પાયલ ખટીક પહેલીવાર પ્લેનમાં બેઠી, બી. ટેક માટે લંડન જતી હતી, ટેક ઓફની બે જ મિનિટમાં પ્લેનક્રેશ થતા ભરખી ગયો કાળ- Video
હિંમતનગરની 22 વર્ષિય બી.ટેક કર્યા બાદ વધુ અભ્યાસ માટે લંડન જતી હતી. પહેલી જ વાર પ્લેનમાં બેઠી હતી અને એ જ પ્લેન ક્રેશ થઈ જતા પરિવારે તેમની લાડલી દીકરીને ગુમાવી છે. રિક્ષા ચાલક પિતાએ પુત્રીના દરેક સપના સજાવ્યા અને વધુ અભ્યાસ માટે જ્યારે લંડનના વિઝા મળ્યા તો પરિવારની ખુશીનો કોઈ પાર ન રહ્યો. પરંતુ આ ક્ષણભરમાં જ પરિવારની તમામ ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અનેક મુસાફરોની જિંદગી હોમાઈ છે. આ હતભાગીઓમાં એક હિંમતનગરની 22 વર્ષીય યુવતી પણ સામેલ હતી. જે પહેલી વખત વિમાનમાં બેઠી હતી. તેમની આ પ્રથમ સફર જ મોતની સફર બની ગઈ. પાયલ ખટીકના પિતા ગરીબ પરિવારમાંથી આવે છે. તેમણે તનતોડ મહેનત કરી. રિક્ષા ચલાવી પોતાની પુત્રીને ભણાવી અને આખરે એ દિવસ આવ્યો કે તેમની પુત્રીએ બીટેકનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વધુ અભ્યાસ માટે લંડનના વિઝા મળ્યા. પાયલ ખટીક સ્ટુડન્ટ વિઝા પર લંડન જતી હતી. પણ દુર્ભાગ્ય કે ફ્લાઈટ ટેકઓફ થયાની બે મિનિટમાં જ ક્રેશ થયુ અને પરિવારે એક આશાસ્પદ દીકરીને ગુમાવી.
વિદેશ જઈને પોતાના ભાવિનું ઘડતર કરવાના સ્વપ્ન પળવારમાં જ આગમાં ભસ્મીભૂત થઈ ગયા. પાયલના પરિવારજનો હજુ પોતાની દીકરીને વળાવાની એરપોર્ટથી નીકળ્યા જ હતા અને આ આઘાતજનક સમાચાર આવ્યા. વિમાન દુર્ઘટનાના સમાચાર સાંભળી પાયલના પરિવાર પર આભ તૂટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. પોતાની વ્હાલસોઈ લાડલી દીકરીને ગુમાવવાથી પરિજનોની આંખો સુકાતી નથી.