રાજ્યની દરેક શાળાઓમાં માતા સરસ્વતીની મૂર્તિ મુકવા રાજ્ય શાળા સંચાલક મંડળની રજૂઆત, પીએમ, સીએમ અને શિક્ષણમંત્રીને લખ્યો પત્ર
Gandhinagar: રાજ્યભરની શાળાઓમાં માતા સરસ્વતીની મૂર્તિ મુકવાની રાજ્ય શાળા સંચાલક મંડળે માગ કરી છે. તેમણે પીએમ મોદી, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે.
રાજ્યભરની સ્કૂલોમાં મા સરસ્વતીની મૂર્તિ મૂકવાની માગ રાજ્ય શાળા સંચાલક મંડળે કરી છે. મંડળે વડાપ્રધાન, મુખ્યમંત્રી, અને શિક્ષણમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. જેમાં માતા સરસ્વતીની મૂર્તિને લઈને કેટલાક તર્ક રજૂ કરવામાં આવ્યા છે. રાજ્ય શાળા સંચાલક મંડળનું માનવુ છે કે સ્કૂલોમાં શૈક્ષણિક વાતાવરણ ઉભુ કરવામાં માતા સરસ્વતીની મૂર્તિ મહત્વનો ભાગ ભજવે છે. સાથે જ પુરાણોમાં દેવી-દેવતાઓમાં માતા સરસ્વતીને અનોખુ સ્થાન આપવામાં આવ્યુ છે. રાજ્ય શાળા સંચાલક મંડળે એવો તર્ક આપ્યો છે કે જો સ્કૂલોમાં વિદ્યાર્થીઓ વિદ્યાની દેવી માતા સરસ્વતીના દર્શન કરીને વર્ગખંડમાં અભ્યાસ કરવા જાય તો તેમના વિચારોનું શુદ્ધિકરણ થાય છે. તેથી જ સમગ્ર રાજ્યની શાળાઓમાં એક સરખી સાઈઝનું માતા સરસ્વતીની મૂર્તિનું સ્થાપન કરવુ જોઈએ. જો કે શાળા સંચાલક મંડળે પોતાની રજૂઆતમાં લઘુમતી શાળાઓને બાકાત રાખવાની પણ વાત કરી છે.
હિંદુ પુરાણોમાં દેવી-દેવતાઓમાં અનોખું સ્થાન ધરાવે છે મા સરસ્વતી
શાળા સંચાલક મંડળે તમામ શાળાઓના દરવાજે અઢીથી ત્રણ ફુટની મૂર્તિ મુકવાની માગ કરી છે. શાળા સંચાલક મંડળનું કહેવુ છે કે બાળક જ્યારે શાળામાં પ્રવેશ કરશે, ત્યારે એક નવી ઊર્જા સાથે પ્રવેશષે. તેમણે જણાવ્યુ છે કે સરસ્વતી માતાની મૂર્તિ વાતાવરણમાં બહુ મોટુ યોગદાન આપે છે. વિદ્યાર્થીઓ આ મૂર્તિના દર્શન કરી વર્ગમાં જાય તો વિચારોમાં સકારાત્મક્તા આવે છે. વર્ષ 1972ના નિયમ મુજબ કોઈપણ શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ ના આપી શકાય. આ બાબતે શાળા સંચાલક મંડળે સ્પષ્ટતા કરી છે કે મૂર્તિ મુકવી અને ધાર્મિક શિક્ષણ આપવુ બંને અલગ બાબતો છે. આથી તેમા કોઈપણ પ્રકારના નિયમોનો ભંગ થતો નથી.