“ભારત બાપ છે બાપ…” પાકિસ્તાનમાં 15 વર્ષ જાસુસી કરનાર CIAના જાસુસનો દાવો
પાકિસ્તાનમાં અમેરિકાના પૂર્વ જાસૂસ જૉન કિરિયાકુએ કહ્યુ છે કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થશે, તો પાકિસ્તાને ચોક્કસપણે કરારી હારનો સામનો કરવો પડશે.

અમેરિકી ગુપ્તચર એજન્સી CIA ના પૂર્વ અધિકારી જૉન કિરિયાકુએ કહ્યુ છે કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયુ તો પાકિસ્તાનને ચોક્કસપણે કરારી હારનો સામનો કરવો પડશે. તેમણે એ પણ કહ્યુ કે વર્ષ 2001માં ભારતની સંસદ પર હુમલા બાદ CIAને આશંકા હતી કે બંને દેશો વચ્ચે યુદ્ધ થઈ શકે છે અને એ જ સમયે અમેરિકાએ ઈસ્લામાબાદમાંથી તેના નાગરિકોને હટાવવાનું શરૂ કરી દીધુ હતુ.
ભારત સાથે યુદ્ધમાં કોઈ ફાયદો નથી
15 વર્ષ સુધી CIA માં સેવા આપનારા કિરિયાકુએ સમાચાર એજન્સી ANI સાથેના એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે પાકિસ્તાને હવે સમજવું જોઈએ કે ભારત સાથે યુદ્ધમાં જવાથી કોઈ ફાયદો નથી. તેમણે કહ્યું, “ભારત સાથેના કોઈપણ યુદ્ધથી પાકિસ્તાનને કંઈ મળશે નહીં, કારણ કે પાકિસ્તાન હારી જશે. હું પરંપરાગત યુદ્ધ વિશે વાત કરી રહ્યો છું, પરમાણુ શસ્ત્રો વિશે નહીં. ભારતને વારંવાર ઉશ્કેરવાથી પાકિસ્તાનને કઈ મળશે નહીં.”
કોઈપણ ઉશ્કેરણીને ભારત સહન નહીં કરે
કિરિયાકુએ એમ પણ કહ્યું કે ભારતે હંમેશા સરહદ પારના આતંકવાદી હુમલાઓનો કડક જવાબ આપ્યો છે. 2016 ની સર્જિકલ સ્ટ્રાઈક, 2019 માં બાલાકોટ હવાઈ હુમલો અને પહેલગામ હુમલા પછી તાજેતરમાં ઓપરેશન સિંદૂર આના ઉદાહરણો છે. તેમણે કહ્યું કે ભારતે પાકિસ્તાનને સ્પષ્ટપણે ચેતવણી આપી છે કે તે હવે કોઈપણ પ્રકારના પરમાણુ ખતરાથી ડરશે નહીં અને કોઈપણ ઉશ્કેરણીને સહન કરશે નહીં.
અમેરિકા ક્યારે એવુ લાગ્યુ હતુ કે યુદ્ધ જરૂર થશે?
કિરિયાકુએ જણાવ્યુ કે 2002 માં ઓપરેશન પરાક્રમ દરમિયાન, અમેરિકાને લાગ્યું કે બંને દેશો વચ્ચે તણાવ એ હદ સુધી વધી ગયો હતો કે ગમે ત્યારે યુદ્ધ ફાટી શકે છે. તેમણે દાવો કર્યો હતો કે તત્કાલીન પાકિસ્તાની રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રોનું નિયંત્રણ અમેરિકાને સોંપી દીધું હતું. તેમણે કહ્યું, “મને અનૌપચારિક રીતે કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રો હવે પેન્ટાગોનના નિયંત્રણ હેઠળ છે.”
અબ્દુલ કાદીર ખાનને ખતમ કરી શક્યું હોત અમેરિકા
ભૂતપૂર્વ એજન્ટે બીજો એક મહત્વપૂર્ણ ખુલાસો કર્યો કે અમેરિકા પાકિસ્તાની પરમાણુ વૈજ્ઞાનિક અબ્દુલ કાદીર ખાનને ખતમ કરી શક્યું હોત, પરંતુ સાઉદી અરેબિયાના દબાણ હેઠળ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું, “અમને ખબર હતી કે તેઓ ક્યાં રહે છે અને શું કરે છે, પરંતુ સાઉદી સરકારે અમને તેમને મુક્ત કરવાનું કહ્યું, એમ કહીને કે અમે તેમની સાથે કામ કરી રહ્યા છીએ.”
જૉન કિરિયાકુ કોણ છે?
જૉન કિરિયાકુ 2007 માં ચર્ચામાં આવ્યા જ્યારે તેમણે CIA ના ‘ટોર્ચર પ્રોગ્રામ’નો પર્દાફાશ કર્યો. ત્યારબાદ તેમને 23 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી, પરંતુ પાછળથી તેમની સામેના તમામ આરોપો રદ કરવામાં આવ્યા હતા. આ તકે તેમણે કહ્યું હતુ “મને મારા નિર્ણય અંગે કોઈ અફસોસ નથી, કોઈ અપરાધ નથી, કોઈ શરમ નથી.”
