Adani-Hindenburg કેસઃ સુપ્રીમ કોર્ટે સેબીને 3 મહિનાનું એક્સટેન્શન આપ્યું
Adani-Hindenberg Case: સુપ્રીમ કોર્ટે સેબીને તપાસ પૂરી કરવા માટે 3 મહિનાનું એક્સટેન્શન આપ્યું છે. સેબીએ છ મહિનાનું એક્સટેન્શન માંગ્યું હતું.
અદાણી-હિન્ડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટે સેબીને તપાસ પૂરી કરવા માટે વધુ 3 મહિનાનું એક્સટેન્શન આપ્યું છે. 12મી મે, શુક્રવારે થયેલી સુનાવણીમાં સર્વોચ્ચ અદાલતની ડિવિઝન બેન્ચે આ નિર્ણય લીધો છે. આ કેસની આગામી સુનાવણી 15 મે-સોમવારે થશે. અગાઉ સુપ્રીમ કોર્ટે માર્કેટ રેગ્યુલેટર સેબીને બે મહિનાની અંદર તપાસ પૂરી કરવાની સૂચના આપી હતી. સેબીએ 2 મેના રોજ, તેનો રિપોર્ટ જમા કરાવવાનો હતો, પરંતુ તેણે 29 એપ્રિલે તપાસ માટે છ મહિનાનું એક્સટેન્શન માંગતી અરજી જમા કરાવી હતી.
હિન્ડનબર્ગે 24 જાન્યુઆરીએ રિસર્ચ રિપોર્ટ બહાર આવ્યો હતો
અદાણી ગ્રૂપ સામે અમેરિકાની ફાયનાન્શિયલ ફોરેન્સિક એજન્સી હિન્ડનબર્ગે 24 જાન્યુઆરીએ રિસર્ચ રિપોર્ટ બહાર પાડ્યો હતો અને અદાણી ગ્રૂપ સામે ગંભીર આરોપો મૂક્યા હતા. અદાણી ગ્રૂપ દ્વારા શેરના ભાવ સાથે ચેડાં કરવામાં આવતા હોવાના તેમજ આર્થિક કૌભાંડો કરવાના આરોપો મૂકવામાં આવ્યા હતા. અમેરિકન શોર્ટ-સેલરના આરોપોને પગલે અદાણી ગ્રૂપના શેર્સ 80 ટકા સુધી તૂટ્યા હતા અને અદાણી ગ્રૂપના માર્કેટ વેલ્યુમાં 140 અબજ ડૉલરનું ધોવાણ થયું હતું. બાદમાં સુપ્રીમ કોર્ટમાં આરોપોની તપાસ કરવા માટે કેસ થયો હતો. સુપ્રીમ કોર્ટે રોકાણકારોના હિતનું રક્ષણ કરવા માટે સ્વતંત્ર પેનલની પણ નિમણૂક કરી હતી.
અદાણી ગ્રૂપ સામે થયેલા આરોપોની તપાસ કરવા માટે વધુ સમયની જરૂર છે-સુપ્રીમ કોર્ટ
સેબીએ 29 એપ્રિલે સુપ્રીમ કોર્ટને વિનંતી કરી હતી કે, અદાણી ગ્રૂપ સામે થયેલા આરોપોની તપાસ કરવા માટે વધુ સમયની જરૂર છે કારણ કે, તેની લિસ્ટેડ કંપનીઓ, અનલિસ્ટેડ કંપનીઓ અને વિદેશની કંપનીઓ વચ્ચે થયેલા ટ્રાન્ઝેક્શન્સની તપાસ કરવાની પ્રક્રિયા જટિલ છે. અન્ય દેશોના નિયમનકારો સાથે મળીને તપાસ કરવા માટે વધારે સમયની જરૂર છે. સેબીએ સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજીમાં જણાવ્યું હતું કે, આ કેસની જટિલતાને ધ્યાનમાં લઈએ તો, તપાસ પૂરી કરવા માટે લગભગ 15 મહિના લાગશે, પરંતુ તે છ મહિનાની અંદર તપાસ પૂરી કરવાનો પ્રયાસ કરશે, આથી છ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…