ગુજરાતમાં વરસાદી તારાજીનો મુદ્દો સંસદમાં ઉઠાવાશેઃ શક્તિસિંહ ગોહીલ
ગુજરાતમાં વર્તમાન ચોમાસામાં અતિભારે વરસાદથી ઘેડ પંથકમાં સર્જાયેલ તારાજી બાદ પણ રાજ્ય સરકારે સમયસર પુનઃવસન, બચાવ અને રાહતની કામગીરી હાથ ધરી ના હોવાનો આક્ષેપ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભાના સભ્ય શક્તિસિંહ ગોહીલે કર્યો છે.
ગુજરાતમાં વર્તમાન ચોમાસામાં કેટલાક જિલ્લામાં અતિભારે વરસાદ થયો છે. ચોવીસ કલાકના સમયગાળામાં 17 ઈંચ જેટલા પડેલા ભારેથી અતિ ભારે વરસાદથી ચોમેર પાણી જ પાણી થઈ ગયું હતું. લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. તો બીજી તરફ ખેતરોમાં લહેરાતા પાકનો સોથ વળી ગયો છે.
ખાસ કરીને નવસારી, સોનગઢ, પોરબંદર, દ્વારકા, ઘેડમાં કલ્પી ના શકાય એવી તારાજી સર્જાઈ હોવાનું જણાવીને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભાના સભ્ય શક્તિસિંહ ગોહીલે આક્ષેપ કર્યો છે કે, આવા કપરા સમયમાં સરકાર દ્વારા જે બચાવ, રાહત અને પુનઃવસનની કામગીરી થવી જોઈએ તે બિલકુલ નથી થઈ. કામગીરી થઈ નથી. ગત સપ્તાહે રજૂ થયેલા કેન્દ્રીય બજેટમાં પણ ગુજરાતને પૂર રાહત માટે જરૂરી રૂપિયા ફાળવ્યા નથી. માત્ર બિહારને જ આ રૂપિયા ફાળવી દેવાયા હોવાનું તેમણે જણાવ્યું હતું.
શક્તિસિંહે આક્ષેપ કર્યો હતો કે, ગુજરાતના વિવિધ નગરો અને શહેરોમાં વરસાદી પાણીના નિકાલ માટેના કામોના નામે કરોડો રૂપિયા કાગળ ઉપર ખર્ચાય છે, પરંતુ હકીકતમાં વરસાદી પાણીનો નિકાલ થવાના બદલે ખૂબ મોટાપાયે ભયમુક્ત ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. જેના કારણે શહેરો અને નગરોમાંથી વરસાદી પાણીનો નિકાલ થતો નથી. પરંતુ લોકોના ઘર તથા ધંધા રોજગારના સ્થાનોમાં પાણી ઘૂસી જવાથી કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.