાગના નિયમો શું કહે છે?

જો તમારી માતા તેમના જૂના સોનાના દાગીના વેચીને તમને 15 લાખ રૂપિયા આપે છે, તો શું તમારે આ રકમ પર ઇન્કમ ટેક્સ (Income Tax) ભરવો પડશે? જો તમે આ પૈસા બેંક ખાતામાં જમા કરો છો, તો શું આવકવેરા વિભાગ (Income Tax Department) તમારી પાસે સવાલ પૂછી શકે છે?
આ એક એવો સવાલ છે, જે ઘણા બધા લોકોને મૂંઝવણમાં મૂકી શકે છે. કેટલાક લોકો વિચારે છે કે, આના પર ટેક્સ નહીં લાગે, જ્યારે કેટલાક વિચારે છે કે ટેક્સ લાગશે. હવે સવાલ એ છે કે, આવકવેરાના નિયમો શું કહે છે?
માતા તરફથી મળેલા ગિફ્ટ પર શું Tax લાગે છે?
આવકવેરા કાયદાની કલમ 56 હેઠળ માતા-પિતા પાસેથી ગિફ્ટ તરીકે પૈસા મેળવવા પર સામાન્ય રીતે ટેક્સ લાગતો નથી. તેનું કારણ એ છે કે, માતા-પિતા કાયદામાં સગા-સંબંધીઓની કેટેગરીમાં આવે છે.
આ છૂટ માટે ગિફ્ટની રકમની કોઈ મહત્તમ મર્યાદા નક્કી નથી. માતા પાસેથી 15 લાખ રૂપિયા મળે કે તેનાથી વધુ, માત્ર રકમ મોટી હોવા માત્રથી તેના પર ટેક્સ લાગી જતો નથી. જો કે, પૈસા વાસ્તવમાં ક્યાંથી આવ્યા, તેનો યોગ્ય પુરાવો હોવો જરૂરી છે.
બેંકમાં મોટી રકમ જમા કરાવો તો કયા પુરાવા રાખવા?
જો તમને માતા કે પિતા પાસેથી મોટી રકમ મળે, તો કેટલાક દસ્તાવેજો સાચવીને રાખવા સમજદારીભર્યું છે:
- ગિફ્ટ ડીડ અથવા રકમ આપ્યાનો લેખિત પુરાવો.
- પૈસા આપનાર માતા-પિતાની ઓળખ સાથે જોડાયેલા દસ્તાવેજો.
- ‘સોનું’ વેચ્યાની રસીદ અને ચુકવણીનો પુરાવો.
- સોનાનું મૂલ્યાંકન ઉપલબ્ધ હોય તો તેનો રિપોર્ટ.
- બેંક સ્ટેટમેન્ટ, જેનાથી રકમ આવ્યાનો અને જમા થયાનો ખ્યાલ આવે.
આ દસ્તાવેજો જાતે જ દરેક તપાસ પૂરી થવાની ખાતરી આપતા નથી પરંતુ પૈસાના સ્ત્રોતને સમજાવવામાં મદદ કરી શકે છે.
‘સોનું’ વેચવા પર માતાએ Tax ભરવો પડી શકે છે?
અહીં એક મહત્વની વાત સમજો. પુત્રને માતા પાસેથી મળેલી ગિફ્ટ સામાન્ય રીતે ટેક્સ-ફ્રી હોઈ શકે છે. હવે તેનો અર્થ એ નથી કે, માતાને પણ ‘સોનું’ વેચવા પર હંમેશાં ટેક્સમાંથી છૂટ મળશે.
આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, સોનાના દાગીના કેપિટલ એસેટ્સ (મૂડીગત સંપત્તિ) માનવામાં આવે છે. એવામાં વેચાણ પર નફો થયો છે કે નહીં, તે ખરીદીની કિંમત, વેચાણ કિંમત અને દાગીના કેટલા સમય સુધી રાખવામાં આવ્યા હતા, જેવી બાબતો પર નિર્ભર કરશે. જો માતાને દાગીના વેચીને કેપિટલ ગેઇન થાય છે, તો તેના પર ઇન્કમ ટેક્સના નિયમો મુજબ ટેક્સ લાગશે.
યાદ રાખો, માતા પાસેથી મળેલી ગિફ્ટ સામાન્ય રીતે ટેક્સ-ફ્રી છે, પરંતુ બેંક ખાતામાં મોટી રકમ જમા થવા પર તેના સ્ત્રોતનો પુરાવો માંગવામાં આવી શકે છે. ગિફ્ટ ડીડ, વેચાણની રસીદ અને બેંક રેકોર્ડ સાચવીને રાખવા તમારા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે.
