આસારામ આશ્રમ ફરી એકવાર વિવાદમાં, શિબિરમાં આવેલો હૈદરાબાદનો યુવક એક અઠવાડિયાથી ગુમ, પરિવારના ગંભીર આરોપ
સૂત્રો પાસેથી મળતી માહિતી મૂજબ યુવક જે તારીખથી ગુમ થયો તે દિવસના આશ્રમના CCTV ફૂટેજ મળ્યા નથી, જે અનેક શંકાઓ જન્માવનારી ઘટના છે.
AHMEDABAD : અમદાવાદમાં આવેલો આસારામનો આશ્રમ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે.. આશ્રમમાંથી વિજય નામનો યુવક ગાયબ થઈ ગયો છે.. હૈદરાબાદનો યુવક મિત્રો સાથે આસારામના આશ્રમમાં આવ્યો હતો.. જે છેલ્લા એક અઠવાડિયાથી ગુમ છે.. તેને શોધવા માતા-પિતા આસારામના આશ્રમમાં પહોંચ્યા છે… તો ચાંદખેડા પોલીસે આશ્રમ પહોંચી વધુ તપાસ શરૂ કરી.
મળતી માહિતી મૂજબ નવિન તીર્થાણી નામનો એક યુવક આસારામ આશ્રમમાં શિબિર છે એવું કહી હૈદરાબાદથી 10 જેટલા યુવકોને આશ્રમમાં લઇ આવ્યો હતો. આ શિબિર પૂરી થયા બાદ તમામ મિત્રો પોતપોતાના ઘરે પહોચી ગયા હતા પણ વિજય યાદવ નામનો યુવક પોતાના ઘરે પહોચ્યો ન હતો. આ અંગે વિજય યાદવના પરિવારજનોએ આક્ષેપ કર્યા છે કે વિજયને સંમોહનનો શિકાર બનાવાયો છે. વિજય ઘરે પરત ન ફરતા તેના પરિવારજનો ચિંતિત છે.
હાલ ગુમ થયેલા વિજયની ચાંદખેડા પોલીસ તપાસ કરવામાં લાગી છે અને આ અંગે અલગ અલગ ટીમો બનાવાઈ હોવાની માહિતી મળી રહી છે. ચાંદખેડા પોલીસ દ્વારા આસારામ આશ્રમે જઈ તપાસ કરવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મૂજબ યુવક જે તારીખથી ગુમ થયો તે દિવસના આશ્રમના CCTV ફૂટેજ મળ્યા નથી, જે અનેક શંકાઓ જન્માવનારી ઘટના છે. વિજયના પરિવારે કહ્યું કે છેલ્લી વાર ગત 9 તારીખે વિજયની સાથે વાતચીત થઇ હતી.
આ પણ વાંચો : ભરૂચના આમોદમાં ધર્માંતરણ મુદ્દે પોલીસ તપાસ તેજ, ધર્માંતરણ કરનાર યુવકે ઘટસ્ફોટ કર્યો
આ પણ વાંચો : સો ટકા નલ સે જલ મેળવનાર છઠ્ઠો જિલ્લો બન્યો વડોદરા, મુખ્યપ્રધાને વડોદરા જિલ્લાને સો ટકા ટેપ વોટર કનેક્ટેડ જાહેર કર્યો