સાળંગપુર ધામમાં કષ્ટભંજન દેવને કરાયો અદ્દભૂત શણગાર, મંગળા આરતીમાં ઉમટ્યા મોટી સંખ્યામાં ભાવિકો- Video
દિવાળીના શુભ અવસરે સાળંગપુર ધામમાં કાળી ચૌદસની મહાપૂજા યોજાઈ હતી. કષ્ટભંજન દેવને ભવ્ય શણગાર કરવામાં આવ્યો અને મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા . હનુમાનજીના દર્શનનો વિશેષ મહિમા હોઈ, ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી. પરંપરાગત મારુતિ યજ્ઞ પણ ભક્તિભાવપૂર્વક સંપન્ન થયો.
આજે દિવાળીનો શુભ અવસર છે. જો કે સવારે ચૌદસનો સંયોગ હોઈ પ્રસિદ્ધ સાળંગપુર ધામમાં આજે કાળી ચૌદસની મહાપૂજાનું આયોજન થયું.
બોટાદમાં આવેલ પ્રસિદ્ધ સાળંગપુર ધામમાં દર વર્ષે કાળી ચૌદસે વિશેષ પૂજાનું આયોજન થયું હોય છે. ત્યારે ચૌદસની ઉદય તિથિ આજે હોવાથી સાળંગપુર ધામમાં વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી. આજે મંદિરને અને કષ્ટભંજન દેવને અદભુત શણગાર કરાયો હતો.
સવારે સાડા પાંચ કલાકે કષ્ટભંજન દેવની મંગળા આરતી કરાઈ. આરતીમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા. કાળી ચૌદસે હનુમાનજીના દર્શનનો સવિશેષ મહિમા રહેલો છે. ત્યારે ભક્તોએ પણ દાદાના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી.
ગોપાળાનંદ સ્વામી દ્વારા સ્થાપિત છડીની પણ આજે અભિષેક અને પૂજા કરાઈ. તો સાળંગપુર ધામમાં છેલ્લા 70 વર્ષથી કાળી ચૌદસે વિશેષ “મારૂતિ યજ્ઞ”નું આયોજન થાય છે. આ વખતે 530 પાટલા નોંધાયા હતા. પુરુષો સહિત મહિલાઓએ પણ આ યજ્ઞમાં ભાગ લીધો. દર વર્ષની જેમ પૂર્વમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ સાળંગપુર ધામ પહોંચ્યા હતા.
કાળી ચૌદસ એટલે કે નરક ચતુર્દશીએ. કષ્ટભંજન દેવના સાનિધ્યમાં આયોજીત આ વિશેષ પૂજા પરમ શાંતિની પ્રાપ્તિ કરાવનારી મનાય છે. પૂજાવિધિના આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, ભાજપના નેતા ભૂપેન્દ્ર ચૂડાસમા પણ ખાસ સહભાગી થયા હતા.