ગુજરાતની ધરતી તેના પેટાળમાં અનેક ઐતિહાસિક અને સાંસ્કૃતિક રહસ્યો છુપાવીને બેઠી છે, જેનો જીવંત પુરાવો ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના શેરીસા ગામમાં જોવા મળ્યો છે. ગામમાં ચાલી રહેલા સામાન્ય ખોદકામ દરમિયાન અચાનક પ્રાચીન જૈન મૂર્તિઓ મળી આવતા સમગ્ર પંથકમાં કુતૂહલ અને આસ્થાનો માહોલ છવાયો છે.શેરીસા ગામમાં જ્યારે જમીનનું ખોદકામ ચાલી રહ્યું હતું, ત્યારે અચાનક પથ્થરની કલાત્મક મૂર્તિઓ દેખાવા લાગી હતી. આ મૂર્તિઓ બહાર કાઢતા માલૂમ પડ્યું હતું કે તે જૈન ધર્મની પ્રાચીન પ્રતિમાઓ છે. જોકે, લાંબો સમય જમીનમાં દટાયેલી રહેવાને કારણે આ મૂર્તિઓ આંશિક રીતે ખંડિત અવસ્થામાં મળી આવી છે. મૂર્તિઓની કોતરણી અને શૈલી જોતા તે સદીઓ જૂની હોવાના સ્પષ્ટ પુરાવા મળી રહ્યા છે.આ સમાચાર વાયુવેગે પ્રસરતા જ શેરીસા સહિત આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. આ પવિત્ર મૂર્તિઓના દર્શન કરવા માટે જૈન મુનિઓ પણ તાત્કાલિક ખોદકામ સ્થળે દોડી આવ્યા હતા. ધાર્મિક દ્રષ્ટિકોણથી આ સ્થળ અત્યંત મહત્વનું હોવાનું મનાઈ રહ્યું છે, કારણ કે આ મૂર્તિઓ પ્રાચીન સમયમાં અહીં કોઈ ભવ્ય જિનાલય કે જૈન વસતી હોવાના સંકેત આપે છે.જો કે ઇતિહાસકારો અને પુરાતત્વ વિભાગ દ્વારા જો આ સ્થળની વધુ તપાસ કરવામાં આવે, તો ગુજરાતના જૈન ઇતિહાસના નવા પાના ખૂલી શકે તેમ છે.