વડોદરાના હરણી તળાવમાં બાળકો ડૂબવાની દુર્ઘટના મુદ્દે બિનીત કોટિયાની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા પાંચ દિવસથી બિનીત કોટિયા નાસતો ફરતો હતો..ધરપકડથી બચવા માટે જુદા-જુદા રાજ્યમાં ફરી રહેલા બિનીત કોટિયાને વડોદરા આવતી વખતે પોલીસે દબોચી લીધો છે.
દુર્ઘટના કેસના તમામ આરોપીના રહેઠાણના સ્થળની તપાસ કરવામાં આવી છે. આરોપીની મિલકત ટાંચમાં લેવા કાર્યવાહી થઈ શકે છે. આરોપીને કોને આશરો આપ્યો ? ક્યાં ક્યાં સ્થળોએ છુપાયો તેની તપાસ પોલીસ કરી રહી છે.સાથે દુર્ઘટના અંગે FSLની તપાસ ચાલુ છે. બોટ બનાવનાર કંપનીના સંચાલકોના નિવેદનો પણ પોલીસે લીધા છે.
હરણી હોનારત મામલે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે. દુર્ઘટનામાં મોતને ભેટેલા બાળકના પિતાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી નિષ્પક્ષ એજન્સી પાસે તપાસ કરાવવાની માગ કરી છે. પીડિતોના વકીલ ઉત્કર્ષ દવેએ જણાવ્યું કે દુર્ઘટના બાદ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ હતું ત્યારે જ FIR દાખલ કરવામાં આવી છે. પરંતુ તેમાં જવાબદાર એક પણ સરકારી અધિકારી સામે ફરિયાદ દાખલ નથી કરાઇ. આથી તાત્કાલિક ધોરણે કરાયેલી FIR શંકાસ્પદ છે.
તંત્ર દ્વારા નિયમોને નેવે મુકીને કોટિયા કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો. તેમણે કહ્યું કે કોટિયા કંપનીને ફક્ત પેડલ બોટનું સંચાલન કરવાની જ મંજૂરી આપવામાં હતી. પરંતુ તેમણે મોટરવાળી બોટ ચલાવી. 1990માં થયેલી દુર્ઘટના માટે પણ કોટિયા કંપની જ જવાબદાર હતી, તેમ છતાં ફરી તેમને જ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો. ત્યારે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થવી જોઇએ.
Published On - 11:53 pm, Tue, 23 January 24