શું યુદ્ધને કારણે ગુજરાતમાં સર્જાશે ઈંધણની અછત ? જાણો CM અને હર્ષ સંઘવીની બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો વિશે જે તમારી ચિંતા કરી દેશે દૂર!
વૈશ્વિક યુદ્ધની સ્થિતિ વચ્ચે ગુજરાતમાં જીવનજરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો જાળવી રાખવા Dy.Cm અને CM એ ગાંધીનગરમાં હાઈ-લેવલ બેઠક યોજી હતી. રાજ્યમાં PNG કનેક્શન આપવાની કામગીરી યુદ્ધના ધોરણે તેજ કરવામાં આવી છે અને ખાતર તેમજ અનાજનો પૂરતો સ્ટોક હોવાની ખાતરી આપવામાં આવી છે.
વૈશ્વિક કટોકટીની અસર ગુજરાતના સામાન્ય નાગરિકો પર ન પડે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં વરિષ્ઠ સચિવો સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં ખાસ કરીને આવશ્યક ચીજવસ્તુઓના વિતરણ અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્યમાં હાલ ગેસ, પેટ્રોલ, ડીઝલ અને ફર્ટીલાઇઝર સહિતની આવશ્યક ચીજવસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને ભવિષ્યમાં પણ સપ્લાય જળવાઈ રહેશે.
Dy.CM હર્ષ સંઘવી અને સરકારના મહત્વના દિશા-નિર્દેશો:
સંગ્રહખોરો સામે પોલીસ કાર્યવાહી: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહ વિભાગને સ્પષ્ટ સૂચના આપી છે કે યુદ્ધની સ્થિતિનો ફાયદો ઉઠાવીને પેટ્રોલ, ડીઝલ કે ગેસની સંગ્રહખોરી કરનારા તત્વો પર બાજ નજર રાખવામાં આવે. કાળાબજાર કરનારાઓ સામે કડકાઈથી પેશ આવીને જેલ ભેગા કરવાના આદેશ અપાયા છે.
પુરવઠાની સુનિશ્ચિતતા: બેઠકમાં જણાવવામાં આવ્યું કે રાજ્યમાં હાલ ગેસ, પેટ્રોલ અને ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ઓઈલ અને ગેસ કંપનીઓ સાથે સરકાર સતત સંપર્કમાં છે જેથી ભવિષ્યમાં પણ સપ્લાય ખોરવાય નહીં.
યુદ્ધના ધોરણે PNG કનેક્શન: વડાપ્રધાન મોદીના વિઝન મુજબ, ગુજરાતમાં PNG કનેક્શન આપવાની કામગીરી તેજ કરાઈ છે. છેલ્લા 10 દિવસમાં જ 12,000 થી વધુ નવા કનેક્શન અપાયા છે, જેમાં હોસ્પિટલો અને શાળાઓને પ્રાથમિકતા અપાઈ રહી છે.
સ્ટેટ લેવલ કોર્ડીનેશન કમિટી: સપ્લાય ચેઈન પર નજર રાખવા મુખ્ય સચિવના નેતૃત્વમાં સ્ટેટ લેવલ અને કલેક્ટરના નેતૃત્વમાં જિલ્લા સ્તરીય કમિટીઓ કાર્યરત કરવામાં આવી છે.
NRI અને શ્રમિકોની સુરક્ષા: વિદેશમાં ફસાયેલા ગુજરાતીઓ માટે હેલ્પલાઈન શરૂ કરાઈ છે, તેમજ રાજ્યના શ્રમિકોને સમયસર મહેનતાણું મળે તે માટે શ્રમ વિભાગને તાકીદ કરવામાં આવી છે.
