Navratri 2022: ખૂબ જ અનોખી છે અહીં નવરાત્રીના ઉપવાસની પરંપરા, જાણો દેણપના ભગવતી અંબાનો મહિમા
અહીં નવરાત્રિ (Navratri 2022) દરમ્યાન સતત અઢી દિવસ નકોરડા અને ત્યારબાદ ત્રણ દિવસ ફક્ત આમળાં, આમલી અને સાકર પર જ ઉપવાસીઓએ રહેવાનું હોય છે. આટલાં આકરા ઉપવાસ છતાં એકપણ ઉપવાસીએ પોતાના ઉપવાસ અધૂરા છોડવા પડ્યા હોય એવું સાંભળ્યું નથી !
લેખકઃ પ્રજ્ઞાચક્ષુ ડૉ. કૃણાલ જોષી
કવિ કાગની પંક્તિઓ સ્મરણ થાય છે કે, “મોઢે બોલું મા મને સાચે નાનપણ સાંભળે, મોટપણાની મજા મને કડવી લાગે કાગડા.” તો ‘મા’ ની સન્મુખ જો બાળક બનીને જઈએ તો આપણાં સમગ્ર જીવનની સંપૂર્ણ જવાબદારી માતા જ નિભાવે છે. તો એવા જ માતા અંબાનું (goddess amba) સ્વરૂપ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં સ્થિત દેણપ (Denap Visnagar) ગામમાં વિદ્યમાન છે. ગમી જાય એવું છે આ ગામ. આ શબ્દ એટલા માટે વાપરું છું કે માતા અંબાનું કલ્યાણકારી સ્વરૂપ આ ભૂમિ ઉપર બિરાજમાન છે. દર્શન કરીએ ત્યારે એવું લાગે કે જાણે આપણે “મણિદ્વિપ” (manidweepam) ધામમાં છીએ. મા અંબા આ ભૂમિ ઉપર કેવી રીતે પધાર્યા ? શું છે એમની નવરાત્રિનો (Navratri 2022) મહિમા ? આવો એ વિષે વિસ્તૃત જાણીએ.
મંદિરનો ઈતિહાસ
આ મંદિરનો ઇતિહાસ અનેક રહસ્યોથી ભરપૂર છે. નક્કર સાક્ષી સ્વરૂપ પુરાવા મળવા થોડા મુશ્કેલ છે; તેમ છતાં જે માહિતી મળી છે તેના આધારે ઉલ્લેખ કરીએ તો હજારો વર્ષ પહેલાં વિસલનગર (હાલનું વિસનગર) રાજા વિસળદેવ અને મેદનપુરના મઠાધિપતિ (હાલનું મહમદપુર ગામ અને તેનો મઠ) વચ્ચે વ્યાપારિક, સાંસ્કૃતિક અને કલાત્મક ક્ષેત્રે હરીફાઈ ચાલતી હતી. આ હરીફાઈમાં ટકવા તથા આગળ આવવા દેશ-વિદેશથી કારીગરો બોલાવવામાં આવતાં અને પોતાના વિસ્તારમાં તેમને પોતાની કલાનો કસબ દર્શાવવા તેમને જરૂરી તમામ સગવડો પૂરી પાડવામાં આવતી. આ સગવડોથી પ્રેરિત થઈ તેમાંથી કેટલીક કોમ ધીરે ધીરે સ્થાઈ થવા લાગી હતી.
