હજુય શાળા-શિક્ષકોને બોધ નહીં! ઘેટાં-બકરાંની જેમ વિદ્યાર્થીઓને ટેમ્પોમાં ભર્યા વીડિયો વાયરલ
વડોદરાના હરણી તળાવની ઘટનામાં શાળાના માસૂમ વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યાની ઘટના છતાં પણ જાણે કે હજુય બેદરકારી દાખવવામાં આવી રહી છે. સાબરકાંઠાના વડાલીમાં બે ટેમ્પોમાં ઘેટાં બકરાંની જેમ બાળકોને ભરીને લઈ જવાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયો વાયરલ થવાની ઘટનાને લઈ મામલાની હવે તપાસ શરુ કરવામાં આવી છે.
જ્યારે ઘટના સર્જાય ત્યાર બાદ તપાસના આદેશો છૂટતા હોય છે. જે રીતે ઘટના ઘટી હોય એ પ્રકારના વાહનો અને ચીજોને લઈ તપાસ કરવાના અને હાલ પૂરતા તેનો વપરાશ બંધ કરવાના આદેશ થતા હોય છે. પરંતુ થોડાક દિવસો બાદ જાણે પાછું હતું એમના એમ જ. હરણી તળાવની ઘટનામાં માસૂમ વિદ્યાર્થીઓ જીવ ગુમાવ્યા છતાં પણ શાળાના શિક્ષકો અને આચર્યોમાં જાગૃતિ ના આવી હોય એવા દ્રશ્યો સાબરકાંઠાના વડાલીમાં સામે આવ્યા છે.
વડાલીની પ્રાથમિક શાળા નંબર-2 ના વિદ્યાર્થીઓને ઘેટા-બકરાંની જેમ જ બે અલગ અલગ ટેમ્પોમાં ભરવામા આવ્યા હતા. ટેમ્પોમાં ભરીને આ બાળકોને પ્રિ-વેકેશન કેમ્પ માટે ચોરીવાડની શાળામાં લઈ જવાતા હોવાનું સામે આવ્યું છે. જીવના જોખમે આ રીતે બાળકોને એકથી બીજી શાળાએ લઇ જવાના આ વીડિયોમાં અકસ્માત સર્જાય તો જવાબદારી કોની એવા સવાલો પેદા થઇ રહ્યા છે.
આ પણ વાંચો: સાબરડેરીની સામાન્ય ચૂંટણીનો કાર્યક્રમ જાહેર, 10 માર્ચે થશે મતદાન, જુઓ સંપૂર્ણ કાર્યક્રમ
ડિયો વાયરલ થવા બાદ હવે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા તપાસના આદેશ અપાયા છે. ડીપીઇઓ કેયુર ઉપાધ્યાયે ટીવી9 સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, આ મામલે તાલુકા અધિકારી પાસે રિપોર્ટ મંગાવ્યો છે. મામલાની પ્રાથમિક તપાસ બાદ આગળ કાર્યવાહી જેતે શાળા અને અને તેના જવાબદાર કર્મચારીઓ સામે કરવામાં આવશે.