સોમનાથ મંદિરમાં વૈદિક મંત્રોચ્ચારના ગુંજારવ વચ્ચે અનંત અંબાણીએ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર મહાપૂજાનો સંકલ્પ કર્યો હતો. ભગવાન સોમનાથનો જલાભિષેક કરી પૂજન સામગ્રી અર્પણ કરી લોકકલ્યાણ અને સર્વજન સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. આ પાવન અવસરે અનંત અંબાણીએ શ્રી સોમનાથ મહાદેવના ચરણોમાં 5 કરોડનું શિવાર્પણ કર્યું હતું. આ દાનનો ઉપયોગ સોમનાથ તીર્થ ખાતે યાત્રાળુઓ માટેની આધુનિક સુવિધાઓ, વિકાસલક્ષી પ્રકલ્પો તથા તીર્થના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવશે. આ દર્શન અંબાણી પરિવારની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસા પ્રત્યેની અખંડ નિષ્ઠાને પ્રતિબિંબિત કરે છે, જે દેશભરના ભક્તોને પ્રેરણા આપે છે.