તાંબા – પિત્તળના વાસણો બનાવવામાં પારંગત એવી કંસારા કોમ વિસનગરમાં સ્થાઈ થઈ. પરંતુ વાસણોને ઘસીને ચકચકિત કરવા તથા આ ચળકાટ લાંબો સમય ટકાવવા માટે પાણીની જરૂર પડતી હતી. આ પાણી દેણપ ગામના નાના તળાવમાંથી મળી રહેતું હતું. આ તળાવની નજીકમાં દૈવી શક્તિના બે નાના સ્થાનકો પણ હતાં. જેમાનું એક સ્થાનક ગામની પૂર્વમાં શ્રીમહાકાળી માતાજીનું હતું અને દક્ષિણમાં શ્રીઅંબાજી માતાનું હતું. આ સ્થાનક આજે પણ અહીં મોજુદ છે. લોકવાયકા મુજબ તે તળાવના પાણીનો ઉપયોગ આ સ્થાનકોની પૂજા કર્યા પછી જ કરી શકાતો હતો અને જેટલું પાણી લેવામાં આવતું તેટલું દૂધ તળાવમાં પધરાવવામાં આવતું હતું.
દૈવી શક્તિઓના આશીર્વાદથી અહીં પાણી કદિ ખૂટતું નહીં અને આ કારણે કંસારા જ્ઞાતિએ અહીં આશરે વિક્રમ સંવત ૧૩૩૫ (ઈ. સ. ૧૨૮૧) એ કાયમી વસવાટ કર્યો અને શ્રીઅંબાજી માતાને પોતાની કુળદેવી માની તેમની પૂજાવિધિ કરીને વિકાસ કર્યો. ધીરે ધીરે રોજગાર અર્થે અન્ય જ્ઞાતિઓના લોકો પણ આવી વસવાટ કરવા લાગ્યા અને એક નાનકડા ગામ સ્વરૂપે દેણપ ગામે આકાર લીધો.
સમય જતાં આ ગામના શ્રીઅંબાજી માતામાં તમામ જ્ઞાતિઓની શ્રદ્ધા અને ભક્તિ દિવસે ને દિવસે વધવા માંડી. લોકો બાધા – આખડીઓ રાખવા માંડ્યા અને લોકોની ઈચ્છાઓ પણ ફળવા લાગી. શ્રીઅંબાજી માતાના પરચાઓથી પ્રભાવિત થઈ એક મરાઠા રાજાએ શ્રીનરસિંહદાસ મહારાજને ગામના વસવાટ અને આયોજન માટે આર્થિક સહાય કરી હતી અને આ સહાયને આધારે સૌ પ્રથમ ગામની શાખ ધરાવતા પાટીદારો દ્વારા સંતશ્રી નરસિંહદાસજીના વરદ હસ્તે ગામની થાંભલીનું મુહૂર્ત કરાવડાવ્યું હતું. જે આજે પણ “ગામીઓના માઢ” તરીકે ઓળખાતો “માઢ” ગામની વચ્ચે અડીખમ ઉભો છે.
માતાજીના અનોખાં નોરતાં અને તેમનું મહત્વ
આ ગામમાં થતી નવરાત્રિનું અનેરું મહત્વ છે. ગામની લગભગ તમામ જ્ઞાતિના લોકો, નાના-મોટાં, આબાલ-વૃદ્ધ સૌ નવરાત્રિના દિવસો દરમ્યાન નવરાત્રિના રંગે રંગાઈને ભક્તિભાવ સાથે ભરપૂર આનંદ માણે છે. આ ગામ માટે નવરાત્રિ એ વ્રતની રીતે ઘણું જ કઠિન પર્વ છે. પરંતુ આ પર્વ તત્કાળ ફળ આપનારું પણ છે. આ માતાજીના નોરતાં શ્રદ્ધાથી જે લોકો કરે છે તેમના અઘરાં અને અશક્ય કામો પણ ઊકલી જતાં હોય છે. તેથી આ ગામ સિવાયના બહારના લોકો પણ માતાજીમાં શ્રદ્ધા ધરાવે છે અને તે લોકો પણ આ પર્વ દરમ્યાન નવરાત્રિ કરવા શ્રદ્ધાથી આવે છે.
