દેશમાં ભ્રષ્ટાચારમાં થયો ઘટાડો? જાણો ભ્રષ્ટાચારના મામલે ભારતનું સ્થાન વિશ્વમાં કયા નંબર પર છે
આ વર્ષે ભ્રષ્ટાચારના મામલે ભારતના પ્રદર્શનમાં ઘટાડો જોવા મળ્યો છે. ભારત લાંચની રેન્કિંગમાં 5 નંબરોથી સરકીને 82માં સ્થાને પહોંચી ગયું છે.
વ્યાપાર લાંચના જોખમ મૂલ્યાંકનની વૈશ્વિક યાદીમાં ભારત આ વર્ષે પાંચ સ્થાન સરકીને 82માં સ્થાને પહોંચી ગયું છે. ગયા વર્ષે તે 77માં ક્રમે હતું. લાંચરુશ્વત સામે ધોરણો સ્થાપિત કરનારી સંસ્થા ‘TRACE’ની યાદી 194 દેશો, પ્રદેશો અને સ્વાયત્ત અને અર્ધ-સ્વાયત્ત પ્રદેશોમાં વ્યવસાયિક લાંચના જોખમો દર્શાવે છે.
આ વર્ષના ડેટા અનુસાર ઉત્તર કોરિયા, તુર્કમેનિસ્તાન, વેનેઝુએલા અને એરિટ્રિયામાં વ્યાપારી લાંચનું સૌથી વધુ જોખમ છે, જ્યારે ડેનમાર્ક, નોર્વે, ફિનલેન્ડ, સ્વીડન અને ન્યુઝીલેન્ડમાં સૌથી ઓછું જોખમ છે. ડેટા દર્શાવે છે કે 2020માં ભારત 45 પોઈન્ટ સાથે 77મા ક્રમે હતું, જ્યારે આ વર્ષે તે 44 પોઈન્ટ સાથે 82મા ક્રમે રહ્યુ છે.
આ મુદ્દો ચાર પરિબળો પર આધારિત છે – સરકાર સાથે વ્યવસાયિક વાતચીત, લાંચ-રૂશ્વત વિરોધી નિવારણ અને અમલીકરણ, સરકાર અને નાગરિક સેવાની પારદર્શિતા અને નાગરિક સમાજની દેખરેખ કરવાની ક્ષમતા જેમાં મીડિયાની ભૂમિકા સામેલ છે. ડેટા દર્શાવે છે કે ભારતે તેના પડોશીઓ- પાકિસ્તાન, ચીન, નેપાળ અને બાંગ્લાદેશ કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. આ દરમિયાન ડેટા અનુસાર ભૂટાને 62મો રેન્ક મેળવ્યો છે.
છેલ્લા પાંચ વર્ષમાં અમેરિકામાં લાંચનું પ્રમાણ વધ્યું
તેમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા પાંચ વર્ષોમાં વૈશ્વિક પ્રવાહોની સરખામણીમાં યુએસમાં બિઝનેસ લાંચના જોખમનું વાતાવરણ વધુ ખરાબ થયું છે. 2020થી 2021 સુધી તમામ ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC) દેશોમાં વ્યાપારી લાંચના જોખમમાં વધારો જોવા મળ્યો છે. છેલ્લાં પાંચ વર્ષમાં વ્યાપારી લાંચ માટે જોખમી પરિબળોને સુધારવામાં શ્રેષ્ઠ દેખાવ કરનારા દેશોમાં ઉઝબેકિસ્તાન, ધ ગામ્બિયા, આર્મેનિયા, મલેશિયા અને અંગોલા છે.
194 દેશનો ડેટા બહાર પાડવામાં આવ્યો
ટ્રેસ લાંચ રિસ્ક મેટ્રિક્સ 194 દેશ, સ્વાયત્ત અને અર્ધ-સ્વાયત્ત પ્રદેશોમાં લાંચ માંગવાની સંભાવનાને માપે છે. તે મૂળ રૂપે 2014માં વિશ્વભરમાં વ્યાવસાયિક લાંચના જોખમો વિશે વધુ વિશ્વસનીય અને સૂક્ષ્મ માહિતી માટે વ્યવસાયિક સમુદાયની જરૂરિયાતને પુરી કરવા માટે પ્રકાશિત કરવામાં આવી હતી. ટ્રેસ સંયુક્ત રાષ્ટ્ર, વિશ્વ બેંક, ગોથેનબર્ગ યુનિવર્સિટી ખાતેની વી-ડેમ સંસ્થા અને વર્લ્ડ ઈકોનોમિક ફોરમ સહિત જાહેર હિત સાથે જોડાયેલા મુખ્ય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી સંબંધિત ડેટા એકત્રિત કરે છે.