દેશની અગ્રણી ખાનગી બેંકોમાંની એક ICICIએ 17000 નવા ગ્રાહકોના ક્રેડિટ કાર્ડ બ્લોક કરી દીધા છે. બેંકે કહ્યું કે આ ગ્રાહકો માટે નવા ક્રેડિટ કાર્ડ જાહેર કરવામાં આવશે. ત્યારે આખરે એવું તો શું બન્યુ કે નવા ગ્રાહકોના ક્રેડિટ કાર્ડ બ્લોક કરી દેવામાં આવ્યા છે. બ્લોક કરેલા કાર્ડ્સની સંખ્યા બેંકના ક્રેડિટ કાર્ડ પોર્ટફોલિયોના આશરે 0.1% છે.
ક્રેડિટ કાર્ડ્સને બ્લોક કરવા પાછળનું કારણ સમજાવતા, બેંકે કહ્યું કે ગઈકાલે આ કાર્ડ્સનો ડેટા કથિત રીતે લીક થયો હતો અને “ખોટા વપરાશકર્તાઓ” સુધી પહોંચ્યો હતો. ICICI બેંકના પ્રવક્તાએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં જાહેર કરાયેલા લગભગ 17,000 ક્રેડિટ કાર્ડ “અમારી ડિજિટલ ચેનલોમાં ખોટા વપરાશકર્તાઓ સાથે ભૂલથી મેપ થઈ ગયા હતા”.
આ સમગ્ર ભૂલ ICICIની iMobile Pay એપ પર થઈ હતી. આ ચોંકાવનારો ઘટસ્ફોટ ત્યારે થયો જ્યારે ICICI બેંકના સંબંધિત ગ્રાહકોએ સોશિયલ મીડિયા પર બેંકની iMobile પે એપની સુરક્ષા અંગે તેમની આશંકા વ્યક્ત કરી.
યુઝર્સે જાણ કરી હતી કે એપમાં કાર્ડ નંબર અને કાર્ડ CVV સહિત અન્ય કોઈના ક્રેડિટ કાર્ડની માહિતી દેખાઈ રહી છે. એટલું જ નહીં આ કાર્ડ્સની વિગતો મેળવવાનું સરળ હતું. આ ઉપરાંત અન્ય કોઈની પેમેન્ટ એપ પણ એક્સેસ કરી શકાતી હતી અને OTP હોવા છતાં પેમેન્ટ થવાની શક્યતા હતી.
લોકોની ફરિયાદ બાદ બેંકે તરત જ તેને બ્લોક કરી દીધી હતી. આ ભંગથી ગ્રાહકોના ડેટાને સુરક્ષિત રાખવા માટે ICICI બેંક દ્વારા અમલમાં મુકવામાં આવેલા સુરક્ષા પ્રોટોકોલ અંગે નોંધપાત્ર ચિંતાઓ ઊભી થઈ હતી.
આ ઘટનાને સ્વીકારતા, ICICI બેંકના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તાજેતરના દિવસોમાં જાહેર કરાયેલા લગભગ 17,000 નવા ક્રેડિટ કાર્ડ્સ બેંકની ડિજિટલ ચેનલોમાં ખોટા વપરાશકર્તાઓ સાથે ભૂલથી લિંક થઈ ગયા હતા.
બેંકના પ્રવક્તાએ ગ્રાહકોને ખાતરી આપી હતી કે અત્યાર સુધી દુરુપયોગનો કોઈ કેસ પ્રકાશમાં આવ્યો નથી. વધુમાં બેંક અસરગ્રસ્ત ગ્રાહકોને થયેલા કોઈપણ નાણાકીય નુકસાન માટે યોગ્ય વળતર આપશે. ટેક્નોફિનો પરના એક વપરાશકર્તાએ ઉલ્લંઘનની ગંભીરતાને વધુ સ્પષ્ટ કરી અને કહ્યું કે, તે iMobile એપ્લિકેશન દ્વારા અન્ય વ્યક્તિના એમેઝોન પે ક્રેડિટ કાર્ડની વિગતોને ઍક્સેસ કરવામાં સક્ષમ છે. તેમણે કહ્યું કે OTP હોવા છતાં, આંતરરાષ્ટ્રીય વ્યવહારો પણ થઈ શક્યા હોત.