નવરાત્રિની અનોખી પરંપરા અને ફરજિયાત નોરતાં
અહીં ગામમાં માતાજીના નોરતાં જ્યારથી કંસારા જ્ઞાતિ દ્વારા તેમની સ્થાપના થઈ ત્યારથી આજ દિવસ સુધી કેટલાંક ચોક્કસ નિયમોને આધીન થતાં આવ્યાં છે. આ ગામની મોટાં ભાગની જ્ઞાતિના લોકો આસો નવરાત્રિના નોરતાં કરે છે. આ પરંપરા કેટલીય પેઢીઓથી વંશ પરંપરાગત ચાલુ છે. મૂળ આ ગામના વતની હોય અને બહાર વસવાટ કરતાં હોય તો પણ નવરાત્રિના સમયે અચૂક ગામમાં આવે છે અને ભક્તિભાવથી હર્ષોલ્લાસ પૂર્વક નોરતાં કરે છે. આમ અહીં માતાજી પ્રત્યેની લોકોની આ એક અતૂટ આસ્થા અને શ્રદ્ધા છે.
આ ગામના મોટા ભાગના જ્ઞાતિ બંધુઓ પોતાને ત્યાં આવતાં પ્રસંગો દરમ્યાન ફરજિયાતપણે માતાજીના નોરતાં કરે છે. જેમ કે પરિવારમાં પ્રથમ દિકરાના જન્મના પ્રથમ વર્ષે, દિકરા કે દિકરીના લગ્ન પછી પ્રથમ વર્ષે, દિકરીને ત્યાં પ્રથમ ભાણિયાનો જન્મ થયાના પ્રથમ વર્ષે તેમજ કરવઠાના નોરતાં લોકો ફરજિયાત કરે છે.
દેણપ ગામની સ્થાપના થઈ ત્યારથી વસતા ગામના મૂળ ગામી પરિવાર અને રાજપૂત પરિવારના વંશજોમાંથી એક એક વ્યક્તિ નિયમોને આધીન ફરજિયાત નોરતાં કરે છે. ગાયકવાડ રાજ્ય વખતે નિયુક્ત થયેલ ચારમુખી પટેલ પરિવારોમાંથી એક એક વ્યક્તિ નિયમોને આધીન ફરજિયાત નોરતાં કરે છે. આ ઉપરાંત જે લોકોએ પોતાનાં મનોરથો પુરા કરવા બાધા-આખડી કે માનતા રાખી હોય તેવા લોકો પણ શ્રદ્ધાથી નોરતાં કરવા અહીં આવતા હોય છે.
નોરતાંમાં બેસવાની રીત અને નિયમો
અહીં માતાજીના નોરતે બેસવા કેટલાંક નિયમો અનુસરવામાં આવે છે. નોરતાંનો પ્રથમ દીવસ આવે તે આસો સુદ એકમ – તે દિવસ પૂજારીના દાટા (ઉપવાસ) તરીકે ગણાય છે. તે દિવસથી નોરતાંની શરૂઆત થાય છે. તે દિવસે માતાજીનું ઘટસ્થાપન અને જવારા વાવવામાં આવે છે. જેનું વિધિસર પૂજન-અર્ચન વિધિ-વિધાનથી થાય છે. તે દિવસે સાંજે માતાજીનો થાળ ધરાવી તે થાળનો પ્રસાદ લઈ પૂજારી ત્યારબાદ જળ સિવાય આસો સુદ પાંચમ સુધી નકોરડાં ઉપવાસ કરે છે. એજ રીતે આસો સુદ બીજ – તે બીજું નોરતું ગણાય છે. બીજા નોરતાંથી પાટીદારો તથા અન્ય જ્ઞાતિના લોકો સાંજે જમ્યા પછી દાટા (ઉપવાસ) રાખે છે. એટલે કે ત્યારથી આમ જનતા માટે ઉપવાસની શરૂઆત થાય છે. આસો સુદ ત્રીજ – આ દિવસે સવારે નોરતે બેઠેલા સર્વે ઉપવાસીઓ પોતાની પથારી લઈ શ્રીમાતાજીના સ્થાનકમાં જાય છે અને પદ્ધતિસર નક્કી કરેલી જગ્યા પર પોતાની પથારી ગોઠવે છે.
