PPF, SSY અને NSS જેવી પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓમાં રોકાણ કરનારાઓ માટે મોટા સમાચાર આવ્યા છે. સરકાર આ યોજનાઓ સાથે સંબંધિત નિયમોમાં કેટલાક ફેરફાર કરવા જઈ રહી છે. જે આગામી 1 ઓક્ટોબરથી લાગુ થશે. જો તમે આ યોજનાઓમાં રોકાણ કર્યું છે અથવા રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. આ અઠવાડિયાની શરૂઆતમાં, કેન્દ્રીય નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગે નવા નિયમો માટે માર્ગદર્શિકા જાહેર કરી છે.
નાણા મંત્રાલય દ્વારા નાની બચત ખાતાઓ અંગે જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા જણાવે છે કે, જો કોઈ ખાતું અનિયમિત જણાય તો તેને નાણા મંત્રાલય દ્વારા જરૂરી નિયમિત કરવા માટે મોકલવામાં આવશે. માર્ગદર્શિકા હેઠળ, વિભાગે જે નવા નિયમો જાહેર કર્યા છે, તે નેશનલ સેવિંગ્સ સ્કીમ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) અને સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ માટે લાગુ થશે.
ડીજીના આદેશ (2 એપ્રિલ, 1990) પહેલા ખોલવામાં આવેલા બે NSS-87 ખાતાઓ માટે નવા નિયમો હેઠળ પહેલા ખોલાયેલા ખાતા પર, પ્રવર્તમાન સ્કીમ રેટ લાગુ થશે, જ્યારે બીજા ખાતા પર, પ્રવર્તમાન POSA દરની સાથે બાકી બેલેન્સ પર 200 બીપીએસ દર લાગુ થશે. આ બંને ખાતામાં જમા રકમ વાર્ષિક મર્યાદાથી વધુ ન હોવી જોઈએ. જો વધારે ડિપોઝીટ કરવામાં આવે તો તે વ્યાજ વગર પરત કરવામાં આવશે. 1 ઓક્ટોબર, 2024થી બંને ખાતાઓ પર શૂન્ય ટકા વ્યાજ દર લાગુ થશે.
સગીરના નામે ખોલવામાં આવેલા PPF ખાતાઓ માટે : આવા અનિયમિત ખાતાઓ માટે POSA વ્યાજ ત્યાં સુધી ચૂકવવામાં આવશે, જ્યાં સુધી વ્યક્તિ (સગીર) ખાતું ખોલવા માટે લાયક ન બને. જ્યારે વ્યક્તિ 18 વર્ષની થાય ત્યારે લાગુ વ્યાજ દર ચૂકવવામાં આવશે. પરિપક્વતા અવધિની ગણતરી તે તારીખથી કરવામાં આવશે જે દિવસે સગીર પુખ્તતાની ઉમર પ્રાપ્ત કરે છે અને ખાતું ખોલવા માટે પાત્ર બને છે.
એક કરતાં વધુ PPF એકાઉન્ટ જાળવવા પર, પ્રાથમિક ખાતા પર સ્કીમ રેટ મુજબ વ્યાજ આપવામાં આવશે, જો કે ખાતામાં જમા કરાતી રકમ દરેક વર્ષ માટે લાગુ મહત્તમ મર્યાદાની અંદર હોવી જોઈએ. બીજા ખાતાનું બેલેન્સ પ્રથમ ખાતામાં મર્જ કરવામાં આવશે. જો કે પ્રાથમિક એટલે કે જે ખાતા ઉપર સ્કીમ રેટ મુજબ વ્યાજ મળે છે કે ખાતામાં દર વર્ષે રોકાણ મર્યાદામાં રકમ જમા થતી રહે. મર્જર પછી, પ્રાથમિક ખાતું પ્રવર્તમાન સ્કીમ રેટ પર વ્યાજ મેળવવાનું ચાલુ રાખશે. પ્રાથમિક એટલે કે મુખ્ય અને ગૌણ એટલે કે જે બીજુ ખાતુ છે તે ખાતા સિવાયના અન્ય કોઈપણ વધારાના ખાતા પર, ખાતું ખોલવાની તારીખથી શૂન્ય ટકા વ્યાજ દર લાગુ થશે.