કાનુની સવાલ : મ્યુચ્યુઅલ ડિવોર્સમાં રાહ નહીં, રાહત મળશે, કૂલિંગ ઓફ પિરિયડ ફરજિયાત નથી, ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
કાનુની સવાલ: ગુજરાત હાઈકોર્ટએ ફેમિલી કોર્ટ દ્વારા મ્યુચ્યુઅલ ડિવોર્સ અરજી ફગાવવાના આદેશને રદ કરી દીધો છે અને સમગ્ર મામલો ફરીથી ફેમિલી કોર્ટમાં મોકલવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટનો આ ચુકાદો એવા દંપતિઓ માટે માર્ગદર્શક સાબિત થશે, જે લાંબા સમયથી અલગ રહેતા હોવા છતાં કાનૂની પ્રક્રિયામાં અટવાયેલા હોય.
પરસ્પર સંમતિથી છૂટાછેડા લેવા ઈચ્છતા દંપતિઓ માટે ગુજરાત હાઈકોર્ટએ એક મહત્વપૂર્ણ અને રાહત આપતો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટએ સ્પષ્ટ કર્યું છે કે મ્યુચ્યુઅલ ડિવોર્સના મામલે 6 મહિનાનો કૂલિંગ ઓફ પિરિયડ માત્ર ઔપચારિકતા નથી, પરંતુ તે ફરજિયાત પણ નથી. જો કેસની પરિસ્થિતિ એવી હોય કે પુનઃમિલનની કોઈ શક્યતા ન હોય, તો કોર્ટ આ સમયગાળાને માફ કરી શકે છે.
આ ટિપ્પણી સાથે ગુજરાત હાઈકોર્ટએ ફેમિલી કોર્ટ દ્વારા મ્યુચ્યુઅલ ડિવોર્સ અરજી ફગાવવાના આદેશને રદ કરી દીધો છે અને સમગ્ર મામલો ફરીથી ફેમિલી કોર્ટમાં મોકલવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટનો આ ચુકાદો એવા દંપતિઓ માટે માર્ગદર્શક સાબિત થશે, જે લાંબા સમયથી અલગ રહેતા હોવા છતાં કાનૂની પ્રક્રિયામાં અટવાયેલા હોય.
શું છે સમગ્ર મામલો?
કેસ મુજબ દંપતિના લગ્ન 9 ડિસેમ્બર 2023ના રોજ થયા હતા. પરંતુ લગ્ન બાદ થોડા જ સમયમાં બંને વચ્ચે ગંભીર મતભેદ ઊભા થયા. પરિણામે 17 જાન્યુઆરી 2024થી બંને અલગ રહેવા લાગ્યા હતા. પતિ યુકેમાં ઉચ્ચ અભ્યાસ માટે ગયો હતો અને ત્યાં જ સ્થાયી થવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, જ્યારે પત્ની અમદાવાદમાં રહી પોતાની કરિયર આગળ વધારવા માંગતી હતી.
બન્નેની લાઈફસ્ટાઈલ, વિચારધારા અને ભવિષ્યની યોજનાઓ સંપૂર્ણપણે અલગ હોવાથી બંનેએ પરસ્પર સંમતિથી લગ્ન વિચ્છેદ કરવાનો નિર્ણય લીધો હતો. આ માટે દંપતિએ 1 એપ્રિલ 2025ના રોજ ફેમિલી કોર્ટમાં મ્યુચ્યુઅલ ડિવોર્સ માટે અરજી કરી હતી.
ફેમિલી કોર્ટનો નિર્ણય
ફેમિલી કોર્ટએ 8 ઓગસ્ટ 2025ના રોજ આ અરજી ફગાવી દીધી હતી. કોર્ટનું કહેવું હતું કે 6 મહિનાનો કૂલિંગ ઓફ પિરિયડ એક અર્થપૂર્ણ સમયગાળો છે અને તેને માફ કરવા માટે અલગથી કોઈ અરજી કરવામાં આવી નહોતી. આ નિર્ણય સામે દંપતિએ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી.
હાઈકોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી
હાઈકોર્ટએ સુપ્રીમ કોર્ટના અમરદીપ સિંહ વર્સેસ હરવીન કૌર કેસનો સંદર્ભ આપતાં જણાવ્યું કે કૂલિંગ ઓફ પિરિયડ ડાયરેક્ટરી છે, ફરજિયાત નથી. જો કોર્ટને લાગે કે પક્ષો લાંબા સમયથી અલગ રહે છે, સમાધાનની કોઈ શક્યતા નથી અને તમામ વિવાદો ઉકેલાઈ ગયા છે તો કોર્ટ આ સમયગાળો માફ કરી શકે છે.
હાઈકોર્ટએ નોંધ્યું કે આ કેસમાં દંપતિ એક વર્ષથી વધુ સમયથી અલગ રહે છે અને બંને પોતાની-પોતાની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. આવી સ્થિતિમાં વધુ વિલંબ કરવો માત્ર માનસિક પીડા વધારવા સમાન છે.
અંતિમ આદેશ
હાઈકોર્ટએ ફેમિલી કોર્ટનો 8 ઓગસ્ટ 2025નો આદેશ રદ કરી દીધો છે. સાથે જ મ્યુચ્યુઅલ ડિવોર્સનો કેસ ફરીથી ફેમિલી કોર્ટમાં મોકલવામાં આવ્યો છે. દંપતિને બે અઠવાડિયામાં કૂલિંગ ઓફ પિરિયડ માફી માટે અરજી કરવાની છૂટ આપવામાં આવી છે. ફેમિલી કોર્ટને આ કેસનો નિકાલ છ મહિનાની અંદર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ મામલે કોઈ ખર્ચ લાદવામાં આવ્યો નથી.
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
ટાઈફોઈડના 85 દર્દીઓ સારવાર હેઠળ, પાણીના એક હજારથી વધુ નમૂના લેવાયા
દેશમાં સતત ત્રીજીવાર ચૂંટાયેલા 110 સંસદ સભ્યની આવકમાં અઘધઘધ વધારો
ઉત્તરાયણને સુરક્ષિત અને પર્યાવરણમિત્ર બનાવવા શિક્ષણ વિભાગનો પ્રયાસ
ગાંધીનગરમાં વકર્યો ટાઇફોઇડ, અત્યાર સુધીમાં કુલ 144 કેસ નોંધાયા