આસો સુદ ત્રીજ થી આસો સુદ આઠમ સુધીના દિવસો દરમ્યાન બધા જ ઉપવાસીઓ રાત્રે માતાજીના મંદિરમાં જ પોતાની પથારીમાં જ ઊંઘે છે અને રાતવાસો કરે છે. મંદિરના સ્થાનકમાં બંને બાજુએ સ્ત્રીઓ તથા પુરુષો માટે સામ સામે પથારીઓ માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવે છે. સર્વે ઉપવાસીઓ પણ આસો સુદ બીજથી સાંજે જમ્યા પછી આસો સુદ પાંચમની બપોર ૨-૩૦ કલાકની આરતી સુધી પાણી સિવાય નકોરડા ઉપવાસ કરે છે. આસો સુદ પાંચમની બપોરની આ આરતીથી આસો સુદ આઠમના યજ્ઞ (હવન) પછીની ૩-૩૦ કલાકની મહા આરતી સુધી ફક્ત આમળાં, આમલી અને સાકરનો જ પ્રસાદ લઈ શકાય છે. આમ નવરાત્રિ દરમ્યાન સતત અઢી દિવસ નકોરડા અને ત્યાર બાદ ત્રણ દિવસ ફક્ત આમળાં, આમલી અને સાકર પર જ ઉપવાસીઓએ રહેવાનું હોય છે.
નોરતાં દરમ્યાન થતી કુલ એકવીસ આરતીઓ લેવાની સર્વે ઉપવાસીઓ માટે ફરજિયાત છે. નવરાત્રિ દરમ્યાન આ આરતીઓ બપોરે 2.30 કલાકે રાત્રે 9કલાકે મધરાતે 12 કલાકે અને વહેલી સવારે 4 કલાકે થાય છે. એકાદ આરતી લેવાનું જો ચૂકી જવાય તો નવરાત્રિનું વ્રત નિષ્ફળ જાય છે. ઉપવાસીઓ સવારની આરતી પછી તેમજ બપોરની આરતી પછી પોતપોતાનાં ઘરે આવી સ્નાનાધિ ઠંડા પાણીથી તથા અન્ય નિત્યક્રમ તેમજ પોતાના ધંધા, ખેતી વગેરેનું કામકાજ પણ કરી શકે છે. પણ આરતીના સમયે માતાજીના સ્થાનક પર ઉપવાસીઓએ હાજર રહેવાનું ફરજિયાત છે !
આસો સુદ આઠમના દિવસે માતાજીની સન્મુખ પટરાંગણમાં સવારથી જ માતાજીનો હવન શરૂ થાય છે, જેના માટે અહીં કાયમના ધોરણે હવન કુંડની શાસ્ત્રોક્ત ધોરણે રચના કરી છે. આ હવન પૂજા માટે ચાર મુખી પટેલોએ બેસવાનું ફરજિયાત છે. છેલ્લા નોરતાંનું નવરાત્રિમાં અનેરું મહત્વ છે. આ દિવસે માતાજીના સ્થાનકમાં બપોરના સમયે મોટો માનવ મહેરામણ ઉમટી પડે છે. ચારે બાજુના ગામડાઓમાંથી તથા દૂર વસતા ગામના તથા અન્ય શ્રદ્ધાળુઓ માતાજીના દર્શને આવે છે. અઢારે કોમથી સર્જિત ભવ્ય મેળાના દર્શન આ દિવસે અહીં થાય છે. સાંજના ૩-૩૦ કલાકે હવનમાં શ્રીફળ હોમી હવન પૂર્ણ કરી છેલ્લી એકવીસમી મહા આરતી થાય છે. આ આરતી તથા અમી છાંટણા લેવા ઉપવાસીઓ માટે ફરજિયાત છે. મેળામાં પધારેલાં લોકો અમી છાંટણા તથા પ્રસાદ લઈ પોતપોતાનાં રહેઠાણ તરફ રવાના થાય છે. અમી છાંટણા લેવાં એ દરેક માટે એક અનેરો લ્હાવો છે.
