Breaking News: સાબરડેરીની સામાન્ય ચૂંટણીનો કાર્યક્રમ જાહેર, 10 માર્ચે થશે મતદાન, જુઓ સંપૂર્ણ કાર્યક્રમ
Sabar Dairy Election: સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકોની જીવાદોરી સમાન સાબરડેરીની ચૂંટણીની સામાન્ય ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થવાને લઈ રાજ્યના સહકારી રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે. ચૂંટણી જાહેર થવાને લઈ મોટી રાહત સર્જાઈ છે.
સાબરડેરીની સામાન્ય ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. મોડી રાત્રીએ ચૂંટણી અધિકારીએ સાબર ડેરીની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. આગામી 10 માર્ચે મતદાન કરવામાં આવનાર છે અને એ જ દિવસે મતગણતરી હાથ ધરવામાં આવનાર છે. મોડી રાત્રે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતા જ રાજ્યના સહકારી રાજકારણમાં ગરમાવો વ્યાપી ચૂક્યો છે. અમૂલ એટલે કે GMMFC ના ચેરમેન શામળ પટેલને મોટી રાહત સર્જાઇ છે. ચૂંટણી મોકૂફ રહી હોત તો, તેમના માટે આ મહત્વનું પદ ગુમાવવાની સ્થિતિ સર્જાઇ હોત.
સહકારી રાજકારણમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં કેટલાક જૂથ દ્વારા ચૂંટણી મોકૂફ રાખવા માટે માંગ કરવામાં આવી હતી. જ્યારે પશુપાલકો તેમજ વર્તમાન નિયામક મંડળના મોટા ભાગના ડીરેક્ટર સામાન્ય ચૂંટણી તેના નિયત શેડ્યૂલ મુજબ યોજાય એ મત ધરાવતા હતા. આ દરમિયાન સૌની નજર ચૂંટણી જાહેર થવાને લઈ ચૂંટણી અધિકારી પર ઠરેલી હતી. આમ હવે ચૂંટણી કાર્યક્રમ જાહેર થઇ જવાને લઈ મોટી રાહત સર્જાઈ છે.
આગામી 10 માર્ચે મતદાન અને મતગણતરી
ચૂંટણી અધિકારી તરીકે હિંમતનગર પ્રાંત અધિકારી ચૂંટણી અધિકારી નિમણૂંક કરવામાં આવ્યા છે. ચૂંટણી કાર્યક્રમ જાહેર થવા સાથે જ મતદાન અને મતગણતરીની તારીખો જાહેર કરવામાં આવી છે.
- 12 ફેબ્રુઆરીથી 21 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્ર સ્વિકારવામાં આવશે.
- 23 ફેબ્રુઆરી ઉમેદવારી પત્રોની ચકાસણી કરશે. જે હિંમતનગર પ્રાંત અધિકારીની કચેરીએ જ સવારે 11 કલાકથી શરુ કરવામાં આવશે.
- 26 ફેબ્રુઆરીએ માન્ય ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.
- જ્યારે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની આખરી તારીખ 29 ફેબ્રુઆરી છે. બપોરે ત્રણ કલાકે કેટલા ઉમદવારો મેદાને છે અને કોણ બીન હરીફ થઇ શક્યુ એ સ્પષ્ટ થઇ જશે.
- હરીફ ઉમેદવારોની યાદી 1 માર્ચે જાહેર કરવામાં આવશે.
- 10 માર્ચે ચૂંટણી યોજાશે અને સાબરડેરીના હોલમાં જ મતગણતરી હાથ ધરવામાં આવશે.
હવે મેન્ડેટ પર નજર
ચૂંટણી જાહેર થવા પહેલાથી જ મેન્ડેટ માટે નામને લઈ રજૂઆતોના પ્રયાસો શરુ થઇ ગયા હતા. હવે મેન્ડેટ મેળવવા માટે સહકારી આગેવાનો વચ્ચે સ્પર્ધા તેજ બની જશે. આ માટે હવે રાજકીય આગેવાનો દ્વારા મેન્ડેટ અંગે રજૂઆતો કરાવવાનો પ્રયાસ હવે વધુ તેજ બનશે. સાબરકાંઠા બેંકની ચૂંટણીમાં મેન્ડેટ દ્વારા કેટલાક પીઢ નેતાઓને બહારનો રસ્તો બતાવી બેંકનું સંચાલન સ્વચ્છ બનાવવા માટે પ્રયાસ કરાયો હતો. હવે સાબરડેરીમાં પણ પશુપાલકો અને ખેડૂત હિત ઇચ્છનારાઓને મેન્ડેટ મળી શકે છે, એવો પ્રયાસ કરાઈ શકે છે.