જેતપુરમાં રોટરી ક્લબ દ્વારા આયોજીત ફનફેરની રાઈડ ધડાકાભેર થઈ ધરાશાયી, દંપતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત- Video
રાજકોટમાં આવેલા જેતપુર તાલુકામાં ફનફેરની રાઈડ તૂટી પડવાની દુર્ઘટના સર્જાઈ. જેમા એક દંપતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયુ છે. પત્નીને માથામાં ગંભીર ઈજા પહોચી છે. હાલ રોટરી ક્લબ દ્વારા આયોજિત આ ફનફેરને બંધ કરવામાં આવ્યો છે.
હાલ દિવાળીનું વેકેશન ચાલી રહ્યુ છે, ત્યારે મંડલી પરિવાર મેળાની મોજ માણવા માટે જેતપુરમાં આયોજિત ફનફેરમાં પહોંચ્યો હતો. પરંતુ આ પરિવારે સ્વપ્ને પણ નહીં વિચાર્યુ હોય કે તેમની આ મજા જિંદગીભરનું દુખદ સંભારણુ બની જશે. મંડલી દંપતી વેકેશન કરવા આવેલા ભાણીયાને લઈને બ્રેકડાન્સની રાઈડમાં બેઠુ અને અચાનક જ ચાલુ રાઈડ એકાએક તૂટી પડી. જેમા દંપતીને ગંભીર ઈજાઓ આવી છે. પત્નીને માથામાં ગંભીર ઈજા પહોંચી છે. દુર્ઘટના બાદ ત્યા હાજર લોકો મદદે દોડી આવ્યા અને ઈજાગ્રસ્ત દંપતીને સારવાર અર્થે ખસેડ્યુ હતુ.
આપને જણાવી દઇએ કે આ પ્રથમ ઘટના નથી, ઓગસ્ટ મહિનામાં નવસારીના બીલીમોરાના મેળામાં ચકડોળ તુટ્યું હતું. સોમનાથ મહાદેવ મંદિર ખાતે મેળો ભરાયો હતો જેમાં ચાર લોકોને ઇજા પહોંચી હતી. રાઈડ લગભગ 40 ફૂટની ઊંચાઈએ પહોંચ્યા બાદ જ્યારે નીચે આવી રહી હતી ત્યારે અંદાજે 20 ફૂટની ઊંચાઈએથી અચાનક તૂટી પડી હતી. મેળામાં હાજર લોકોના મોબાઈલ કેમેરામાં આ ભયાવહ ઘટના કેદ થઈ હતી. બે વર્ષ પહેલા બરાબર આ જ સમયે 30 ઓક્ટોબરના રોજ મોરબીનો જુલતો પૂલ તૂટ્યો હતો જેમા અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે સવાલ એક જ છે કે કડક નિયમો, અસંખ્ય તપાસ અન ચેકિંગ બાદ પણ દુર્ઘટનાઓનો સિલસિલો અટક્તો કેમ નથી!