મહા આરતી તથા અમી છાંટણા લીધા પછી ઉપવાસીઓ પોતાના ઘેરથી બનાવેલ પ્રસાદરૂપી અડદના લોટના વડા તેમજ દહીં લાવીને સૌ પ્રથમ માતાજીને ધરાવે છે. પછી જ ઉપવાસીઓ દહીં-વડા આરોગી પારણાં કરી ઉપવાસ પૂર્ણ કરે છે અને દહીં-વડાનો પ્રસાદ પોતાના સગા-સંબંધી તથા મિત્રોમાં વહેંચે છે. પૂજારીના, રાજપૂતના તથા બ્રાહ્મણોના ઉપવાસ આસો સુદ નોમ ને દિવસ પછી પૂરા થાય છે. ત્યાર પછી રાત્રે ઉપવાસીઓ મંદિરમાં પોતાની જગ્યા પર સુવા જાય છે. આસો સુદ આઠમને સાંજે માતાજીની પલ્લી આખા ગામમાં ફેરવવામાં આવે છે. આસો સુદ નોમને દિવસે વહેલી સવારે નોરતેં બેઠેલ ઉપવાસીઓ પોતાની પથારી લઈ ઘરે આવે છે અને સાથે માતાજીમાંથી દીવો લાવી ઘરમાં દીવો પ્રગટાવી રિવાજ પ્રમાણે બનાવેલ ખીરનો પ્રસાદ લઈ નોરતાંની પૂર્ણાહૂતિ કરે છે. નવરાત્રિ દરમ્યાન ઉપવાસીઓ માટે કોઈપણ પ્રકારની વ્યસની વસ્તુઓ ખાવાની કે સાથે રાખવાની સખત અને ફરજિયાત પાબંધી છે. છેલ્લે દરેક નોરતાં દીઠ એક વ્યક્તિએ આસો સુદ-અગિયારસનો ફક્ત આમળાં, આમલી અને સાકરનો આહાર લઈ ઉપવાસ કરવાનો હોય છે.
આ માતાજીના નોરતાંમાં ઉપવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. હાલ આ સંખ્યા ૭૦૦ જેટલી થવા આવી છે. આમ માતાજીમાં લોકોની અતૂટ શ્રદ્ધા અને આસ્થા વધી છે. હવે અહીં શ્રી માતાજીના ચોગાનમાં ઉપવાસીઓ માટે તેમજ શ્રદ્ધાળુઓ માટે જુદા જુદા કાર્યક્રમો પણ ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવે છે. અહી એકપણ ઉપવાસીએ પોતાના ઉપવાસ અધૂરા છોડવા પડ્યા હોય એવું સાંભળ્યું નથી. મંદિરના સ્થાનકમાં છૂટથી સાકરનો પ્રસાદ વહેંચવામાં આવે છે જેને કારણે ઘણીવાર સંકૂલમાં સાકર ઢોળાઈ જાય તેમ છતાં એકપણ કીડીઓ ક્યાંય જોવા મળતી નથી. આ જ તો શ્રી માતાજીની અસીમ કૃપા છે.
માતાજીનું સ્થાનક
હાલની માતાજીની મૂર્તિની બેઠક ખસેડયા સિવાય નવું મંદિર લગભગ ૩૬ ફૂટ x ૩૦ ફૂટ વિસ્તારમાં તથા ૩૫ ફૂટ ઊંચાઈનું એક શિખર અને ચાર ઘુંમ્મટ તેમજ ગર્ભગૃહ અને યજ્ઞશાળા સહિતનું સંપૂર્ણ બંસી પહાડપુર પત્થરનું અજોડ કોતરકામવાળું બની ગયું છે. માતાજીના ગર્ભગૃહ બહાર ડાબે ગણેશજી તથા જમણે ભૈરવદાદાની મૂર્તિઓ છે. મંદિરના પ્રવેશ દ્વારે ત્રણ ભાગે આરસના પગથિયાં અને ત્રણ ભાગે દરવાજો બંસી પહાડપુર પથ્થરનો બનાવેલ છે. દરવાજાની અંદર દાખલ થતાં જ સામે શ્રી અંબાજી માતાજીની મૂર્તિના પૂર્વભિમુખ મનોહર દર્શન થાય છે.
વર્તમાન પરિસ્થિતિ
આ મંદિરના મુખ્ય ટ્રસ્ટીશ્રી તરફથી જાણવા મળેલ માહિતી અનુસાર મંદિરનો જીર્ણોદ્ધાર વિધિ-વિધાન અને પૂજા-વિધિ પૂર્વક વર્ષ ૨૦૦૫ થી ૨૦૦૯ દરમ્યાન કરવામાં આવેલ છે. અહીં જે માતાજીના મંદિરના ઘુંમ્મટ કંસારા જ્ઞાતિના વિસનગરના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. જેમાં સૌથી મોટો એક કળશ ત્યાર બાદ ત્રણ નાના કળશ તેમજ મંદિરને ફરતે બીજા સાત કળશ એમ કુલ ૧૧ કળશ બનાવેલ છે. દરેક કળશને સોનાના પતરાંથી મઢેલાં છે. જે ખુબ જ આકર્ષક છે. અગાઉ માતાજીનું સિંહાસન માર્બલનું હતું જે સિંહાસન છેલ્લા એકવર્ષ પહેલાં નવેસરથી વલસાડી સાગના લાકડાથી બનાવી તેમાં સુંદર કોતરણીકામ કરી અને ૩૫ ગેજના તાંબાના પતરાં પર નકશીકામ કરીને મઢવામાં આવેલ છે. ત્યારબાદ ત્રણ લેયરથી સોનાનો ગિલેટ કરવામાં આવેલ છે. હાલ માતાજી આ નવા સિંહાસન પર બિરાજમાન છે. માતાજીના ગર્ભગૃહની દીવાલો તથા દરવાજા પણ આજ પ્રમાણે સોનાના ગિલેટથી મઢવામાં આવ્યાં છે. આમ માતાજીનું ગર્ભ ગૃહ ખુબ જ સુશોભિત લાગે છે.
મંદિરના સંકૂલમાં લીમડા, આમલી, વડ વિગેરે જેવા કેટલાંક વૃક્ષો છે. તેમજ બાગ – બગીચા – લોન ઉગાડવાનું પણ આયોજન કરેલ છે. આખા સંકૂલનું ક્ષેત્રફળ આશરે છ એકર જેટલું છે. લોકોની માતાજીની શ્રદ્ધા વધતાં દરરોજ તેમજ, દર પૂનમ, અગિયારસ, પાંચમ જેવી તિથિઓમાં દર્શનાર્થીઓની સંખ્યા વધતી જાય છે. અહીં નવરાત્રિમાં ઉપવાસીઓ રહી શકે તે માટે બે મજલામાં અગિયારસો પથારીઓ રહી શકે અને ઉપવાસીઓ હરી-ફરી શકે તેવી વ્યવસ્થા તેમજ મકાનમાં પીવાના પાણી તેમજ બાથરૂમ વિગેરેની વ્યવસ્થા કાયમી ધોરણે કરવામાં આવી છે.
તેમજ અહીં માતાજીના પૂજારી માટે રહેઠાણ, કાર્યાલય, સ્ટોર રૂમ, પાણીની ટાંકી, ગેસ્ટ હાઉસ વિગેરે નિર્માણાધીન છે. ચોકીદારોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. માતાજી સૌની માનોકામના પૂર્ણ કરે એવી અભ્યર્થના સાથે અસ્તુ.
(નોંધ- આ લેખમાં લખવામાં આવેલી વિગતો લેખકે પોતાના અધ્યયનના ધોરણે લખી છે, ટીવી 9 સંપૂર્ણપણે તમામ વિગતો સાથે સંમત જ છે તે હોવાને લઈ પુષ્ટી નથી કરતું )