Banaskantha: અંબાજી જતા વધુ બે પદયાત્રીઓના મોત, ફૂલસ્પીડમાં આવતા જીપચાલકે બે પદયાત્રીને કચડી નાખ્યા
અંબાજીમાં (Ambaji) ભાદરવી પૂનમ ભરવા માટે મોટી સંખ્યામાં લોકો દર વર્ષે પગપાળા જતા હોય છે. ત્યારે થરાદના બંને યુવકો પણ પગપાળા અંબાજી જઈ રહ્યા હતા. આ દરમિયાન જીપચાલક તેમના માટે કાળ બનીને આવ્યો.
બેફામ વાહનની અડફેટે અંબાજી (Ambaji) જતા પદયાત્રીઓના મોતની વધુ એક ઘટના બનાસકાંઠામાં (Banaskantha) સામે આવી છે. બનાસકાંઠા જિલ્લાના લાખણી-ડીસા હાઈવે પર જીપની અડફેટે બે પદયાત્રીના મોત થયા છે. ફૂલસ્પીડમાં આવતા જીપચાલકે બે પદયાત્રીને કચડી નાખતા એકનું ઘટનાસ્થળે અને એકનું સારવાર દરમિયાન મોત થયું છે. બંને મૃતકોની ઓળખ થઈ ગઈ છે. જેમાં થરાદના ઝેટા ગામના વતની લગધીરજી ઠાકોરનું ઘટનાસ્થળે મૃત્યું થયું છે, જ્યારે થરાદના પડાદર ગામના રાયસંગ પટેલનું સારવાર દરમિયાન મોત થયું છે.
પોલીસે જીપચાલક સામે ગુનો નોંધ્યો
અંબાજીમાં ભાદરવી પૂનમ ભરવા માટે મોટી સંખ્યામાં લોકો દર વર્ષે પગપાળા જતા હોય છે. ત્યારે થરાદના બંને યુવકો પણ પગપાળા અંબાજી જઈ રહ્યા હતા. આ દરમિયાન જીપચાલક તેમના માટે કાળ બનીને આવ્યો. જીપ ચાલકે બંને પદયાત્રીઓને અડફેટે લીધા હતા. જે પછી બંનેનું મોત થયુ છે. હાલ તો બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે લાખણીની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા છે. ઘટનાને પગલે આગથળા પોલીસે જીપચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. બીજીતરફ મૃતકના સ્વજનોએ દુઃખ વ્યક્ત કરવાની સાથે લોકોને આજીજી કરી છે કે લોકો વાહનો ધીમે ચલાવે.
શુક્રવારે પણ નવ લોકોના થયા હતા મોત
મહત્વનું છે કે ગઈકાલે અરવલ્લીના માલપુર નજીક કારચાલકે અંબાજી જઈ રહેલા પદયાત્રીકોને કચડી માર્યા હતા. જેમાં સાત લોકોનાં મોત થયા હતા અને કારચાલક સહિત 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અરવલ્લી પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે કારચાલકની બેદરકારીના કારણે જ અકસ્માત સર્જાયો હતો. મહારાષ્ટ્ર પાસિંગની ઈનોવા કારચાલક પુણેથી ઉદયપુર તરફ જઈ રહ્યો હતો. સતત 20 કલાકથી કાર ચલાવતા ડ્રાઈવરને ઝોકું આવતા તેણે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો.