12 Jyotirlinga : અહીં દર્શન બાદ જ પૂર્ણ થશે કાશીની યાત્રા ! જાણો કાશી વિશ્વનાથ મહાદેવનો મહિમા
આમ તો સંપૂર્ણ કાશી જ ‘શિવ' સ્વરૂપ મનાય છે. પરંતુ, આપની કાશીની યાત્રા ત્યાં સુધી પૂર્ણ નથી થતી, કે જ્યાં સુધી આપ કાશી વિશ્વનાથના દર્શન ન કરી લો. કારણ કે બાર જ્યોતિર્લિંગમાં સ્થાન ધરાવતા કાશી વિશ્વનાથના દર્શનની આગવી જ મહત્તા છે.
કાશી (Kashi) એ ‘શિવનગરી’ તરીકે પ્રસિદ્ધ છે. આ એ ભૂમિ છે કે જેના પર 5,000 થી પણ વધુ મંદિરો વિદ્યમાન છે અને કદાચ એટલે જ તે સ્વૈચ્છિક રીતે જ ભારતની ધાર્મિક રાજધાની તરીકે સ્વીકારાઈ ચૂકી છે. વિવિધ પુરાણોમાં કાશીની મહત્તાનું ભરપૂર વર્ણન છે. સાત મોક્ષપુરીમાંથી એક એવી કાશીના બાર નામનો પુરાણોમાં ઉલ્લેખ મળે છે. આ બાર નામ એટલે વારાણસી, અવિમુક્તક્ષેત્ર, આનંદકાનન, રુદ્રાવાસ, કાશિકા, તપ:સ્થલી, મહાસ્મશાન, મુક્તિભૂમિ, શિવપુરી, ત્રિપુરારિરાજનગરી, વિશ્વનાથનગરી અને મુખ્ય કાશી.
કાશી અર્થાત્ કર્મોનું કર્ષણ કરનારી નગરી. કર્મબંધનોને કાપનારી નગરી. ધરતી પરની સૌથી પ્રકાશિત નગરી. કાશી નગરી એ પાવની ગંગા નદીના કિનારે વસેલી છે. વરુણા અને અસિ નામની નદીઓના જળ અહીં ગંગા નદીમાં એકરૂપ થાય છે અને એટલે જ આ નગરી ‘વારાણસી’ના નામે પણ ખ્યાત થઈ છે.
આ ધરા પર સુવર્ણથી શોભાયમાન સ્થાનક મધ્યે દેવાધિદેવ સમસ્ત સંસારના ‘નાથ’ના રૂપે વિદ્યમાન થયા છે. તેમનું આ દિવ્ય સ્વરૂપ ‘કાશી વિશ્વનાથ’ના (Kashi Vishwanath) નામે પ્રસિદ્ધ છે. આમ તો સંપૂર્ણ કાશી જ ‘શિવ’ સ્વરૂપ મનાય છે. પરંતુ, આપની કાશીની યાત્રા ત્યાં સુધી પૂર્ણ નથી થતી, કે જ્યાં સુધી આપ ‘કાશી વિશ્વનાથ’ના દર્શન ન કરી લો.
બાર જ્યોતિર્લિંગમાં કાશીવિશ્વનાથ નવમું સ્થાન ધરાવે છે અને તેમના દર્શનની આગવી જ મહત્તા છે. શિવભક્તો મહેશ્વરના ‘કાશી વિશ્વનાથ’ રૂપના દર્શનાર્થે જ કાશી આવે છે. પ્રભુનું રૂપ અત્યંત તેજોમય ભાસે છે.
અહીં કાશી વિશ્વનાથને પંચામૃતથી સ્નાન કરાવવાનો મહિમા છે. શ્રાવણ માસ, મહાશિવરાત્રી, દિવાળી તેમજ ત્રિપુરારિ પૂર્ણિમાના રોજ અહીં દર્શનનું સવિશેષ માહાત્મ્ય છે. કાશી વિશ્વનાથની દિવસમાં પાંચ વખત આરતી થાય છે. સવારે 3 થી 4 મંગળા આરતી. બપોરે 12 કલાકે ભોગ આરતી. સાંજે 7 કલાકે સંધ્યા આરતી. રાત્રે 9 કલાકે શૃંગાર આરતી અને રાત્રે સાડા દસ કલાકે શયન આરતી. કહે છે કે જે એક વાર પણ આસ્થા સાથે કાશી વિશ્વનાથની દિવ્ય આરતીના દર્શન કરી લે છે તેને પરમ સુખ અને શાંતિની પ્રાપ્તિ થઈ જાય છે.
અહીં હાલ જ્યાં પ્રભુના દર્શન થઈ રહ્યા છે, તે મંદિરનું નિર્માણ વર્ષ 1780માં ઈન્દોરના મહારાણી અહલ્યાબાઈ હોલ્કરે કરાવ્યું હતું. ત્યારબાદ વર્ષ 1835માં શીખ રાજવી મહારાજા રણજીતસિંહે એક હજાર કિલોગ્રામ શુદ્ધ સોનાથી અહીંના કળશને મઢાવ્યું. લોકવાયકા અનુસાર જે શ્રદ્ધાળુઓ આસ્થાથી કાશી વિશ્વનાથ મંદિરના શિખરના પણ દર્શન કરી લે છે, તેની સર્વ કામનાઓની પૂર્તિ થઈ જાય છે.
શિવ પુરાણની કોટિરુદ્ર સંહિતામાં ઉલ્લેખ છે તે અનુસાર અહીં જ શ્રીહરિએ તપસ્યા કરી મહાદેવને પ્રસન્ન થયા હતા. ત્યારબાદ શ્રીવિષ્ણુની નાભિમાંથી કમળનું અને કમળમાંથી બ્રહ્માજીનું પ્રાગટ્ય થયું. જેમણે મહેશ્વરની આજ્ઞાનુસાર 14 ભુવનની રચના કરી. આમ કાશી એ સમસ્ત વિશ્વનું પણ ઉત્પત્તિ સ્થાન મનાય છે.
આ પણ વાંચોઃ વૈરાગી શિવને કેવી રીતે લાગ્યું કાશીનું ઘેલું ? જાણો કાશીના ‘શિવનગરી’ બનવાની કથા
આ પણ વાંચોઃ કાશી નગરીમાં ભૂલથી પણ ન કરતા આ પાપ ! નહીંતર બનવું પડશે મહાદેવના કોપનો ભોગ !